GalleryEvents મુંબઈ નજીક નેવી હોસ્પિટલ ‘INHS સંધાની’ કાર્યાન્વિત… December 24, 2018 ભારતીય નૌકાદળે મુંબઈ નજીકના ઉરણમાં નૌકાદળના મથક કારંજ ખાતે તેની 10મી નેવલ હોસ્પિટલ ‘INHS સંધાની’ને 24 ડિસેંબર, સોમવારે કાર્યાન્વિત કરી હતી. પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ ગિરીશ લુથરાના પત્ની અને નેવી વાઈવ્સ વેલફેર એસોસિએશન (પશ્ચિમ રીજન)નાં પ્રમુખ પ્રીતિ લુથરાએ આ હોસ્પિટલની તક્તીનું અનાવરણ કર્યું હતું. હોસ્પિટલના ફર્સ્ટ કમાન્ડિંગ ઓફિસર સર્જન કેપ્ટન એચ.બી.એસ. ચૌધરીએ કમિશનિંગ વોરંટ વાંચી સંભળાવ્યો હતો. નૌકા મથક કારંજના છેલ્લા અમુક દાયકાઓમાં થયેલા વિસ્તરણને પગલે 8000થી વધુ નૌસૈનિકો તેમજ એમના આશ્રિત વ્યક્તિઓ માટે એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂર હતી. આ હોસ્પિટલ 30-પથારીવાળી છે, જેમાં નિષ્ણાત ડોક્ટરો એવા દર્દીઓને સેવા પૂરી પાડશે, જેમને કોઈ ગંભીર બીમારી હોય અથવા કોઈ તાકીદના કેસો હોય. અગાઉ, ‘નેવલ હોસ્પિટલ કારંજ’ માત્ર નૌસૈનિકો માટે જ હતી, પરંતુ હવે ‘આઈએનએચએસ સંધાની’ હોસ્પિટલમાં આસપાસના રહેવાસીઓને પણ સેવા ઉપલબ્ધ થશે. (તસવીરોઃ દીપક ધુરી)