ST નિગમની પોતાની ઇનહાઉસ સ્લીપર કોચ બસો શરુ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ઇન હાઉસ નિર્માણ થયેલી ૨૫ સ્લીપર કોચને પ્રસ્થાન કરાવ્યું હતું.આ સાથે તેમણે જાહેર કર્યું હતું કે, એપ્રિલ-૨૦૧૯ સુધીમાં એસ.ટી.નિગમ વધુ ૧૭૦૦ બસ ઇન હાઉસ નિર્માણ કરશે. ભૂતકાળમાં એસ.ટી.નિગમ ઉપેક્ષિત રહ્યું અને બસો પણ ખખડપંચમ જેવી હાલતમાં હતી, પરંતુ આ સરકારે પ્રોપર પ્લાનીંગ અને ઉપલબ્ધ સંશોધનોના મહત્તમ વિનિયોગથી આજે એસ.ટી. નિગમને અન્ય રાજ્યો માટે પ્રેરણાદર્શક બનાવ્યું છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ ઇન હાઉસ સ્લીપર કોચ બસ બોડી બનાવનારૂ દેશનું પ્રથમ નિગમ બન્યું છે તે માટે તેમણે કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.