આણંદઃ ચારુતર આરોગ્ય મંડળ દ્વારા ડો. અમૃતા પટેલની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લોક કલ્યાણમાં અમૂલ્ય યોગદાન બદલ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ડો. અમૃતા પટેલના 75 વર્ષ અત્યંત હેતુપૂર્ણ, આનંદમય અને અનેક ઉપલબ્ધિઓથી ભરેલાં રહ્યાં હતાં, જે દરમિયાન તેમણે વિશ્વમાં પોતાની અમીટ છાપ ઉભી કરી છે. અમૃતાજીએ તેમનું સમગ્ર જીવન ભારત અને ગુજરાતના ગ્રામિણ લોકોને સમૃદ્ધ બનાવવા માટે સમર્પિત કર્યું છે તેમ ચારુતર આરોગ્ય મંડળ, કરમસદ દ્વારા ડો. અમૃતા પટેલની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાં ઈન્ફોસિસ લિમિટેડના સ્થાપક નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું. કુશળ નેતૃત્વ, જાહેરજીવનના વિવિધ સ્તરોએ આપેલા અમૂલ્ય યોગદાન, ગ્રામીણ ભારતના ગરીબોના ઉત્થાન માટેની તેમની પ્રતિબદ્ધતા તથા નિષ્ઠા અને સેવા માટેની તેમના મૂલ્યો બદલ પદ્મભૂષણ સન્માન મેળવનારા ડો. અમૃતા પટેલનું આ કાર્યક્રમમાં સન્માન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય, ડેરી, પર્યાવરણ, બેન્કિંગ તથા શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.