દાંતામાં આયાતી ઉમેદવારનો વિરોધ

બનાસકાંઠા જિલ્લા દાંતા વિધાનસભા બેઠક અનુસુચિત જનજાતિ બેઠક છે. આ બેઠક માટે ભાજપે માલજીભાઇ કોદરવીને ટિકીટ આપતાં કાર્યકરોમાં વિરોધ થયો છે.  વિધાનસભા 2017ની ચૂંટણી માટે દાંતા બેઠક  પર ચારથી પાંચ જેટલાં એસટી ઉમેદવારોએ ટિકીટની માગ કરી હતી. જેમાં આ તમામની અવગણના કરી ભાજપે નવા જ ચહેરા તરીકે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા મામલતદાર માલજીભાઇ કોદરવીને ટિકીટ ફાળવી જાહેરાત કરાતાં ભારે ભડકો જોવા મળ્યો છે. દાંતા તાલુકામથકે ટિકીટવાંચ્છુ ઉમેદવારોના કાર્યકર્તાઓ ભેગા થઇ સૂત્રોચ્ચાર કર્યાં હતાં. અને માલજીભાઇ વિરુદ્ધ પણ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે આ વિરોધ પ્રદર્શનને લઇ ભાજપ જિલ્લાના પદાધિકારીઓ દાંતા દોડી આવ્યાં હતાં ને આ નારાજ કાર્યકર્તાઓની ફરિયાદો સાંભળી ઉચ્ચ કક્ષાએ વિગતો મોકલી આપવા જણાવાયું હતું. જોકે આ નારાજ થયેલાં કાર્યકર્તાઓએ સ્થાનિક કાર્યકર્તાઓ ને જ ટિકીટ આપવાની માગ કરી છે. જ્યારે માલજીભાઇ કોદરવી ભાજપના પ્રાથમિક સભ્ય પણ ન હોવાનું તેમને જણાવ્યુ હતું.