‘નિસર્ગ’ વાવાઝોડાના પ્રકોપથી મુંબઈ આબાદ બચી ગયું…

ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘નિસર્ગ’ 3 જૂન, બુધવારે બપોરે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાયું હતું. એના લેન્ડફોલની શરૂઆત રાયગડ જિલ્લાના અલીબાગથી થઈ હતી. એ આગળ વધ્યું હતું, પરંતુ એનું જોર નબળું પડી જતાં મુંબઈ મહાનગર તથા પડોશના નવી મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓ પણ મોટી આફતમાંથી આબાદ બચી ગયા હતા. ત્રણ કલાકની ગતિ દરમિયાન વાવાઝોડાનું જોર નબળું પડી ગયું હતું. પરંતુ મુંબઈના દક્ષિણ ભાગમાં તેમજ થાણે જિલ્લામાં 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાતા અને ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળે ઝાડ, વિશાળ હોર્ડિંગ, મકાનના કાચા/નબળા શેડ જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. ઘણી જગ્યાએ તોતિંગ ઝાડ પડવાથી વાહનો ચગદાઈ ગયા હતા. અલીબાગમાં પવન પ્રતિ કલાક 120 કિ.મી. જેટલી ઝડપે ફૂંકાયો હતો અને ઘણા મકાનોના છાપરા-છત ઉડી ગયા હતા.

મુંબઈ એરપોર્ટ પર એક કાર્ગો વિમાન લપસણા બનેલા રનવે પર આગળની તરફ ફંટાઈ ગયા બાદ મોડી સાંજ સુધી એરપોર્ટ પર ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. મુંબઈમાં વરલી-સી લિન્ક વિસ્તારમાં પવનની ગતિ ખૂબ તેજ હતી. પવનના જોરને કારણે કોઈ પણ વાહન ઉડીને દરિયામાં પડી શકવાનું જોખમ હતું એટલે બાન્દ્રા-વરલી સી લિન્ક પર બપોરે ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડાની આંખનો ભાગ જેની પર હતો એ અલીબાગ નગરમાં ઘણું નુકસાન થયું છે. વીજળીનો થાંભલો એક જણ પર પડતાં એનું મરણ નિપજ્યું છે. અલીબાગમાંથી વાવાઝોડું પેણ અને પનવેલ તરફ આગળ વધ્યું હતું. ત્યાંથી મુંબઈ અને થાણે તરફ આગળ વધ્યું હતું.

(મુંબઈના બાન્દ્રામાં એક ઈમારતનો કાચો શેડ ભારે પવનને કારણે તૂટી પડ્યો)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]