વલસાડ અને નવસારીના વાચકો માટે ‘ચિત્રલેખા’એ ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ના સહયોગમાં 23 નવેંબર, શનિવારે વલસાડમાં અને ત્યારબાદ 24 નવેંબર, રવિવારે નવસારીમાં, એમ બે નગરમાં માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું. આ બંને નગરમાં ‘ચિત્રલેખા’ દ્વારા આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ સેમિનારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું જેને વાચકો/ઈન્વેસ્ટરોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.
બંને સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો દ્વારા બચત, ઈન્વેસ્ટમેન્ટ, ફાઈનાન્સિયલ પ્લાનિંગ તથા મ્યુચ્યુઅલ ફંડની ભૂમિકા વિશે સરળ સમજ આપવામાં આવી હતી. ઈન્વેસ્ટરોએ મોટી સંખ્યામાં હાજરી આપીને મૂડીરોકાણ વિશે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું અને સવાલ-જવાબ સત્રમાં એમને પજવતી મુંઝવણો વિષે પ્રશ્નો કરી નિષ્ણાતો પાસેથી ઉત્તર મેળવ્યા હતા.
વલસાડમાં ‘ધ ક્લબ રીસોર્ટ’ અને નવસારીમાં ‘ફન સીટી’ ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોકાણકારોનાં માર્ગદર્શન-જાગૃતિ માટે ‘આકરી આર્થિક મંદીના ઓછાયામાં કઈ રીતે કરશો રોકાણનું આયોજન?’ ટેગલાઈન સાથે આ બે સેમિનાર યોજવામાં આવ્યા હતા જેમાં ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘ફાઈનાન્સિયલ પ્લાનિંગ કઈ રીતે કરશો?’ વિશે તથા આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના રિજિનલ હેડ સેલ્સ-ડિસ્ટ્રિબ્યુશન મિકી દેસાઈએ ‘મ્યુચ્યુઅલ ફંડ કો જાનોગે તો માનોગે…’ વિશે ચર્ચા કરીને વિસ્તૃત જાણકારી આપી હતી.
બન્ને સેમિનાર પછી જાણીતા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને મિમિક્રી આર્ટીસ્ટ નીરવ મહેતાએ બચત-રોકાણની વાત કરીને, હાસ્ય-રમૂજની છોળો ઉડાડીને શ્રોતાઓ, ઈન્વેસ્ટરોને હળવાફૂલ કરી દીધા હતા.
બંને સેમિનારોનું સંચાલન જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ કર્યું હતું.
‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ ફયસલ બકીલીએ ઈન્વેસ્ટર શ્રોતાઓ અને નિષ્ણાત વક્તાઓને આવકાર આપ્યો હતો.
વલસાડ સેમિનારની તસવીરી ઝલક…
નવસારી સેમિનારની તસવીરી ઝલક…
(તસવીરોઃ ફયસલ બકીલી)