નાગરિકતા એક્ટના વિરોધમાં સદંતર બંધ

અમદાવાદમાં નાગરિકતા એક્ટના વિરોધમાં મુસ્લિમ આગેવાનોએ બંધનું એલાન અપાયું હતું. બંધનું એલાન અપાતા વહેલી સવારથી અમદાવાદના લાલદરવાજાના ઢાલગરવાડ, જમાલપુર, કાલુપુર, દરિયાપુર તેમજ જુહાપુરા સહિતના મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું.

સરદારબાગ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. તેમજ પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી છે.

જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં અગમચેતીના પગલાંરૂપે સેકટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણ પહોંચ્યા હતા. તેમજ લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મિરઝાપુરમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ પર લોકોએ મોઢે રૂમાલ બાંધી પથ્થરમારો કર્યો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. જેને પગલે પોલીસે મિરઝાપુરથી શાહપુર સુધી ફ્લેગ માર્ચ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

જો કે સાંજે શાહઆલમમાં લોકોએ ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓને પકડી પકડીને માર્યા હતા. તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. તમામ પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા.

વિરોધ પ્રદર્શન મામલે ગૃહરાજ્યમંત્રીએ પ્રદિપસિંહ જાડેજા રાજકોટમાં મીડિયાને જણાવ્યું કે, ગુજરાતમાં બંધની કોઈ જ અસર નથી.

માત્ર બે જ જગ્યાએ અઘટિત બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાંખ્યા છે.

(તસવીર પ્રજ્ઞેશ વ્યાસ)