ખેડુતો માટેના પુસ્તકનું વિમોચન

ગાંધીનગરઃ ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ ‘ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની પથદર્શિકા-પુસ્તક’ નું આજે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિમોચન કર્યું હતું.આ પથદર્શિકામાં કૃષિ ઉત્પાદન વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા અને આવક બમણી કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માટે ખેતીના જુદા જુદા ૧૩ વિષયોમાં વિના ખર્ચે અથવા ઓછા ખર્ચે ઉત્પાદનમાં વધારો કરે તેવા કૃષિ યુનિવર્સિટીના સંશોધનોને રજૂ કરવામાં આવ્યા છે. આ સંશોધન અને ભલામણોનો ખેતીમાં ઉપયોગ કરવા માટે ખેડૂતો દ્વારા લેવાના થતાં પગલાંની મુદ્દાસર વિગતો આપવામાં આવી છે. વધુમાં, જે તે વિષયને અનુલક્ષીને વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ સંશોધનો અપનાવીને ખેતીનું ઉત્પાદન વધાર્યું હોય તેવા ખેડૂતોની સફળગાથાઓ તેમના ઉત્પાદન નફાના આંકડાઓ સહિત મુકવામાં આવી છે. ખેડૂતોને આ માર્ગદર્શિકા કૃષિ ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે.