GalleryFashion & Entertainment લંડન મ્યુઝિયમમાં પ્રિયંકાનાં મીણનાં પૂતળાનું અનાવરણ… June 19, 2019 દુનિયાભરની જાણીતી હસ્તીઓનાં મીણનાં પૂતળાઓ પ્રદર્શિત કરવા માટે જાણીતા મેડમ તુસાદ મ્યુઝિયમના લંડનસ્થિત મ્યુઝિયમમાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની મીણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પૂતળામાં પ્રિયંકાની ડાયમંડની વેડિંગ રિંગને પણ બતાવવામાં આવી છે અને એની પ્રતિકૃતિને ખૂબ ઝીણવટપૂર્વક અને ખાસ તકેદારી લઈને બનાવવામાં આવી છે. પૂતળામાં પ્રિયંકાનો ગોલ્ડન ગાઉન લુક પસંદ કરવામાં આવ્યો છે. એ ગાઉન તેણે 2017માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારંભ વખતે ધારણ કર્યો હતો. આ પૂતળાનું સર્જન એટલું ઉત્તમ છે કે એ આબેહૂબ પ્રિયંકા જેવું જ દેખાય છે. પ્રિયંકા અમેરિકાના ગાયક-ગીતકાર નિકોલસ જોનાસને પરણી છે. એણે પોતાનું મીણનું પૂતળું બનાવવા માટે મેડમ તુસાદના નિષ્ણાતોની ટીમને ન્યૂયોર્ક સિટીસ્થિત પોતાનાં ઘરમાં જ બેસીને ચહેરા અને ફિગરનું માપ આપ્યું હતું. પ્રિયંકાનું મીણનું પૂતળું મેડમ તુસાદના ન્યૂયોર્ક, સિડની, સિંગાપોર, બેંગકોક અને હોંગકોંગ ખાતેના મ્યુઝિયમમાં પણ મૂકવામાં આવ્યું છે.