યુવા કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી અવસાન

કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા પુનીત રાજકુમારનું શુક્રવાર, 29 ઓક્ટોબર, સવારે બેંગલુરુમાં પ્રચંડ હાર્ટ એટેક આવવાથી નિધન થયું હતું. એ 46 વર્ષના હતા. પુનીત કન્નડ ફિલ્મોના ભૂતપૂર્વ સુપરસ્ટાર સ્વ. રાજકુમારના ત્રીજા નંબરના અને સૌથી નાના પુત્ર હતા. પુનીત એમની ફિટનેસ અને સક્રિય જીવનશૈલી માટે જાણીતા હતા. શુક્રવારે તે જિમ્નેશિયમમાં કસરત કરતા હતા એ વખતે એમને હાર્ટ એટેક આવ્યો હતો. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ એમનો જાન બચાવી શક્યા નહોતા.

પુનીતે આજે સવારે 7.33 વાગ્યે એમના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પોસ્ટ કર્યા હતા. એના બે કલાક બાદ એમણે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી અને હોસ્પિટલમાં એમણે આખરી શ્વાસ લીધો હતો. પુનીતના અંતિમસંસ્કાર શનિવાર, 30 ઓક્ટોબરે અમેરિકાથી એમના મોટા પુત્રી આવશે તે પછી કરવામાં આવશે.

પુનીતના અકાળે અવસાનથી દક્ષિણ ભારતીય, ખાસ કરીને કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે. ચિરંજીવી, મહેશબાબુ, લક્ષ્મી મંચુ, પવન કલ્યાણ, મમૂટી, દલકીર સલમાન, પૃથ્વીરાજ સુકુમારન સહિત અનેક દક્ષિણ ભારતીય ફિલ્મી કલાકારો, તેમજ બોલીવુડ એક્ટર સોનૂ સૂદે સોશિયલ મિડિયા મારફત શોક વ્યક્ત કર્યો છે.

પુનીતે એમના પિતા રાજકુમાર સાથે બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એમની જાણીતી ફિલ્મો છેઃ ‘રામ’, ‘હુદુગારુ’, ‘અંજનિ પુત્ર’ વગેરે. છેલ્લે એ ‘યુવારત્ન’ ફિલ્મમાં જોવા મળ્યા હતા જે આ વર્ષના આરંભમાં રિલીઝ થઈ હતી.

પુનીત રાજકુમાર અને ભૂતપૂર્વ લેગસ્પિનર અનિલ કુંબલે (ફાઈલ તસવીર)

પુનીતના નિધન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ અપીલ કરી છે કે રાજ્યમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની અપીલ કરી છે.