‘ડિબુક’ હોરર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું

ઈમરાન હાશ્મી, નિકીતા દત્તા અને માનવ કૌલ અભિનીત હિન્દી હોરર ફિલ્મ ‘ડિબુકઃ ધ કર્સ ઈઝ રિયલ’નું ટ્રેલર નિર્માતાઓએ 21 ઓક્ટોબર, ગુરુવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કર્યું હતું. આ ટ્રેલર એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરાયું છે. ફિલ્મ 29 ઓક્ટોબરે એમેઝોન પ્રાઈમ વિડિયો પર જ રિલીઝ કરાશે. ટ્રેલર પરથી કહી શકાય કે આ ફિલ્મ હોરર-થ્રિલરથી ભરપૂર હશે.

‘ડિબુક’ની વાર્તા યહુદીઓની પૌરાણિક કથાથી પ્રેરિત છે. જેમાં બૂરી આત્મા કે ભૂતને ડિબુક એટલે કે લાકડાના એક બોક્સ (સંદૂક)માં કેદ કરી રાખવામાં આવતી હતી. આ બોક્સને કોઈ ખોલતું નહીં, નહીં તો એમાંનું ભૂત એની સામે આવનાર જિંદગીઓને ખતમ કરવાની કોશિશ કરતું. તે ભૂત કોઈને પણ પોતાના વશમાં કરવા માટે એને મૃત્યુના મુખ સુધી પહોંચાડતું હતું. જે કોઈ ડિબુકને ખોલે એના મોતના દિવસોની ગણતરી શરૂ થઈ જતી.

ફિલ્મના મુખ્ય કલાકારો ઈમરાન હાશ્મી (સેમ) અને નિકીતા દત્તા (માહી) પતિ-પત્નીનાં રોલમાં છે. બંને જણ એક નવા ઘરમાં શિફ્ટ થાય છે. માહી નવા ઘરને સુશોભિત કરવા માટે ડિબુક ખરીદી લાવે છે. એને ખબર નહોતી કે આ કેવું ભયાનક બોક્સ હોય છે. તે ડિબુક સદીઓ સુધી ઉઘાડ્યા વગર જેમનું તેમ પડ્યું હતું. માહી ઘેર લાવીને તેને ઉઘાડે છે કે તરત અંદરનો આત્મા મુક્ત થાય છે. એ પછી માહી અને સેમનાં જીવનમાં શરૂ થાય છે ભય અને ભયાનક બનાવોની હારમાળા. આ ફિલ્મ 2017માં આવેલી મલયાલમ ફિલ્મ ‘એઝરા’ની હિન્દી રીમેક છે. મલયાલમ ફિલ્મના દિગ્દર્શક જય કે. જ હિન્દી આવૃત્તિના દિગ્દર્શક છે. નિકીતા દત્તાએ ‘લેકર હમ દીવાના દિલ’ ફિલ્મમાં સહાયક ભૂમિકા સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે ટીવી શો ‘ડ્રીમ ગર્લ’માં ચમકી હતી.

(તસવીરોઃ માનસ સોમપુરા – ARTFIRST PHOTO DESIGNS)