GalleryFashion & Entertainment ઈરફાન ખાનને અપાઈ આખરી વિદાય… April 29, 2020 બોલીવૂડ ફિલ્મોના ટેલેન્ટેડ અને લોકપ્રિય અભિનેતા ઈરફાન ખાન આંતરડામાં થયેલા ઈન્ફેક્શનને કારણે 29 એપ્રિલ, બુધવારે વહેલી સવારે મુંબઈના અંધેરી (વેસ્ટ)સ્થિત કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા. એમના પાર્થિવ શરીરને બપોરે અંધેરીના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. એમની સુપુર્દ-એ-ખાક વિધિ વખતે એમના પત્ની સુતાપા સિકદર, બે પુત્રો – બાબિલ ખાન અને અયાન ખાન તેમજ નિકટના દસેક જેટલા મિત્રો હાજર રહ્યા હતા. હાલ કોરોનાને કારણે લોકડાઉન લાગુ હોવાથી કબ્રસ્તાનની બહાર તેમજ આસપાસ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી ઈરફાનના પ્રશંસકો કબ્રસ્તાન પાસે ભેગા ન થાય. 54 વર્ષીય ઈરફાન ખાનને દુર્લભ એવું હાઈ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર થયું હતું. એ માટે તેઓ લંડનમાં સારવાર કરાવવા ગયા હતા. સાજા થયા બાદ એ મુંબઈ પાછા ફર્યા હતા, પણ કોલોન ઈન્ફેક્શન થતાં એમને મંગળવારે અંબાણી હોસ્પિટલમાં દાખલ થવું પડ઼્યું હતું. ઈરફાન ખાનની આખરી ફિલ્મ હતી ‘અંગ્રેજી મિડિયમ’, જે કોરોના લોકડાઉન લાગુ થયાના થોડા જ દિવસો પહેલાં રિલીઝ કરાઈ હતી. એમની અન્ય જાણીતી ફિલ્મો છેઃ ‘મકબૂલ’, ‘પિકુ’, ‘પાનસિંહ તોમર’, ‘હિન્દી મિડિયમ’. ઈરફાને ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘ઈન્ફર્નો’, ‘લાઈફ ઓફ પાઈ’ જેવી હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઈરફાનની દફનવિધિ વખતે કપિલ શર્મા, મિકા સિંહ, રાજપાલ યાદવ, વિશાલ ભારદ્વાજ જેવી હસ્તીઓએ હાજરી આપી હતી.