અધિક શ્રાવણઃ મંદિરો માં પૂજા-ઉત્સવ, અનુષ્ઠાન સાથે ભજન-કિર્તન, કથા વાંચન

 

અષાઢ પછી આવતો શ્રાવણ મહિનો હિંદુ સંસ્કૃતિ માં  પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે. જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે.

આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે. જેમાં  કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે.

અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો માં  4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે.  ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો.

હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ – તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિક માસ હોય છે.

જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો,  વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.

 

મંદિર ના પ્રાંગણ અને સોસાયટી ઓ માં મોટી સંખ્યામાં મહિલા મંડળો દ્વારા ભજન કિર્તન ની શરૂઆત થઇ ગઇ છે. હિંદુ મંદિરો માં જુદા જુદા કાર્યક્રમો સાથે પૂજા અર્ચના માટે લોકો ઉમટી રહ્યા છે.

એસજીવીપી ગુરુકુલ માં રામ, શ્યામ અને ઘનશ્યામના સાનિધ્યમાં સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ કલાત્મક હિંડોળા બનાવામાં આવે છે.

એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહા વિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંસ્થા માં દરરોજ ઋગ્વેદ, યજુર્વેદ નું અનુષ્ઠાન કરવામાં આવે છે.

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કૃષ્ણ મંદિર ને શણગારવામાં આવ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ)