ગાંધીનગર: છત્તીસગઢના બાલોડાબજાર જિલ્લાના પાલરી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જારા ગામ આવેલું છે. અહીંના લોકો માટે રોજીંદી મજૂરી મળી જાય તે જ મહત્વની વાત હોય છે, લાંબા ગાળાના આયોજનો તો હોતાં જ નથી.
આ ગામમાં ધુરાંધર પરિવાર જીવનની કઠોર વાસ્તવિકતાઓ સાથે ઝઝૂમી રહ્યો છે. આ પડકારો વચ્ચે પણ યુવા આર. યેશુ ધુરંધરે સંજોગોથી અલગ પ્રવાહમાં તરવાનો નિર્ણય કર્યો. પરિણામે યશુએ એક ગામથી લઈ પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ગાંધીનગર (IIT-GN) સુધીની નોંધપાત્ર સફર ખેડી. IIT-GNના 13મા દીક્ષાંત સમારોહમાં, યેશુ ગર્વથી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ તેમજ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સમાં અન્ય યુવાનો સાથે મહેનતથી મેળવેલી ડીગ્રી પ્રાપ્ત કરશે.
યેશુ, સાલિક રામ અને રૂખમણી ધુરંધરનો બીજા નંબરનો પુત્ર છે. રાયપુરથી 70 કિલોમીટરના અંતરે આવેલ જારા ગામના લોકોને IIT એટલે શું? એ ખબર જ નથી. યેશુની શૈક્ષણિક સફર રાયપુરના જવાહર નવોદય વિદ્યાલય (JNV)થી શરૂ થઈ. જ્યાં તેણે ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ કર્યો. અહીં 30,000 અરજદારોમાંથી, ફક્ત 80 જ પસંદ કરવામાં આવ્યા, અને યેશુ તે ભાગ્યશાળી લોકોમાંનો એક હતો. JNV ખાતે, યેશુને કેટલાંક એવાં શિક્ષકો મળ્યાં જેમની સાથે તેની આજીવન મિત્રતા થઈ ગઈ. જેમાં ગણિતના શિક્ષક એચ.કે. ચંદ્રાકર, વિજ્ઞાન શિક્ષક જયમાલા શ્રીવાસ્તવ અને તે સમયના આચાર્ય નીલમ પાનીનો સમાવેશ થાય છે.
યેશુએ જેવી ગમતી સફર શરૂ કરી તેવી જ કોવિડ-19ના કારણે તેના પર બ્રેક વાગી ગઈ. શરૂઆતના સમયમાં પડકારો ઊભા થયા. યેશુના વર્ગો શરૂ થતાંની સાથે જ બંધ થઈ ગયા. કોવિડના કારણે તેણે ફરજિયાત ઓનલાઈન ક્લાસ કરવા પડ્યા. જો કે તેમાં પણ તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે અંતરિયાળ ગામડામાં રહેતો હોવાથી ત્યાં નેટવર્ક ઈશ્યુ રહેતા હતા. પરિણામે તેણે ઓનલાઈન ક્લાસ કરવા માટે કોઈ મિત્ર કે સગાના ઘરે જવું પડતુ હતું. આ સિવાય પણ કેટલીક પારિવારિક સમસ્યાઓને કારણે તેણે IIT-GNના ડાયરેક્ટરને હૃદયપૂર્વકનો ઈમેલ લખ્યો. જેમાં યશુએ તેને પડતી મુશ્કેલીઓ અંગે વિગતો આપી. ડિરેક્ટરે, પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, એક સમિતિની રચના કરી જેણે આખરે યેશુને હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપી.