અમેરિકામાં વ્હાઇટ ‘સુનામી’નો કહેર, કરોડો લોકો પ્રભાવિત, 5નાં મોત

અમેરિકા: સોમવારથી બરફના તોફાને અહીં તબાહી મચાવી દીધી છે. આ તોફાનની અસર મધ્ય અમેરિકાથી મધ્ય એટલાન્ટિક સુધી જોવા મળી હતી. બરફના તોફાન, હિમવર્ષા, તોફાન અને ઠંડીના મોજાએ સ્થાનિકોની હાલત વધુ કઠિન કરી દીધી છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ‘એક દાયકામાં સૌથી ભારે હિમવર્ષા’ થવાની ચેતવણી આપી છે.હવામાન વિભાગે કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ, અરકાનસાસ અને મિઝોરી રાજ્યોમાં કટોકટીની ચેતવણીઓ જારી કરી છે. બીજી તરફ સામાન્ય દિવસોમાં ગરમ રહેતા ફ્લોરિડામાં પણ હિમવર્ષા થઈ રહી છે. નેશનલ વેધર સર્વિસે કેન્સાસ અને મિઝોરી માટે ટોર્નેડોની ચેતવણી જારી કરી છે. જેમાં ઓછામાં ઓછા 8 ઇંચ હિમવર્ષાની અપેક્ષા છે. ખાસ કરીને ઇન્ટરસ્ટેટ 70ની ઉત્તરે આવેલા વિસ્તારો માટે આ આગાહી છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે અને હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે.શિયાળાના વાવાઝોડાને કારણે ભારે નુકસાન

અમેરિકાના અનેક રાજ્યોમાં બરફના તોફાને ભારે તબાહી મચાવી છે. મિઝોરી સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે રસ્તાઓ પર એક હજારથી વધુ વાહનો ફસાયા હતા અને 356 અકસ્માતો થયા હતા. જ્યારે 31 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સિવાય સમગ્ર અમેરિકામાં આ તોફાનના કારણે 5 લોકોના મોત થયા છે. મિઝોરીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે એક ડમ્પ ટ્રક બર્ફીલા રસ્તા પરથી સરકીને તેની ઉપર ચઢી ગયો હતો. કેન્સાસના સેડગવિક કાઉન્ટીમાં રવિવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.

હિમવર્ષાના કારણે હાઇવે બંધ

કેન્સાસ, પશ્ચિમી નેબ્રાસ્કા અને ઈન્ડિયાનાના કેટલાક ભાગોમાં મુખ્ય ધોરી માર્ગો બરફથી ઢંકાઈ ગયા હતા. જેના કારણે ઘણા વાહનો અટવાઈ ગયા હતા. પરિણામે અધિકારીઓએ નેશનલ ગાર્ડને તૈનાત કરવા પડ્યા હતા. વેધર સર્વિસે કહ્યું, “આ હિમવર્ષા એક દાયકામાં સૌથી ભારે હિમવર્ષા હોઈ શકે છે.”6 કરોડથી વધુ લોકો વાવાઝોડાની ઝપેટમાં છે

યુએસ હવામાન વિભાગના અધિકારી ઓરેવેકના જણાવ્યા અનુસાર, આ શિયાળાના તોફાન દરમિયાન 63 મિલિયન અમેરિકન લોકો આ વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે.