છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ રાજ્યમાંથી લોકોને તેમની ખાદ્ય ચીજોમાં જંતુઓ, બ્લેડ, સાપ અને એક કાપેલી માનવીની આંગળી પણ મળી આવી છે.
ચોકલેટમાં ઉંદર, રસમાં વંદો, ચિપ્સમાં દેડકા… આ લિસ્ટ હજુ તો ખુબ જ લાંબુ છે. લોકોના ખાદ્ય પદાર્થોમાં આવી વસ્તુઓ નીકળવાનું પ્રમાણ વધી રહ્યું છે. જો ભૂલેચૂકેય એ ખવાઇ જાય તો? કલ્પના જ ગભરાવી મૂકે એવી છે!
સવાલ એ છે કે, ગ્રાહક તરીકે લોકોએ આવું થાય ત્યારે શું કરવું?
આ જ મુદ્દે ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આ વખતે વાત કરીએ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડૉ. હેમંત કોશિયા સાથે…
ડો. હેમંત કોશિયા: જો કોઇ વ્યક્તિના જમવામાંથી અખાદ્ય ચીજ-વસ્તુ મળી આવે તો વ્યક્તિ દ્વારા તેના સજ્જડ પુરાવા આપી, તેની ફરિયાદ નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો જિલ્લાની ફૂડ વિભાગની કચેરીમાં કરી શકાય છે. વધુમાં, ગ્રાહક તેમની ફરિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજ્યકક્ષાના હેલ્પડેસ્ક નંબર 14435, 9099012166, 9099013116 અથવા 1800 233 5500 અથવા helpdesk.fdca@gmail.com પર ઇમેઇલ દ્વારા પણ નોંધાવી શકે છે.
આ પ્રકારના કિસ્સાઓ સામે આવે ત્યારે જે તે વ્યક્તિ કે કંપની સામે ક્યા પ્રકારના પગલાં લેવાય છે?
જો હોટલ અથવા તો રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન દરમ્યાન કોઈ ચૂક જોવા મળે તો ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી, લાઈસન્સ સસ્પેન્ડ તથા જાહેર જનતાના હિતમાં કેસના મેરીટના આધારે લાઈસન્સ રદ્દ કરવા સુધીનાં પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત, કાયદાકિય જોગવાઈના ભંગ બદલ જવાબદારો સામે એડ્જ્યુડિકેટીંગ કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ છે.
જે લોકો ફોલ્ટમાં આવે છે તેમની સામે કડક કાર્યવાહીની જોગવાઈ ખરી?
જવાબ: તેમની સામે કાયદાકિય જોગવાઈના ભંગ બદલ જવાબદારો સામે એડ્જ્યુડીકેટીંગ કાર્યવાહી તથા કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.
આ પ્રકારના બનાવો ન બને એ માટે વિભાગ શું કામગીરી કરે છે?
જવાબ: વિભાગ દ્વારા સતત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તથા સર્વેલન્સ તથા એન્ફોર્સમનેટ નમૂનાઓ લેવામાં આવે છે તેમજ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સતત ફરતી રહે છે. તેના દ્વારા સ્થળ પર ટેસ્ટિંગ તથા જાગૃતિ તેમજ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, વિભાગ દ્વારા પ્રોએક્ટિવલી કામ કામ કરીને FSSAI દ્વારા માન્ય થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ઇન્સ્પેકશન કરી ૧૫,૦૦૦થી વધુ હોટલ/રેસ્ટોરન્ટને હાયજીન રેટિંગ આપવામાં આવેલ છે.
સેમ્પલ લીધા બાદ લાંબા સમયે તેનો રિપોર્ટ આવે છે તે કેટલું યોગ્ય?
જવાબ: નિયમ મુજબ સેમ્પલ લેબમાં પહોંચ્યા બાદ કાયદા હેઠળ 14 વર્કિંગ દિવસમાં ખોરાકના સેમ્પલનું પરીક્ષણ કરવાની જોગવાઈ છે. આમ છતાં કોઈ કિસ્સામાં વિલંબ થાય તો તે વિલંબિત રિપોર્ટના કારણો એનાલીસ્ટને જણાવવાના રહે છે. હાલમાં ઉપલબ્ધ સ્ટાફ દ્વારા ૧૦,૦૦૦ રેગ્યુલર અને ૪૦,૦૦૦ જેટલા સર્વેલન્સ નમૂના લેવામાં આવે છે. જેનું પૃથ્થકરણ રાજ્યમાં આવેલી ૬ ખોરાકની પ્રયોગશાળામાં કરવામાં આવે છે. તથા FSSAIની પ્રાઇવેટ લેબોરેટરીની પણ મદદ લેવામાં આવે છે. અસુરક્ષિત ખોરાકથી નાગરિકોના રક્ષણ માટે ૨૨ ફૂડ સેફટી ઓન વહીલ્સ કાર્યરત છે. જે સ્થળ પર જ નમૂનાનું ટેસ્ટીંગ કરે છે. તેમાં જો કોઈ ભેળસેળ માલુમ પડે તો તરત જ તેના લીગલ નમૂના લઇ બાકીનો જથ્થો જપ્ત/નાશ કરવામાં આવે છે, જેના ભાગરૂપે છેલ્લા વર્ષ માં આશરે ૪૧૫ ટન જથ્થો જપ્ત/નાશ કરવામાં આવેલ છે જેની અંદાજીત કિંમત આશરે દસ કરોડ થવા જાય છે.
બેદરકારીથી કોઈના જીવને જોખમ થાય તો કેવાં પ્રકારના પગલાં લેવામાં આવે?
જવાબ: બેદરકારીથી કોઈ ના જીવ ને જોખમ થાય એટલે કે અનસેફના કિસ્સામાં જે તે વ્યક્તિ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે છે. જે હેઠળ આ કાયદાની કલમ-59 હેઠળ ત્રણ મહિનાથી આજીવન કેદની તથા ત્રણ લાખના દંડથી દસ લાખના દંડની જોગવાઈ છે. આવા અંદાજીત ૬૦૦ ફોજદારી કેસ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે.
હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જતી વખતે ફૂડની ગુણવત્તાની ચકાસણી ગ્રાહક કરી શકે? કઈ રીતે?
જવાબ: ગ્રાહક દ્વારા હોટલ/રેસ્ટોરન્ટમાં જમવા જતી વખતે ખોરાકની ગુણવત્તાની ચકાસણી નથી કરી શકાતી, પરંતુ ગ્રાહક દ્વારા જમવા જતા પહેલા હોટલ/રેસ્ટોરન્ટનું લાયસન્સ/રજીસ્ટ્રેશન તથા હાઇજીન રેટિંગનું સર્ટિફિકેટ દર્શાવેલ છે કે કેમ તે જોવું જોઈએ. આ ઉપરાંત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ/રેસ્ટોરન્ટ ને રસોડું ખુલ્લું/ટ્રાન્સપરન્ટ (ગ્રાહક દ્વારા જોઈ શકાય તેવી રીતે) રાખવા માટે જણાવેલ છે જે મુજબ ગ્રાહક દ્વારા પણ તે જોઈને વ્યવસ્થિત અને સ્વચ્છ હોટલ/રેસ્ટોરન્ટમાં જવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમ છતાં ગ્રાહકને પીરસવામાં આવતું ભોજનને પ્રાથમિક દ્રષ્ટિએ સ્વાદ, ગંધ તથા દેખાવ થી ચકાસી જો કોઈપણ પ્રકારે ગુણવત્તામાં શંકા જાય તો ગ્રાહક ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની મ્યુનિસિપલ કોર્પોરેશન/જિલ્લાની કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
જવાબ: વિભાગ દ્વારા તમામ હોટલ/રેસ્ટોરાન્ટમાં સતત ઇન્સ્પેક્શન તથા સર્વેલન્સ તથા એન્ફોર્સમનેટ નમૂનાઓ લેવામાં આવે છે તેમજ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સતત ફરતી રહે છે તેના દ્વારા સ્થળ પર ટેસ્ટિંગ તથા જાગૃત્તિ તેમજ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત જો હોટલ/રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન દરમ્યાન કોઈ ચૂક જોવા મળે તો ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી તથા લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત, કાયદાકીય જોગવાઈના ભંગ બદલ જવાબદારો સામે એડ્જ્યુડીકેટીંગ કાર્યવાહી તથા કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)