“જે મનુષ્યો પુરુષાર્થથી મહાન ઐશ્વર્ય પ્રાપ્ત કરીને, ધનને સુરક્ષિત રાખીને આનંદ ભોગવે છે તેઓ નિરંતર ઉન્નતિ કરે છે.” યજુર્વેદના 20મા સ્કંધની 76મી સંહિતાનો આ ભાવાર્થ છે.
તેના પરથી આપણે સંપત્તિસર્જનના મહત્ત્વની વાત કરીએ. સંહિતામાં સ્પષ્ટપણે કહેવાયું છે કે સંપત્તિસર્જન પ્રામાણિકતાથી અને પરિશ્રમ દ્વારા કરવું જોઈએ. આપણે અગાઉ આ કટારમાં જોઈ ચૂક્યા છીએ કે મહેનત કર્યા વગર મળતા ધનનું મૂલ્ય હોતું નથી.
એવું કહેવાતું આવ્યું છે કે લૉટરી કે ટીવી પરના ગૅમ શૉમાંથી મળતાં મોટાં ઈનામોની રકમ લાંબો સમય ટકતી નથી. કોઈ કુદરતી આફત પછી સરકાર પાસેથી ગરીબ પરિવારોને મળતી નુકસાનીની રકમનું પણ આવું જ થાય છે. જે પરિવારજનો બચી ગયા હોય તેમને સરકાર પાસેથી મળેલી મોટી રકમનું રક્ષણ કરવા જેટલી કે યોગ્ય રોકાણ કરવા જેટલી સમજ હોતી નથી અને તેઓ પૈસા ઉડાડવા લાગે છે અથવા તો ઘણા ઓછા સમયમાં ઉંચા વળતરની લાલચ આપતી બોગસ સ્કીમમાં નાણાંનું રોકાણ કરી બેસે છે અથવા તો મિત્રો કે સંબંધીઓને નાણાં ઉછીનાં આપે છે, જે પાછાં મળતાં નથી.
અહીં એક ઉદાહરણ યાદ આવે છે. અર્ચના ઝાએ પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા અને છૂટાછેડા લેનાર પતિ શ્રીમંત હોવાથી તેને ભરણપોષણ માટે મોટી રકમ મળી હતી. નાણાં મળ્યા બાદ તરત જ તેની જીવનશૈલી બદલાઈ ગઈ. તેણે મોંઘી કાર ખરીદી લીધી અને 40માં જન્મદિવસે ક્રૂઝમાં યુરોપ જઈ આવી. બીજા અમુક પૈસા બે મિત્રોને ઉછીના આપ્યા. અર્ચના પોતાને મળેલી મોટી રકમ પચાવી શકી નહીં. પૈસા ખર્ચવાનું ખોટું નથી, ખોટું તો આવી રીતે પૈસા ઉડાડી મૂકવાનું વર્તન છે.
આપણા ઘરમાં આવતું ધન મહેનતથી અને નીતિમત્તાથી કમાયેલું હોવું જોઈએ. જો ક્યાંકથી દલ્લો હાથ લાગી જાય તો તેનો અપવ્યય થતો બચાવવા સમજદારીપૂર્વક રોકાણ કરી લેવું જોઈએ.
ઉક્ત સંહિતાને બીજો મુદ્દો ધનનું રક્ષણ કરવાનો છે. માંદગી, અકસ્માત, પંગુતા, મોત, ચોરી, વગેરે કારણોસર ધનનો વ્યય થતો અટકાવવો જોઈએ. આ બધી આપત્તિઓ સામે વીમો રક્ષણ આપે છે. એ ઉપરાંત બચત અને રોકાણ પણ જરૂરી છે.
મોટાભાગે એવું જોવા મળ્યું છે કે લોકો જ્યારે પૈસા ઉડાડી મૂકે છે ત્યારે તેનો આનંદ ક્ષણિક હોય છે અથવા તો ખરો આનંદ આવતો જ નથી. તેનું કારણ એ છે કે આપણને તેનો સંપૂર્ણ ઉપભોગ કરતા આવડતું નથી. શાસ્ત્રોમાં બાળકની જેમ ધન ઉડાડી મૂકવાની વાત કરવામાં આવી છે. અહીં એક ઉદાહરણ જોઈ લઈએ. આપણે પગરખાંને હાથ લાગી ગયો હોય તો હાથ ધોઈ લઈએ છીએ, પણ નાનું બાળક એ જ પગરખાં સાથે એવી રીતે રમે કે જાણે એ કોઈ સારું રમકડું હોય. ઘણી વાર બાળકો રમતાં રમતાં જોડું મોઢામાં નાખવાનો પણ પ્રયાસ કરતાં હોય છે અને તેમાં રમમાણ હોય છે.
લોકો શું કહે છે, કઈ બ્રાન્ડનાં પગરખાં છે, વગેરે બાબતોની તેમને કંઈ પડી હોતી નથી. મનુષ્ય જ્યારે નાણાંનો અપવ્યય કરે ત્યારે પણ વસ્તુની બ્રાન્ડ, લોકોની પ્રતિક્રિયા, પોતાનો મોભો, વગેરે બાબતોનો વિચાર કરતા હોય છે. એક અગ્રણી ડૉક્ટરે સ્માર્ટફોન ખરીદ્યો પણ તેઓ એ વાપરતા નહતા. સાથે જ તેમણે કહ્યું કે તેમને અદ્યતન મોબાઇલ વાપરતા આવડતું નહીં હોવાથી તેઓ જૂનું મોડેલ જ વાપરે છે. તો પછી નવો ફોન કેમ ખરીદ્યો એવું પુછાતાં તેમણે જણાવ્યું કે તેમના હાથમાં જૂનો ફોન જોઈને લોકો શું વિચારશે એવું વિચારીને તેમણે નવો ફોન લીધો હતો.
જે દિવસે આપણો ખર્ચ લોકોને બતાડવા માટે કે સમાજમાં મોભો વધારવા માટે શરૂ થાય છે તે જ દિવસથી આપણને તેનો આનંદ મળવાનું બંધ થઈ જાય છે. બાળકોમાં અહમ્ હોતો નથી તેથી તેઓ હંમેશાં આનંદિત રહે છે. મોટી ઉંમરે હુંપણું આવી જાય ત્યારે આનંદનો અંત આવે છે.
ઉક્ત સંહિતાના આધારે કહી શકાય કે કષ્ટ કરીને ધન કમાવું, તેનું રક્ષણ કરવું અને અહમ્ રાખ્યા વગર તેનો ઉપયોગ અને ઉપભોગ કરવો. આ જ રીતે સુખ અનુભવી શકાય છે. ખરા સુખથી પ્રસન્નતા ઉપજે છે. આપણે તો એ વાતનું ગૌરવ અનુભવવું જોઈએ કે ધન વિશે આટલી ઊંડાણપૂર્વકની વાતો કરનારાં શાસ્ત્રો આપનાર પ્રદેશમાં આપણો જન્મ થયો છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)