યોગ્ય જ્ઞાન અને સમજણ દ્વારા પ્રાપ્ત કરેલું ધન પેઢીઓ સુધી ટકી રહે છે

બુદ્ધિવૃદ્ધિકરાણ્યાશુ ધન્યાનિ ચ હિતાનિ ચ ।

નિત્યં શસ્ત્રાણ્યવેક્ષેત નિગમાંશ્ચૈવ વૈદિકાન્ ।।4.19।।

મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.19માં બોધ આપવામાં આવ્યો છે કે બુદ્ધિવર્ધક અને ધન-આરોગ્યની બાબતે સમજણ આપનારાં શાસ્ત્રોનું નિત્ય અધ્યયન કરવું જોઈએ અને વેદનો અર્થ સમજાવનારા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ.

આજે આપણે નાણાકીય સાક્ષરતા માટેની સરકારની યોજના બાબતે અનેકવાર સમાચારોમાં સાંભળીએ છીએ-વાંચીએ છીએ. વિવિધ નાણાકીય નિયમનકારો અને સરકાર દેશમાં નાણાકીય સાક્ષરતા ફેલાવવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ નાણાકીય બજારોની અન્ય સંસ્થાઓ પણ પર્સનલ ફાઇનાન્સ વિશે જાગૃતતા લાવવા માટે અનેક પહેલ કરી રહી છે.

આ તો આજની વાત થઈ, પણ આપણા દેશમાં હજારો વર્ષ પહેલાં શાસ્ત્રોમાં આ વાત કહેવાયેલી છે. કોઇપણ વસ્તુનું સર્જન કરતાં પહેલાં તેના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે. આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવતાઓનું પૂજન કરીએ છીએ. બ્રહ્માજીનાં પત્ની છે સરસ્વતી. વિષ્ણુનાં છે લક્ષ્મી અને મહેશનાં છે પાર્વતી. સરસ્વતી જ્ઞાનનાં દેવી છે. બ્રહ્મા વિશ્વના સર્જક છે. આથી કોઈ પણ સર્જક પાસે સરસ્વતી એટલે કે જ્ઞાન હોવું આવશ્યક છે. એ જ રીતે સંપત્તિનું સર્જન કરતાં પહેલાં પણ જ્ઞાન હોવું જરૂરી છે.

મનુએ કહ્યું છે કે આપણે વિવિધ શાસ્ત્રોનું પઠન કરીને જ્ઞાન પ્રાપ્ત કરતાં રહેવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત થયા બાદ જ સંપત્તિનું સર્જન કરવું જોઈએ. ધન આપણા રોજબરોજના જીવન માટે જરૂરી છે. વિષ્ણુ દેવતા જગતના પાલનહાર છે અને તેમનાં પત્ની લક્ષ્મીજી સંપત્તિનાં દેવી છે. આજના યુગમાં ઘણા લોકો જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર જ સંપત્તિનું સર્જન કરવાનો પ્રયાસ કરતા હોય છે. આ બાબત તેમના માટે ઘાતક પુરવાર થાય છે. યોગ્ય જ્ઞાન વગર પ્રાપ્ત થયેલું ધન નિરર્થક હોય છે. આ વાતને આપણે વીજળીના ઉદાહરણ દ્વારા વધારે સારી રીતે સમજી શકીએ છીએ. વીજળી આપણા જીવનમાં અનિવાર્ય મૂળભૂત જરૂરિયાત છે. મોટા ભાગના લોકોને ખબર જ નથી કે વીજળી વગર કઈ રીતે જીવી શકાય. જો આપણે ભૂલથી વીજળીના સોકેટમાં આંગળી ખોસી દઈએ તો શું થાય એ આપણને ખબર છે. સંપત્તિનું પણ એવું જ છે. જ્ઞાન વગર સંપત્તિ ભેગી કરવામાં આવે તો વીજળીનો શોક લાગવા જેવી જ ઘટના બને.

સંપત્તિ ભેગી કરતાં પહેલાં આપણે બૅન્કિંગ, હિસાબ, વગેરેનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જો આપણે સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના હોઈએ તો તેના વિશેની જાણકારી પણ પહેલેથી પ્રાપ્ત કરી લેવી જોઈએ. આપણે જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ટીવી જોતી વખતે અથવા તો અખબારોમાં કે સામાયિકોમાં લેખો વાંચતી વખતે પર્સનલ ફાઇનાન્સના લેખો ધ્યાનપૂર્વક જોતા-વાંચતા હોય છે અને તેના વિશેની માહિતી મેળવતા હોય છે. જોકે, આ માહિતી અને જ્ઞાન એ બંને વસ્તુઓ અલગ અલગ છે એ પણ સમજી લેવું જોઈએ. આપણે ટીવી શો જોવા માત્રથી કે અખબારોમાં કે સામયિકમાં વાંચી લેવા માત્રથી જ્ઞાની બની જતા નથી, કારણ કે એ જગ્યાએ ફક્ત માહિતી પીરસાયેલી હોય છે. આપણે જે રીતે આરોગ્ય વિશેના લેખો વાંચીને કે ટીવી શો જોઈને જાતે બીમારીઓનો ઈલાજ કરી શકતા નથી એ જ રીતે સંપત્તિસર્જન પણ ટીવી જોવાથી કે લેખો વાંચવાથી શક્ય બનતું નથી.

બૅન્કિંગની વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાની વેબસાઇટ ઉપર ઘણી માહિતી રજૂ કરેલી છે. કેપિટલ માર્કેટનાં સાધનો, જેમ કે ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચરમાં કરાતા રોકાણ બાબતે સ્ટોક એક્સચેન્જોએ પૂરતી માહિતી તેમની વેબસાઈટ પર મૂકેલી છે. તેઓ કેટલાક પ્રશિક્ષણ કાર્યક્રમો પણ ધરાવે છે. વીમાના નિયમનકારે પણ આવી જ વ્યવસ્થા કરેલી છે. નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન નામની સંસ્થાએ નાણાકીય જાણકારી આપવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. વિવિધ નાણાકીય નિયમનકારોએ ભેગા મળીને આ સંસ્થાની રચના કરી છે. તેના મારફતે અનેક અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. નાણાકીય જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ધન ફક્ત પૈસા કે સંપત્તિ ન બની રહેતાં તેનું રૂપાંતર લક્ષ્મીના સ્વરૂપે થવું જોઈએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેનું માન રાખીએ, તેનો આદર કરીએ, તેની પૂજા કરીએ. આ ઉપરાંત સમાજના જરૂરિયાતમંદોમાં ધન વહેંચવાથી પણ આપણને સંતોષ થાય છે.

બીજી એક અગત્યની વાત. આપણે ક્યારે પણ પોતાના ધનની બાબતે અન્યો સાથે તુલના કરવી જોઈએ નહીં. આ જ રીતે કોઈનું ધન જોઈને ઈર્ષ્યા પણ કરવી જોઈએ નહીં. ધનની બાબતે અહંકાર, અસલામતી, ચિંતા, લોભ, વગેરે લાગણીઓ હાનિકારક છે. આ લાગણીઓ આપણા મનમાં જન્મવી જોઈએ નહીં. જો આપણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તો આ લાગણીઓ આપણા મનમાં પેદા થતી અટકે છે. ધન ભેગું કરવાનું સહેલું હોઈ શકે છે, પરંતુ તેને ટકાવી રાખવા માટે યોગ્ય જ્ઞાન હોવું આવશ્યક છે, અન્યથા તે ક્યારે પણ આપણને આપણને છોડીને જઈ શકે છે. આથી ધન ભેગું કરવા માટે ઉતાવળ કરવાને બદલે યોગ્ય પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપર લક્ષ આપવું જોઈએ. યોગ્ય જ્ઞાન અને સમજણ દ્વારા પ્રાપ્ત કરેલું ધન પેઢીઓ સુધી ટકી રહે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)