ચીજવસ્તુઓનો ઉપયોગ કરો, માનવીઓનો નહીં

“ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય અને માનવીઓને પ્રેમ કરવાનો હોય” સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના એક પ્રવચનમાં આ વાક્ય આવ્યું હતું. એમાં વધુમાં કહેવાયું હતું, “જો ચીજવસ્તુઓને પ્રેમ કરાવા લાગે અને માનવીઓનો ઉપયોગ થવા લાગે તો ઘણી મોટી આફત સર્જાઈ શકે છે.”

ઉપરોક્ત વિધાન પરથી વિચારવા જેવું છે કે આપણે શું કરી રહ્યા છીએ.

અહીં એક ઉદાહરણ ટાંકવા જેવું છે. મારા મિત્રનાં પત્નીએ એક દિવસ વાતવાતમાં કહ્યું હતું, “ગૌરવભાઈ, મારો ભાઈ બેલ્જિયમથી ઘણી વખત ચોકલેટ મોકલાવે છે. મને એ ઘણી જ ભાવે છે. હું ઘરમાં બધાથી સંતાડીને રાખું છું અને દરરોજ એક ચોકલેટ ખાઉં છું. એમાંથી એકેય ટુકડો હું કોઈને આપતી નથી.”

આ ઉદાહરણમાં ચોખ્ખું દેખાય છે કે સામેવાળી વ્યક્તિને ચોકલેટ ઘણી પ્રિય છે અને તેઓ કોઈ માનવીનો નહીં, પણ ચોકલેટનો ઉપયોગ કરે છે.

હવે બીજું એક ઉદાહરણ. બૅન્કના મૅનેજર મીનાબેન સાથે બનેલી આ ઘટના છે. તેઓ મુંબઈમાં રહે છે. એમણે થોડાં વર્ષો પહેલાં બનેલા આ બનાવ વિશે મને વાત કરી હતી. પરેશ નામની વ્યક્તિનું એમના માટે માગું આવ્યું હતું. પરેશનો પરિવાર એ વખતે દુબઈમાં હતો. પરેશ અને એની બહેન પ્રિયંકા ભારત આવવાનાં હતાં. એમના કોઈ સંબંધી પુણેમાં રહેતા હતા. થયું એવું કે મીનાબેનને પરેશ અને પ્રિયંકા વચ્ચેનો ઈમેલ મળી ગયો હતો, કારણ કે પ્રિયંકાએ નવો ઈમેલ બનાવવાને બદલે એ ત્રણે વચ્ચે અગાઉ થયેલા આદાનપ્રદાનના ઈમેલમાં જ જવાબ મોકલ્યો હતો. એ ત્રણે વચ્ચે અગાઉ પરેશ અને પ્રિયંકાના ભારત પ્રવાસ બાબતે વાતો થઈ હતી.

પરેશની સાથે સાથે ભૂલથી મીનાને પહોંચી ગયેલા ઈમેલમાં પ્રિયંકાએ લખ્યું હતું, “આપણે રાત્રે ઍરપોર્ટથી ઊતરીને સીધાં મીનાના ઘરે જઈશું. ત્યાં રાત રોકાઈને બીજા દિવસે સવારે પુણે ચાલ્યાં જઈશું. ચોમાસાના દિવસોમાં રાતના સમયે કારમાં પુણે જવું હિતાવહ નથી. પુણે પહોંચ્યા બાદ બે-ત્રણ દિવસ રહીને નમ્રપણે મીનાને જવાબ આપી દઈશું કે આ સંબંધમાં આગળ વધવાની ઈચ્છા નથી.”

ઉક્ત ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે અહીં માનવીનો ઉપયોગ થયો છે. લોકો આવી નાની-નાની બાબતોમાં બીજાઓનો ઉપયોગ કરતા હોય છે. આપણે ઘણી વાર જોયું-સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિ આપણી સાથે કોઈને પાર્સલ મોકલવા ઈચ્છતી હોય તો એ વખતે ઘણું મીઠું-મીઠું બોલે અને કામ પતી ગયા બાદ રસ્તામાં મળે તોય સામું પણ ન જુએ.

આવા તો અનેક કિસ્સાઓ છે, જેમાં લોકો એકબીજાનો ઉપયોગ કરી લેતા હોય છે. આપણે પોતે કેટલી વાર એવું કર્યું છે એ તો આપણે જ જાણીએ. ખરું પૂછો તો, આવું વર્તન કરનાર વ્યક્તિના પોતાના મનમાં અસલામતીની ભાવના જન્મે છે. પોતે બીજાઓ સાથે જેવું વર્તન કર્યું હોય એવું પોતાની સાથે પણ બનતું દેખાય અને સામેવાળા માણસના વ્યવહાર પ્રત્યે શંકા જન્મે. આમ, પોતે જે કર્યું હોય એ પોતાની સામે આવીને ઊભું રહે છે. આવું વલણ બદલવામાં ન આવે તો ક્યારેય જીવનને માણી શકાય નહીં.

આપણે પોતાની સંપત્તિ બાબતે સલામતી અનુભવીએ એને જ યોગિક સંપત્તિ કહેવાય. જો આપણામાં સલામતી હોય તો દરેક વાતમાં સુખનો અનુભવ થાય અને જો સલામતી ન હોય તો પૈસાથી અસંતોષ રહે અને જીવનમાં આનંદ ન બચે. આપણે પૈસા પાછળ દોટ મૂકીએ ત્યારે પૈસા આપણાથી દૂર દૂર જતાં રહે છે અને પછી એ પકડદાવ અવિરત ચાલ્યા કરે છે.

અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક ગણાતા બેન્જામિન ફ્રેન્કલિને એક વખત કહ્યું હતું, “પૈસાથી માણસ ક્યારેય સુખી થતો નથી અને થશે પણ નહીં. સુખ આપનારું કોઈ તત્ત્વ પૈસામાં નથી. માણસની પાસે પૈસો જેટલો વધારે એટલો એને અસંતોષ વધારે.” માણસમાં પૈસાના અભાવની વૃત્તિને લીધે અસલામતી જન્મે છે, જે જીવનના દરેક પાસામાં ડોકાયા કરે છે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હું અને મારા સહયોગી નવા ક્લાયન્ટ્સ સાથે મીટિંગ કરીએ ત્યારે એ મીટિંગને “મારો પૈસા સાથેનો સબંધ” એવું નામ આપીએ છીએ. અમે ક્લાયન્ટ્સને પોતાના જન્મથી લઈને મીટિંગ થવા સુધીની બધી જ વાતો કરવાનું કહીએ છીએ. એની પાછળનું કારણ એમના અંગત જીવનમાં ડોકિયું કરવાનું નહીં, પરંતુ પૈસા પ્રત્યેની એમની ભાવના જાણવાનું હોય છે. એકાદ-બે કલાકની એ વાતચીત દરમિયાન અમને એવી ઘણી બધી જાણકારી મળી જતી હોય છે, જેની મદદથી અમે ક્લાયન્ટ્સને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. એનાથી એમનું સંપત્તિસર્જન વધુ સુગમ બનાવી શકાય છે. તેઓ ફક્ત સંપત્તિ સર્જે નહીં, પણ તેનો આનંદ માણે એવી એની પાછળની ભાવના હોય છે.

સલામતીની ભાવના સાથે જીવન જીવો. ચીજવસ્તુઓનો ઉપયોગ કરો, માનવીઓનો નહીં. બાકીનું બધું આપોઆપ સચવાઈ જશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)