શાખ કે પ્રતિષ્ઠા કરતાં વધારે મૂલ્યવાન બીજી કોઈ વસ્તુ નથી

અધમર્ણાર્થસિદ્ધ્યર્થમુત્તમર્ણેન ચોદિતઃ ।

દાપયેદ્ ધનિકસ્યાર્થમધમર્ણાદ્ વિભાવિતમ્ ।।8.47।।

આજે આપણે મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 8.47માં અપાયેલા બોધના આધારે વાત કરીશું.

થોડા દિવસ પહેલાં મારી મુલાકાત એક પત્રકાર મિત્ર જોડે થઈ. અમે એક દાયકા કરતાં વધારે સમયથી મિત્ર છીએ. મિત્રે મને તેની ઑફિસમાં બનેલી એક રસપ્રદ ઘટનાની વાત કરી.

તેની ઑફિસમાં એક નવી કર્મચારી આવી હતી. મહિનાના છેવટના ભાગમાં એ ઑફિસમાં જોડાઈ હતી. પગારનો દિવસ આવવાનો જ હતો ત્યારે તેની નિમણૂક થઇ હતી. એ વખતે બૅન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું નહીં હોવાથી તેનો પગાર એકાદ અઠવાડિયું મોડો મળે એવી શક્યતા હતી. બન્યું એવું કે તેના પિતા હૉસ્પિટલમાં હતા અને તેને સારવાર માટે પૈસાની તાકીદે જરૂર હતી. એ કર્મચારીએ પોતાના ઉપરીને મળીને બધી વિગત જણાવી. ઉપરી દયાળુ માણસ હતો. આથી તેણે એ કર્મચારીને નાણાં ઉછીનાં આપવાનું નક્કી કર્યું. સદનસીબે એણે એ કર્મચારીને કહ્યું કે નાણાં ઉછીનાં આપવા માટે એ વિનંતીનો ઔપચારિક ઈ-મેઇલ લખે અને જૂની બૅન્કની વિગતો આપે.

પછીના અઠવાડિયે જ્યારે પગાર જમા થયો ત્યારે તેના બોસે પૈસા પાછા માગ્યા. એ કર્મચારી એક યા બીજું બહાનું કાઢીને મહિનાઓ સુધી પૈસા આપવાનું ટાળતી રહી. થોડા મહિના પછી એણે રાજીનામું આપી દીધું અને ઉપરીએ જ્યારે પૈસા માગ્યા ત્યારે એણે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો.

થયું એવું કે એ કર્મચારી જે બીજી કંપનીમાં જોડાવાની હતી તેણે અગાઉની કંપની કે અગાઉના ઉપરી પાસેથી સર્ટિફિકેટ લાવવાનું કહ્યું. એવા વખતે ઉપરીને જોઈતી તક મળી ગઈ. તેણે નવા ઉપરીને ફોન પર બધી વાત કરી. નવા ઉપરીએ પણ કહ્યું કે જ્યાં સુધી એ કર્મચારી પૂરેપૂરી રકમ પાછી નહી વળે ત્યાં સુધી તેને નોકરીએ નહીં લેવાય.

ઉક્ત શ્લોકમાં શાસકના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. આધુનિક સમયમાં હવે રાજાઓ રહ્યા નથી. ન્યાય તોળવાની ભૂમિકા હવે અદાલતો અને નિયમનકારો અદા કરે છે. વિવિધ અદાલત અને નિયમનકારોએ એ વાતની તકેદારી લેવી જોઈએ કે લોકોએ રોકેલાં નાણાં અથવા તો ઉધાર આપેલાં નાણાં તેમને પહેલેથી કરાયેલા વાયદા મુજબ પાછાં મળે.

ઘણીવાર મને વાચકોના પત્રો આવે છે. તેમાં તેઓ વિનંતી કરે છે કે હું તેમને તેમનાં રોકાણનાં  અટવાયેલાં નાણાં પાછાં અપાવવામાં મદદ કરું. હું તો કોઈ વકીલ કે નિયમનકાર નથી તેથી હું તેમને મદદરૂપ થઇ શકતો નથી. છતાં હું શક્ય હોય ત્યાં સુધી તેમને માર્ગદર્શન આપું છું.

ઘણીવાર એવા કિસ્સા જોવા મળ્યા છે કે જ્યાં રોકાણકારે અથવા તો નાણાં ધીરનારે યોગ્ય દસ્તાવેજો બનાવ્યા જ ન હોય. જો દસ્તાવેજો જ બનાવ્યા ન હોય તો એમને કોઇ જ વ્યક્તિ મદદ કરી શકવાની સ્થિતિમાં હોતી નથી.

બીજી બાબત એ પણ છે કે ઘણી વખત ન્યાય તોળવામાં વિલંબ થઈ જાય છે. ક્યારેક પુરાવાના અભાવે અથવા તો ક્યારેક જાણીજોઈને અથવા તો ક્યારેક કાયદાઓના લીધે આવું થાય છે. આવા સમયે સરકારે અગાઉના રાજાઓની જેમ પોતાનું કર્તવ્ય બજાવીને સાચા રોકાણકારને તેનાં નાણાં પાછા અપાવવામાં મદદ કરવી જોઈએ.

આપણે એવા પણ કિસ્સા સાંભળ્યા છે કે જલદીથી ધનવાન બની જવાના અભરખાને લીધે લોકો છેતરાઈ જાય છે. તેમની પાસેથી નાણાં લેનાર વ્યક્તિ એક યા બીજા બહાને પૈસા આપવાનું ટાળે છે અથવા તો પૈસા આપવાનો ઈનકાર જ કરી દે છે.

અહીં સૌથી પહેલા તો એ કહેવાનું કે નહીં નૈતિક દૃષ્ટિએ આ તદ્દન ખોટું છે. આવી રીતે લોકોને છેતરીને ભેગું કરેલું ધન સુખ-શાંતિ આપી શકતું નથી. આખરે કાયદો કાયદાનું કામ કરે છે અને ગુનેગાર સપડાઈ જાય છે. આવા સમયે એ વ્યક્તિ પાસે ભલે પૈસા બચી જાય, પણ તેની આબરૂનું ધોવાણ થઈ જાય છે, આબરૂના કાંકરે કાંકરા થઈ જાય છે, સમાજમાં એમનું નામ બગડી જાય છે. ફક્ત એ વ્યક્તિનું નહીં, પરંતુ પરિવારજનોનું અને નિકટના સંબંધીઓનું પણ નીચાજોણું થઈ જાય છે.

આથી શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કહી શકાય કે પહેલેથી નક્કી કરાયેલાં નિયમો અને શરતો પ્રમાણે નાણાં પાછાં ચૂકવી દેવાં જોઈએ. ક્યારેક કોઈક ખરી મુશ્કેલી હોય તો નાણાં રોકનારની સાથે વાતચીત કરીને તેનો કોઈ હલ કાઢવો જોઈએ. જે સમયે રોકાણકારે અદાલતનાં દ્વાર ખખડાવવાં પડે અથવા તો નિયમનકાર પાસે જવું પડે એ જ ઘડીથી તેમનું સુખ-ચેન ખોવાઈ જાય છે.

ઉક્ત શ્લોકમાં શાસકને આવા કિસ્સાઓમાં હલ કાઢવાનું કહેવામાં આવ્યું છે. સમયસર પૅમેન્ટ કરવામાં આવે એ બાબત નાણાં ઉછીનાં લેનારના જ હિતમાં હોય છે. તેમ કરીને તેઓ પોતાની સાથે આબરૂ ટકાવી શકે છે. ખરું પૂછો તો, શાખ કે પ્રતિષ્ઠા કરતાં વધારે મૂલ્યવાન બીજી કોઈ વસ્તુ નથી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)