ભૌતિક વસ્તુઓની લાલસા થી માત્ર અસંતોષ જન્મે

મારા બે મિત્રોએ ભેગા મળીને મારા જન્મદિવસે મને ભગવદ્ ગીતા ભેટમાં આપી. મેં એમને પોતાની સહી સાથે એ પ્રત આપવાનું કહ્યું ત્યારે તેમણે ના પાડતાં કહ્યું, “ભગવાન કૃષ્ણે પોતે લેખક તરીકે પોતાનું નામ લખાવ્યું નથી તો અમે એના પર સહી કરવાવાળા કોણ?”

આ જ વાત કુરાને શરીફ અને બાઇબલને પણ લાગુ પડે છે. આ શાસ્ત્રો કોણે લખ્યાં એની સ્પષ્ટતા ક્યાંય નથી. ખરું પૂછો તો, તમામ શાસ્ત્રો અપુરુષેય કહેવાય (અહીં ‘પુરુષ’ શબ્દનો અર્થ આત્મા થાય છે). કોઈ આત્માએ પોતાનું નામ શાસ્ત્રો પર લખ્યું નથી કે લખાવ્યું નથી. પ્રાચીન જમાનામાં શાસ્ત્રની રચનાના માનમાં ગુરુનું નામ લખવાની પ્રથા હતી.

આપણે જાણીએ છીએ કે આ શાસ્ત્રો અમૂલ્ય છે. આ કટારમાં હું અગાઉ લખી ગયો છું કે કિંમતની દૃષ્ટિએ આઇફોન મોંઘો છે, પણ મૂલ્યની દૃષ્ટિએ ભગવદ્ ગીતા વધારે છે. આપણા સંતોએ આપણને કિંમત અને મૂલ્ય વચ્ચેનો ભેદ શીખવ્યો છે એ આપણું સૌભાગ્ય કહેવાય.

કોઈ પણ ચીજવસ્તુની કિંમત આપણો અહમ્ સંતોષતી હોય છે. તેનું મૂલ્ય કેટલું છે એ આપણા વલણ પર નિર્ભર છે. કિંમત બાહ્ય પરિબળ છે, મૂલ્ય આંતરિક છે. જ્યારે કિંમતને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે સંબંધિત વસ્તુમાંથી મળતો લાભ હંગામી હોય છે. મૂલ્ય કાયમી હોય છે. કિંમત ધરાવતી વસ્તુઓ વિનાશી છે, કાળબાહ્ય થઈ જતી હોય છે અને સરખામણી કરવા પ્રવૃત્ત કરતી હોય છે, જ્યારે મૂલ્ય અવિનાશી છે.

આઇફોન અને ભગવદ્ ગીતાનું જ ઉદાહરણ લઈએ. આઇફોન કેટલો ચાલશે અને ભગવદ્ ગીતા કેટલી ચાલશે? આઇફોન ભૌતિક સંપત્તિ છે, ભગવદ્ ગીતા યોગિક સંપત્તિ છે.

ગયા રવિવારે હું ‘ચાલ મન જીતવા જઈએ’ ફિલ્મ જોઈ રહ્યો હતો. આ ફિલ્મ 2017માં આવી હતી. ભૌતિક ચીજવસ્તુઓ ટકાવી રાખવી કે પારિવારિક મૂલ્યો ટકાવી રાખવા એ મુદ્દે થતી ખેંચતાણ તેમાં દર્શાવવામાં આવી હતી.

આપણે ભૌતિક ચીજવસ્તુઓની પાછળ દોડતાં રહીએ ત્યાં સુધી મનમાં અસંતોષ રહે છે. મૂલ્ય પાછળ દોડવાનું હોતું નથી. મૂલ્યોથી આપણને શાશ્વત પ્રસન્નતા અને મનની શીતળતા મળે છે. ઉક્ત ફિલ્મ ખરેખર જોવા જેવી છે. એમાં બધી ભૌતિક સંપત્તિ ગુમાવ્યા પછી પણ પરિવારના સભ્યોના ચહેરા પર શીતળતા અને શાંતિ દેખાય છે. એમનામાં આત્મવિશ્વાસ છલકાતો દેખાય છે, કારણ કે તેમણે ભૌતિકવાદ કરતાં મૂલ્યોની જાળવણી પર ભાર મૂક્યો હતો.

આપણા અંતરમન અને બાહ્ય કર્મો વચ્ચે જ્યારે સુમેળ હોય ત્યારે એક અજબ પ્રકારની શાંતિનો અનુભવ થતો હોય છે. એનું વર્ણન શબ્દોમાં કરી શકાતું નથી. જો સુમેળને બદલે ટકરાવ હશે તો તેનાથી આપણે ખિન્ન રહીશું. ભૌતિકવાદ હંમેશાં આપણા અંતરમનનો બાહ્ય ચીજવસ્તુઓ સાથેનો સંઘર્ષ જન્માવે છે. આથી જ લોકો સરખામણી કરવા પ્રેરાય છે અને તેને કારણે ઈર્ષ્યા, નિરાશા અને વ્યગ્રતા જન્મે છે.

તમારે જો કોઈ વસ્તુને મહત્ત્વ આપવું હોય તો મૂલ્યને આપો. તેનાથી તમને શાંતિ, પ્રસન્નતા મળશે, જે કાયમી કે શાશ્વત છે. અહીં આપણે એ નથી કહેતા કે ભૌતિક વસ્તુઓનો ઉપભોગ કરવો નહીં. આપણે સમાજમાં રહીએ છીએ અને પરિવારનું પાલનપોષણ કરવાનું હોય છે. આમ છતાં અંતરમન અને બાહ્ય ભૌતિકતા વચ્ચે ટકરાવ જેટલો ઓછો થાય એટલું વધારે સારું. દા.ત. જો તમારા માટે કાર પ્રતિષ્ઠા માટે નહીં, પણ પરિવહનની જરૂરિયાત માત્ર હશે તો તમે મોટી કાર લેવાનું કદાચ નહીં વિચારો. બીજા લોકો જન્મદિવસે બહાર જમવા જાય છે તેથી તમારે પણ જવું એવી તમારી ભાવના ન હોય તો તમે બહાર જવાનું ટાળી શકો છો. આવી બધી વસ્તુઓ દરેકની પસંદ-નાપસંદ પર આધારિત હોય છે તેથી તેના વિશે ટિપ્પણી કરવાનું અનુચિત કહેવાય. જોકે, એટલું તો કહેવું રહ્યું કે જીવનમાં આંતરિક શાંતિ હોવી જરૂરી છે અને એ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે કિંમતને બદલે મૂલ્યને વધુ મહત્ત્વ આપો.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)