રુસ્તમ શિસ્તબદ્ધ જીવન જીવવા માટે જાણીતો હતો. સવારે ઉઠવાથી માંડીને નાસ્તો કરવો, કામ માટે રવાના થવું, સાંજે ઘરે પાછા આવીને જમવા બેસવું અને રોજિંદો ક્રમ પતાવીને નિદ્રાદેવીને શરણે થવું એ બધા માટેનો એનો સમય નિશ્ચિત હતો. એના મિત્રો અને સંબંધીઓ તો મજાકમાં એમ જ કહેતા કે ઘડિયાળ પોતાનો સમય રુસ્તમનો ક્રમ જોઈને નક્કી કરે છે.
મણિકાંતભાઈને ક્યારે પણ પૂછો, તાજામાં તાજા સમાચારની ખબર હોય. તેઓ સમાચાર માટે અખબારો તો વાંચતા જ, સાથે સાથે ટીવી, ડિજિટલ મીડિયા અને સરકારી વેબસાઇટ્સ પણ જોઈ લેતા અને છેલ્લામાં છેલ્લી ઘટનાથી વાકેફ રહેતા.
માલિનીબેન કરુણાની મૂર્તિ હતાં. ‘જનસેવા એટલે જ પ્રભુસેવા’ એ એમનો જીવનમંત્ર હતો. ક્યારે પણ કોઈનેય જરૂર પડે ત્યારે તેઓ મદદરૂપ થતાં. ઘણી વાર તો કોઈ સહાય માગે એ પહેલાં જ તેઓ પહોંચી જતાં.
દુનિયા માટે આ ત્રણે વ્યક્તિઓ અસાધારણ કહેવાય. જો કે, મનથી તેઓ પોતાની જીવનશૈલીથી ખુશ હતાં કે પછી એ જીવનશૈલીનાં ગુલામ બની ગયાં હતાં એ કહેવું એમના પોતાના માટે પણ મુશ્કેલ હતું.
ધારો કે રુસ્તમના રોજિંદા ક્રમમાં નોકર ચા બનાવવામાં મોડું કરે, પોતાની તબિયત બરોબર ન હોય, કામ પર જતી વખતે રસ્તામાં ટ્રાફિક જામ હોય, ઘરે મહેમાનો હોવાથી સાંજનું જમવાનું મોડું બન્યું હોય, વગેરે જેવી હાથ બહારની કોઈ વાતે ભંગાણ પડે તો શું થાય? આ બધું થવા છતાં જો એનું મન અશાંત ન થાય તો એની જીવનશૈલીમાં કંઈ ખોટું નથી, પણ જો એ ખિન્ન થઈ જાય તો તેનો અર્થ એવો થયો કે એ પોતાની જીવનશૈલીનો ગુલામ બની ગયો છે.
મણિકાંતભાઈની બાબતે પણ આમ જ કહી શકાય. ધારો કે કોઈ કારણસર તેઓ તાજા સમાચાર મેળવી શકે નહીં તો શું?
ધારો કે માલિનીબેને કોઈને મદદ કરી હોય અને એ માણસ એમનો આભાર માનવાનું ચૂકી જાય તો શું માલિનીબેન એ બાબતને ચલાવી લેશે?
મારા કઝિન અંશને વાંચનનો જબરો શોખ. એનું વાંચન વિશાળ હતું. એની બીજી સારી આદત એ હતી કે પોતે કંઈ સારું વાંચ્યું હોય તો બીજાને પણ એ મોકલે. જોનારને તો આ ઘણી સારી આદત લાગે, પરંતુ અંશને હંમેશાં એવી ઈચ્છા રહેતી કે એણે જેને સારી વાંચનસામગ્રી મોકલી હોય એ માણસ એનો આભાર માને અથવા તો એનાં વખાણ કરે. જો એ માણસનો કોઈ પ્રતિભાવ આવે નહીં તો એ સામેથી ફોન કરીને પૂછે, ”મેં મોકલાવેલું લખાણ વાંચ્યું કે નહીં, ગમ્યું કે નહીં?”
ઉપરોક્ત બધાં ઉદાહરણમાં બધી વ્યક્તિઓ દુનિયામાં પોતાની એક વિશિષ્ટ જીવનશૈલીને કારણે ઓળખાય છે. જો કે, એમના માટે એ એક પ્રકારની ગુલામી બની ગઈ છે. તેઓ પોતાની રીતભાતથી કંઈ પણ અલગ કરી શકતાં નથી. જો એ જીવનશૈલીને લીધે એમનાં વખાણ થવા લાગે તો તેઓ વધુ ગુલામ બનતા જાય.
સોશિયલ મીડિયા પર આપણી પોસ્ટને મળતી ‘લાઇક’ જેવી આ વાત છે. જો કોઈ પણ માણસ પોસ્ટને ‘લાઇક’ કરે નહીં તો શું થાય?
ગુલામ ક્યારેય પોતાની રીતે જિંદગી જીવી શકતો નથી. આપણે પોતાની અમુક પ્રકારની જીવનશૈલીના એવા ગુલામ બની ગયા હોઈએ છીએ જાણે કે વેઠિયા મજૂર. ક્યારેક પોતાનો નિત્યક્રમ ખોરવાઈ જાય તોપણ રુસ્તમની માનસિક શાંતિ જળવાઈ રહેવી જોઈએ. એણે ખિન્ન કે ઉદાસ થવું જોઈએ નહીં. મણિકાંતભાઈને ચાર-પાંચ દિવસ તાજામાં તાજા સમાચાર મળે નહીં એવી સ્થિતિ હોય તોપણ એમના મનમાં કોઈ ઊથલપાથલ મચવી જોઈએ નહીં. કોઈ માણસ માલિનીબેનના ઉપકારનો આભાર માનવાનું ચૂકી જાય અને અંશને કોઈ પ્રતિભાવ આપે નહીં તો એમને માઠું લાગવું જોઈએ નહીં.
પોતાની કોઈ વિશિષ્ટ જીવનશૈલી ન હોવી જોઈએ એવું કહેવાનું મારું તાત્પર્ય નથી. મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે પોતે કોઈ સારી આદતના ગુલામ છે કે પછી સારી આદતો પોતાની ગુલામ છે એ બાબતે દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)