સત્વ, રજસ, અને તમસ ગુણને સમતોલ રાખવા માટે યોગ

विशेष विशेष लिङ्ग मात्रा लिङ्गानि गुण पर्वाणि

સાંખ્ય દર્શન પ્રમાણે પ્રકૃતિ એ જગતનું નિમિત્ત કારણ છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, જેને સત્વ, રજસ અને તમસ નામથી ઓળખાયછે. તમસ કેવળ અંધકાર, અજ્ઞાન અને જળ સ્વરૂપ છે, રજસએ ક્રિયા અથવા ગતિ સ્વરૂપ છે. સત્વગુણ સ્થિર અને પ્રકાશ સ્વરૂપ છે. સ્રુષ્ટિની પૂર્વે પ્રકૃતિ જે સ્થિતિમાં હતી તેને સાંખ્યમતવાદી અવ્યક્ત, અવિશેષ અથવા અભિવ્યક્ત કહે છે. તેનો અર્થ એટલો જ છે કે એ અવસ્થામાં નામ રુપનો ભેદ હોતો નથી અને આ ત્રણે ગુણ સામ્ય ભાવે પડી રહેલા હોય છે. ત્યાર પછી એ સામ્ય અવસ્થાનો ભંગ થતા એ ત્રણે ગુણ વિશેષરૂપે જુદા જુદા પ્રમાણમાં મીશ્ર થવા લાગે છે અને તેને પરિણામે જગતની રચના થાય છે.

દરેક વ્યક્તિમાં આ ત્રણે ગુણ રહેલા હોય છે. જેની અંદર સત્વગુણનું પ્રાબલ્ય હોય છે, તેનામાં જ્ઞાનનો ઉદય થવા લાગે છે. રજોગુણનું પ્રાબલ્ય થવાથી ક્રિયાશક્તિની વૃદ્ધિ થાય છે અને તમોગુણ વધી પડવાથી આળસ, અજ્ઞાન અને અંધકારનું આવરણ ઘેરાઈ જાય છે. સાંખ્ય દર્શન પ્રમાણે ત્રિગુણાત્મક પ્રકૃત્તિના ઉચ્ચતમવિકાસ-પ્રકટીકરણને મહત્  અથવા બુદ્ધિતત્વ કહે છે. તે તત્વ સર્વવ્યાપી છે. પ્રત્યેક મનુષ્યની બુદ્ધિ એ સર્વવ્યાપી બુદ્ધિનો એક અંશ છે. સાંખ્ય મનોવિજ્ઞાનમાં મન અને બુદ્ધિની વચ્ચેનો પ્રભેદ માનેલો છે. મનનું કાર્ય એટલું જ છે કે, તમામ સંસ્કારોના સમૂહને બુદ્ધિ એટલે વ્યક્તિગત મહત્ની આગળ રજૂ કરી દેવો. પછી સર્વ ઉપરથી નિશ્ચિત કરવાનું કાર્ય બુદ્ધિનું છે. મહત્માંથી અહંતત્વ અને અહંતત્વમાંથી સૂક્ષ્મ પદાર્થોની ઉત્પત્તિ થાય છે. અને સૂક્ષ્મ પદાર્થોનું પરસ્પર સંમિશ્રણ થવાથી બાહ્ય સ્થુળ પદાર્થોની રચના થાય છે, આવી રીતે સ્થુળ જગત ઊભું થાય છે.

સાંખ્યદર્શન એવા મતનું પ્રતિપાદન કરે છે કે, બુદ્ધિથી માંડીને પથ્થર સુધીના તમામ પદાર્થો એક જ મૂળ વસ્તુમાંથી ઉત્પન્ન થયા છે. ફેર માત્ર તેમની વત્તા ઓછી સૂક્ષ્મતામાં તથા સ્થુળતામાં જ છે. એ બધા પદાર્થોમાં સૌથી વધારે સૂક્ષ્મ વસ્તુ બુધ્ધિ છે. તેના પછી અહંકાર અને તેના પછી સૂક્ષ્મ પદાર્થો જેમને સાંખ્ય દર્શનમાં તન્માત્રા એવું નામ આપેલું છે. તે ઉત્તરોત્તર એક બીજાથી સ્થુળ છે. એ સૂક્ષ્મ પદાર્થો નજરે જોઈ શકાતા નથી, માત્ર અનુમાન દ્વારા જ તેમનું અસ્તિત્વ જાણી શકાય છે. એ તન્માત્રાઓનું પરસ્પર સંમિશ્રણ થવાથી સ્થુળ આકૃતિ બંધાય છે અને તેમાંથી આખું જગત ઊભું થયું છે. જે બીજાને મુકાબલે સૂક્ષ્મ છે તે કારણ છે અને જે બીજાની અપેક્ષા એ સ્થૂળ છે તે કાર્ય છે.

આ પ્રમાણે પદાર્થ માત્રનો આરંભ બુદ્ધિમાનથી જ થયો છે. સૌથી વધારે પદાર્થો બુદ્ધિ છે અને એ બુદ્ધિ ધીમે ધીમે વધારે વધારે સ્થૂળ સ્વરૂપ પકડતી ચાલીને આખરે છોડ પદાર્થો-જગતરૂપી પરિણામ પામે છે. સાંખ્યમત પ્રમાણે પુરુષ પ્રકૃતિથી પર છે. લેશમાત્ર પણ જળ કે ભૌતિક પદાર્થ નથી. બુદ્ધિ, મન, તન્માત્રા અને સ્થલપદાર્થો એમાંના કોઇનું પણ તેની સાથે સામ્ય નથી. એ તો સર્વ પ્રકારે સર્વથી ભિન્ન છે, એના લક્ષણ પણ સૌથી જુદા જ પ્રકારના છે. આ ઉપરથી સાંખ્યમત વાળા એવો સિદ્ધાંત સ્થાપિત કરે છે કે, પુરુષ મૃત્યુરહિત અજરઅમર છે. કારણ કે તે કોઇ પણ પદાર્થના મિશ્રણથી બન્યો
નથી. જે મિશ્રણથી ઉત્પન્ન થતો નથી, તેનો કોઈ દિવસ નાશ પણ થતો નથી, એ પુરુષ અથવા આત્મામાંની સંખ્યા અગણીત છે.

આપણામાં રહેલા આ ત્રણ ગુણો રજસ, તમસ અને સત્વ સમતોલ રાખવા માટે યોગ ઉપયોગી બનશે. યોગના આસનો અને એક આસનમાં વધારે વાર રોકાવાથી મનના ભાવ બદલી શકાય છે. સમજણ શક્તિ સુધરી શકે છે. વધારે પડતો ગુસ્સો ઓછો થઇ શકે છે. વધારે પડતી ઊંઘ ઓછી થઇ શકે છે. પરંતુ રોજ આસનોમાં વધારે વાર રોકવું જરૂરી છે.

અહીંયા તમે આજે ત્રણ આસન જોશો.

વૃક્ષાસનથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે. લોહીનું પરિભ્રમણ સક્રિય કરે છે. ઉપરાંત સાધકમાં સ્વસ્થતા, શાંતિ અને સમતોલ પણાનો ભાવ ઉત્પન્ન કરે છે. એટલે શરુઆતમાં આ આસન દીવાલના ટેકે કરવાનું, પછી ધીમે ધીમે દીવાલથી દૂર ઊભા રહીને એક સભાનતા સાથે બેલેન્સ રાખીને આ આસન 2 મીનીટ થી ૩ મિનિટ સુધી કરીએ ત્યારે, મનના ભાવ બદલી શકાય છે. ઋષિ પતંજલિએ કહ્યું છે કે, આસન વારેવારે કરવાથી મૂડ ચેન્જ થઈ શકે છે. અથવા તો શરીરની અંદરના જે હોર્મોન્સ Disturb હોય તો એને બેલેન્સ કરી શકો છે. પતંજલીએ એક વૈજ્ઞાનિક હતા. આટલા વર્ષો પહેલા, સદીઓ પહેલા, એ વૈજ્ઞાનિકની રીતે સંશોધન કરીને આ આસનોથી શરીરની અંદરના અવયવોને શરીરની અંદર રહેલ Tissues ને, શરીરની અંદર રહેલ એક-એક સેલને શું અસર થાય છે એનું સરસ રીતે આલેખન કર્યું છે.

આયંગર યોગમાં આ એક અગત્યનું સાધન છે જેની સાથે તમે જોઈ શકો છો ઉત્થિતપાશ્ર્વકોણાસન. આ આસનમાં ઘૂંટી ઘૂંટણ સાથે મજબૂત થાય છે. પગની પિંડી કે સાથળની ક્ષતિઓ દૂર થઈ શકે છે. અહીં ખાસ અગત્યનું એ છે કે હાથ જેવી રીતે ઉપર જાય છે એટલે એની અસર તમારા ફેફસા, પેટ અને લીવર પર પડે છે. સાથે સાથે તે પગ સીધો છે, એની અસર સાઈટીકા પર થાય છે અને એ દર્દ ઓછો થઇ શકે છે. પાચનશક્તિ સારી થાય છે. અને મળ વિસર્જનમાં સરળતા રહે છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)