હૃદયનું આરોગ્ય જાળવવા માટેની ટિપ્સ

મારે ખાસ આભાર માનવો રહ્યો કાર્ડિયોલોજિસ્ટ ડો. મહિમા છાજેડનો, જેમણે મને આ લેખ માટે એમની કિંમતી મેડિકલ સલાહ આપી.

વેલેન્ટાઈન્સ ડે નજીકમાં છે અને આપણી ચારેબાજુએ લાલ રંગના હૃદય જોવા મળી રહ્યા છે. પરંતુ આપણું હૃદય કેવી રીતે ધબકે છે? એને સ્વસ્થ રાખવામાં શું મદદરૂપ થાય છે? આજની કોલમમાં હું હૃદયની સંભાળની શારીરિક, માનસિક, લાગણીશીલ અને આધ્યાત્મિક પાસાંની છણાવટ કરવા માગું છું.

આપણા શરીરમાં સૌથી વધારે કામ કરતું અવયવ છે, આપણું હૃદય. સામાન્ય શબ્દોમાં કહીએ તો, હૃદય એ બીજું કંઈ નહીં પણ એક પમ્પ છે. એનું મૂળ કામ લોહીને પમ્પ કરવાનું અને ઓક્સિજન તથા પોષક તત્ત્વોને આખા શરીરમાં વહેંચવાનું. એ માનવીના સરેરાશ આયુષ્યમાં 2.5 અબજથી વધારે વખત ધબકે છે અને 20 કરોડ લીટર લોહીનું પમ્પિંગ કરે છે. આ વિગત જાણીને મારું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું.

જિનેટિક્સ, આહારશૈલી, કસરત અને જીવનશૈલી હૃદયના આરોગ્યને નિશ્ચિત કરતા મુખ્ય પરિબળો છે. ખરાબ સમાચાર એ છે કે આ બધું આપણી તરફેણમાં આવે એવું નથી. શેષ વિશ્વના લોકોની સરખામણીમાં આપણે ભારતીયો હૃદયની બીમારી તથા હૃદયને સંબંધિત તકલીફો એક દાયકો વહેલી ભોગવીએ છીએ. આપણા માટે ત્રણ મુખ્ય ખલનાયકો છે – હાઈપરટેન્શન, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ. ધૂમ્રપાન અને માદક પદાર્થોના સેવનને કારણે પણ એથરોસ્લેરોસિસ કે ધમનીઓને જાડી કરવા જેવી હૃદયની તકલીફો ઊભી થાય છે, જેમાં છાતીમાં દુખાવો થાય કે ઉરઃશૂળ ઉપડે છે અને હાર્ટ એટેક આવે છે.

સારા સમાચાર એ છે કે કોઈ ક્વાલિફાઈડ કાર્ડિયોલોજિસ્ટની સલાહ મુજબ હૃદયની બીમારીને જીવનશૈલી તથા આહારપદ્ધતિમાં ફેરફાર કરીને કાબૂમાં રાખી શકાય છે અને એને દૂર પણ કરી શકાય છે. સાવચેતીનાં સરળ પગલાંમાં આનો સમાવેશ કરી શકાયઃ નમક ખાવાનું ઓછું કરવું, તળેલો કે ચરબીયુક્ત ખોરાક ખાવાનું ઘટાડી દેવું. નિયમિત રીતે કસરત કરવી અને સ્વયંને માટે તેમજ પરિવારજનો માટે આરોગ્યપ્રદ રૂટિન બનાવવો એ પણ એટલું જ મહત્ત્વનું છે. યોગ કરતાં રહેવું, ખાસ કરીને સ્વાસ્થ્યકર અને શક્તિવર્ધક આસનો કરવા. તેમજ ઘેરો આરામ કે યોગ નિદ્રા કરવાથી પણ હૃદયની કામગીરીને બળ પ્રાપ્ત થાય છે.

જો તમે હૃદયની બીમારીની સારવાર હેઠળ હો તો તમારે એ માટેની દવાઓ નિયમિત રીતે લેવી, ભલે તમને સારું લાગે તો પણ. એની સાથે તમે ધીમે ધીમે સામાન્ય પ્રવૃત્તિઓ પણ ફરી શરૂ કરો એ પણ મહત્ત્વનું છે. સ્વસ્થ થવા માટે થોડોક સમય લાગે.

હૃદયને પ્રેમ અને લાગણીનું આસન કહેવામાં આવે છે, જે કરૂણા આપવા અને મેળવવા માટે જાણીતું છે. જો કોઈ તમારું હૃદય દુભાવે તો આપણે દુઃખનો, ખાલીપણાનો અને પીડાનો અનુભવ કરીએ છીએ. હૃદયની કાળજી લેવા માટે લાગણીશીલ હૃદય અને આધ્યાત્મિક હૃદય એ બહુ જ મહત્ત્વની બાબત છે, જેની ઘણી વાર ડોક્ટરો તથા દરદીઓ પણ અવગણના કરતા હોય છે.

તમારા હૃદય સાથે એકદમ હળીમળી જાવ. સ્વસ્થતાભર્યું હસવાનું રાખો અને તમારી આસપાસનાં લોકો સાથે પ્રેમપૂર્વક તથા દયાપૂર્વક હળવામળવાનું રાખો. એક સ્વયંસેવકની માફક વિશ્વને તમારી પોતાની અનોખી સ્ટાઈલમાં વધારે સરસ બનાવવા માટે તમારો સમય તથા શક્તિ આપીને મદદરૂપ થાવ. એનાથી તમને ઘણો જ આનંદ થશે અને તમારું હૃદય આનંદિત બનશે.

અંતમાં એટલું કહીશ કે, આપણને સૌને જરૂર છે, પ્રેમની!

(સુજાતા કૌલગી)