જીવનમાં તહેવારોનું મહત્વ

“જીવનમાં તહેવારોનું મહત્વ” એ વિષય પર નિબંધ આપણે જ્યારે શાળામાં હતા ત્યારે લખ્યો છે. ત્યારે શું કારણ આપતા કે રજા મળે,વેકેશન પડે, આનંદ આવે, મીઠાઈ ખાવા માટે, બધાને ઘરે જવા માટે વિ.વિ.વી. અત્યારે જો તમને એના પર નિબંધ લખવાનું કહે એટલે 40 વર્ષ પછી આ વિષય પર નિબંધ લખો તો શું કારણ આપીશું. રિલેક્સ થવાય, મન શાંત અને પ્રફુલ્લિત થાય, રૂટિન કામથી કંટાળ્યા હોય તો જરા બ્રેક મળે. તહેવારોની ઉજવણી પછીના કામ વધારે સારી રીતે થઈ શકે. મન રિલેક્સ હોય તો વધારે ક્રિએટિવ, સારા વિચારો આવે અને પ્રવૃત્તિનું પાસુ બદલવું જોઈએ.

હવે તમને એ કહું કે, દરેકના જીવનમાં ઉંમર પ્રમાણે જવાબદારીઓ, ચિંતાઓ બદલાય છે. વિદ્યાર્થીકાળમાં સારું પરિણામ લાવો, ઈતર પ્રવૃત્તિઓ કરો એનો ભાર અને કુમાર અવસ્થામાં નોકરી, છોકરી સારી મેળવવાના પ્રયત્નો, ને એ પ્રયત્નોમાં નિષ્ફળતા મળે એનો ડર. પ્રૌઢ અવસ્થામાં પરિવારની જવાબદારી, વધુ સારી લાઈફ કરવા માટેના અથાગ પ્રયત્નો અને પછી વૃદ્ધાવસ્થામાં માનસિક શારીરિક તકલીફોમાં વધારો.

હવે જો આ બધામાંથી બચવું હોય તો હું કોઈ જાદુ એવું નથી કરવાની કે તકલીફો, મુશ્કેલીઓ ન આવે જીવનમાં. પણ એ તકલીફો, ચિંતાને હેન્ડલ કેવી રીતે કરશો, એ વખતે મન શાંત રાખી મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે અવાય, એવું વિચારી શકીએ. એવા શક્તિમાન, વિચારશીલ થઈ જવાય. જો નિયમિત, રોજ આયંગર યોગ કરીએ તો આસન માત્ર શરીર નથી કેળવતા કે સ્નાયુઓ, લોહીનું પરિભ્રમણ સારું નથી કરતા પરંતુ આસન કરતાં કરતાં મન દ્રઢ બને છે, મજબૂત બને છે, મનોબળ મજબૂત બને છે. તો એના માટેના ત્રણ આસન અને એક શ્વાસની ક્રિયા ખૂબ અગત્યની છે.

(૧) વીર ભદ્રાસન-૧, વીર ભદ્રાસન-૨ નામ એવા ગુણ છે. વિરત્વની ભાવના ઉત્પન્ન થાય છે. મુશ્કેલીથી ડરી ના જવાય, ગભરાય ન જવાય એવા સ્વભાવ કેળવાય છે અને આ બધા ઉપરાંત સ્નાયુઓ મજબૂત થાય છે તે બોનસમાં.

સૂર્યનમસ્કાર જે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, શરીરની સુસ્તી દૂર કરે છે, સ્ફૂર્તિ લાવે છે. જઠરાગ્ની પ્રબળ કરે છે. મૂંઝાયેલું મન, અટવાયેલું મનની શુદ્ધિ કરે છે. વિચારોમાં ક્લિયારીટી આવે છે. નિર્ણય શક્તિ વધારે છે. આ બધા ઉપરાંત સ્નાયુઓને મસાજ, શરીરના અવયવોની કાર્યક્ષમતા વધે છે. દરેક ઉંમરની વ્યક્તિએ 2/5/10/25 કરવા જોઈએ, રોજ કરવા જોઈએ.

શ્વાસની ક્રિયાની વાત કરીએ તો જો મન-મગજ પર કામ કરવું હોય તો એક ઉદાહરણ આપું કે એક ઘડામાં થોડું પાણી છે, એમાં વધારે પાણી, શુદ્ધ પાણી નાખવું હોય તો પહેલા ઘડો ખાલી કરવો પડે એને વિછડવો પડે, સાફ કરવો પડે. તો જ નવા-શુદ્ધ પાણીથી ઘડો ભરી શકાય. તો એવી જ રીતે જે ડરેલું મન છે, ગભરાયેલું મન છે એને સાફ કરવું પડે અને એના માટે ઉચ્છવાસ વધારે નીકાળવો પડે, શ્વાસ અંદર લઈએ એના કરતા ઉચ્છવાસ વધારે નીકળવો જોઈએ. તો આપોઆપ નકારાત્મક વિચાર ઓછા થશે, વિચારોના વાવાઝોડા ઓછા થશે. વિચારોને મેનેજ કરી શકાય છે અને એટલે મુશ્કેલીઓના ઉપાયો જાતે જ મળી જાય છે. કારણ કે બુદ્ધિ પરનું સમજણ પરનું આવરણ ખસી જાય પછી બુદ્ધિ ઠેકાણે આવે છે અને યોગ્ય નિર્ણય લઈ શકાય છે.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)