મનમાં રહેલો ડર રોગમાં ન ફેરવાઈ જાય એના માટે કરો આ યોગ

વિષાદો રોગ વર્ધનાનામ- એટલે કે, વિષાદથી, ચિંતાથી, સતત અસંતોષથી રોગ અને દુ:ખ વધે છે.

આ વાક્ય દરેક ઉંમરની વ્યક્તિએ યાદ રાખવા જેવું છે. વિદ્યાર્થીકાળ હોય, કુમાર અવસ્થા હોય, પ્રૌઢ અવસ્થા હોય કે વડીલો હોય, જેટલી ચિંતા વધારે કરીશું એટલી તકલીફ વધારે મોટું સ્વરૂપ લેશે. જેટલું દુઃખ અંદરને અંદર અનુભવ્યા કરીશું તેટલી શારીરિક અને માનસિક તકલીફો વધશે. વિચારસરણી બદલવાની જરૂર છે, પ્રશ્ન એ છે કે વિચારસરણી કેવી રીતે બદલવી?

હું મારા યોગ સેન્ટરમાં દરેક ક્લાસમાં વારેવારે કહું છું કે તમે જે બોલો છો, તે બધા સાંભળે છે. એમ યુનિવર્સ પણ સાંભળે છે. પણ તમે જે નથી બોલતાં, જે શબ્દો બહાર નથી આવતા, મનમાં અંદર જે વિચારો વાર્તાલાપ ચાલે છે, તે પણ યુનિવર્સ સાંભળે છે. અને જે વિચાર સતત આવ્યા કરે તેનો અમલ થઇ જ જાય એવું યુનિવર્સ પ્રયત્ન કરે છે.

દા.ત. SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં કોવીડના દર્દીઓ પાસે અમે પ્રાણાયામ, રિલેક્સેશન, મેડીટેશન કરાવવા જતા, તેમનું કાઉન્સેલિંગ કરતા એમની વ્યથા સાંભળતા. ‌એ લોકોનું એકલાપણું દૂર થાય એટલે અમારી યોગની ટીમ રોજ તેમને મળતી ત્યારે એક કાકા એ મને કીધું હતું કે, બોલો હું ઘરની બહાર નથી નીકળ્યો, માસ્ક તો સતત પહેરી રાખતો જમતી વખતે અને રાત્રે સૂતી વખતે જ માસ્ક કાઢતો તો પણ મને કોવીડ થઈ ગયો. મેં એમને લો ઓફ એટ્રેક્શનની વાત કરી. તમે માસ્ક નહોતા કાઢતા એ બરાબર પરંતુ તમે મનોબળ મજબૂત રાખવા શું કરતા હતા? કે પછી સતત વિચાર્યા કરતાં!! કે મને કોવીડ ન થાય, મને કોવીડન થાય. એટલે એમને જે ડર હતો તે રોગમાં ફેરવાઈ ગયો. એટલે કે મનમાં ને મનમાં જે ડર હોય એ હકીકતમાં ફેરવાય જાય છે.

 

હવે સવાલ એ છે કે, મનોબળ મજબૂત કરવા શું કરવું? તો જવાબ એ છે કે નિયમિત યોગાસન= આસન, પ્રાણાયામ, અસઅસ્તે, અપરિગ્રહ, શુદ્ધિકરણ અને પ્રત્યાહારનો અભ્યાસ કરવો જોઈએ.

તમને સૌથી પહેલાં વૃક્ષાસન કરવાનું કહે તો કહેશો કે, નાના નહીં થાય, પડી જવાય, બેલેન્સ નહીં રહે. પરંતુ તમે વૃક્ષાસન કરવાનું શરૂ કર્યું, 10 સેકન્ડમાં પડી ગયા. બીજી વાર કર્યું ૨૦ સેકન્ડ સુધી રાખ્યું. એમ કરતાં કરતાં ૨ મિનિટ સુધી કરી શકશો. આ શું થયું? આ તમારું મનોબળ મજબૂત કરે છે, ન ધારેલા કામ, અશક્ય લાગતા કામ તમે કરી શકો એવું મન તૈયાર કરે છે.

યોગશાસ્ત્રમાં એવું કહ્યું છે કે, કોઈની વસ્તુ ચોરી કરવી એ ખોટું કામ છે પરંતુ કોઈનો વિચાર ચોરવો એની પ્રશંસા કર્યા વગર, એની મંજૂરી લીધા વગર જે વિચારનું અમલીકરણ કરવું એ પણ ચોરી જ છે. યોગશાસ્ત્રમાં અપરિગ્રહની વાત કરી છે. વસ્તુઓનો સંગ્રહ ન કરવો એ બધાને ખબર છે પરંતુ મનમાં કોઈ વાત, કોઈ વ્યક્તિ પ્રત્યેનો અણગમો, કોઇ નેગેટિવ બનાવ મનમાં સંગ્રહ રાખીએ તો એ મન અને શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે. એટલે જ નિયમિત સાધનો સાથે યોગ, એટલે આયંગર યોગ કરવા જોઈએ. લાકડાના સાધનો, ખુરશી, બેલ્ટ, દોરડા, તકિયા, બ્લેન્કેટ વગેરે સાધનો સાથે યોગ કરવાથી મનોબળ મજબૂત રહે છે સાથે વિપરીત સંજોગોમાં તમે પોતાની જાતને અને બીજાને સહાયરૂપ થઈ શકો છો.

શ્રીમદ્ ભગવત ગીતાજી અધ્યાય ૬ શ્લોક ૨૪

स निश्चयेनयोक्तव्योयोगोऽनिर्विण्णचेतसा |

संकल्पप्रभवान्कामांस्त्यक्त्वासर्वानशेषतः।

मनसैवेन्द्रियग्रामंविनियम्यसमन्तत:૨૪॥

અનુવાદ- મનુષ્યે શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. તેણે મનનાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઇચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ.

 

ભાવાર્થ- યોગ-સાધના કરનારે દ્રઢનિશ્ચયી થવું જોઈએ અને તેણે વિચલિત થયા વિના ધ્યાનપૂર્વક યોગાભ્યાસ કરવો જોઈએ. અંતે તેણે સફળતા મળશે જ એવી ખાત્રી રાખવી અને ખૂબ જ ધૈર્યપૂર્વક આ માર્ગનું અનુસરણ કરવું, તેમજ સફળતા મળવામાં વિલંબ થાય તો તેણે નિરુત્સાહી બનવું નહીં. આવા દ્રઢનિશ્ચયી સાધક માટે સફળતા નિશ્ચિત હોય છે.

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)