8મીમાં ભણવાનું છોડી ગમતું કર્યું, 23 વર્ષે કરોડોપતિ બન્યો ત્રિશનિત

ણીગણીને મોટો માણસ બનીશ..એવું માબાપ કહે ત્યારે ઇન્ટરનેટના મહાસાગરમાં સર્ચ એન્જિનના સઢ ચડાવી બાળકો માબાપને સામે માહિતી આપતાં હોય છે કે, જુઓ, આ રહ્યાં એવા લોકો જેઓ ભણ્યાં ન હતાં પણ આજે આમ આમ છે…એ શ્રેણીમાં આ નવયુવાનનું નામ પણ લેવાવા માંડ્યું છે કે આઠમા ધોરણમાં નાપાસ થતાં ભણવાનું છોડી દીધું હતું એ છોકરો આજે એની આવડતથી કરોડોપતિ બન્યો હોવાની ખ્યાતિ મેળવી રહ્યો છે.

વાત છે મુંબઇના ત્રિશનિત અરોડાની. આને નાનપણથી જ ખાસ કંઇ ભણવામાં મન લાગ્યું નહીં. એની ન ભણવાની અને અન્ય પ્રવૃત્તિઓમાં મચ્યાં રહેવાની જીદથી અફકોર્સ માબાપ પરેશાન હતાં તો શાળામાં શિક્ષકો પણ ફરિયાદ કરતાં રહેતાં કે આ છોકરાનું ભણવામાં ધ્યાન જ નથી. છેવટે માંડમાંડ આઠમાં ધોરણમાં પહોંચ્યો ખરો, પણ નાપાસ થઇને ઊભો રહ્યો.

માતાપિતાની નિરાશાનો પાર ન હતો. શું કરવું છે આખરે..મહાપ્રશ્ન ઘુમરાઇ રહ્યો હતો ત્રિશનિત અને તેના પરિવારમાં. ત્યારે ત્રિશનિતના પિતાનું બરાબર એ વાત પર, એ મુદ્દા પર નિશાન તકાયું જેના કારણે ત્રિશનિત ભણતો જ ન હતો. એ હતો તેનો કોમ્પ્યૂટર પ્રેમ…

આ જ તેની પ્રબળ રુચિ હતી જેને કારણે એ દિવસરાત કોમ્પ્યૂટર સ્ક્રીન છોડતો ન હતો., તેની આ રુચિની આંગળી જ પિતાએ પકડાવી દીધી અને ખુલ્લો મેદાનમાં છોડી દીધો કે લે આ તારું પોતાનું નવું કોમ્પ્યૂટર અને કર તારે જે કરવું હોય તે…

બસ આજ પોઇન્ટ, ત્રિશનિતની સફળતાની સીડી બન્યો હતો. કોમ્પ્યૂટરનો તેનો પ્રેમ આજે તેને દેશનો નિષ્ણાત સાઇબર એક્સપર્ટ બનાવી ચૂક્યો છે. હ્યૂમન ઓફ બોમ્બેના ફેસબૂક પેજ પર આ યુવાનની પ્રેરક સ્ટોરી શેર કરવામાં આવી ત્યારે જગતને તેની જાણ થઇ, બાકી એ પહેલાં જ એણે ઘણો મુકામ હાંસલ કર્યો હતો.

ત્રિશનિતને નાનપણથી જ કોમ્પ્યૂટર ચુંબકની જેમ આકર્ષતું હતું. જ્યારે જુઓ ત્યારે વિડીયો ગેમ રમતો દેખાતો. એ કોમ્પ્યૂટર પર બેસે એટલે પિતાનું ટેન્શન વધી જાય. કારણ કે તેમણે રોજ નવો પાસવર્ડ નાંખ્યો હોય અને તેમનો દીકરો રોજે પાસવર્ડ બદલી નાંખતો. રોજે પાસવર્ડ ક્રેક કરી નાંખતા પુત્રની પ્રતિભા પરખાઇ ત્યારે તેઓ પ્રભાવિત થયાં અને નવું કોમ્પ્યૂટર જ લાવી આપ્યું. આ ઘટનાએ ત્રિશનિતની જિંદગીને આગવો વળાંક આપ્યો.

આઠમી નાપાસ થયો ત્યારે સાથે બેસીને ત્રિશનિતને પૂછાયું કે બોલ શું કરવું છે. એણે નિર્ણય કર્યો કે તે કોમ્પ્યૂટર ફિલ્ડમાં જ કારકિર્દી ઘડશે. સ્કૂલ છોડી દઇ ત્રિશનિત કોમ્પ્યૂટરની ઝીણીઝીણી ખૂબીઓ શીખવા માંડ્યો.જોકે તેણે શાળેય અભ્યાસ છોડ્યો પણ 12મું ધોરણ ડીસ્ટન્સ લર્નિંગથી કરીને એ જ રીતે બીસીએ પણ કર્યું એ અલગ વાત છે. જોકે હવે તેને મળતાં વિદ્યાર્થીઓને તે સ્પષ્ટપણે જણાવે છે કે શાળા છોડી દેવી ‘યોગ્ય નિર્ણય’ નથી.

મૂળ વાત પર પાછાં આવીએ તો, 19 વર્ષની વયમાં તે કોમ્પ્યૂટર ફિક્સિંગ અને સોફ્ટવેર ક્લિનિંગ શીખી ગયો હતો. હવે તેણે નાનાનાના પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું. એની પહેલી રોકડી સફળતાનો ચેક રુપિયા 60,000નો મળ્યો હતો. આ પછી ત્રિશનિતને મની પ્લાનિંગ કરી પોતાની સીક્યૂરિટી કંપનીમાં ખર્ચ કરવાનો વિચાર આવ્યો હતો. અને તેણે બનાવી એ કંપની એટલે ટીએસી સીક્યૂરિટી સોલ્યૂશન. આ સાયબર સીક્યૂરિટી કંપની આજે કરોડોનો ધંધો દેશવિદેશમાં કરી રહી છે.

21 વર્ષની ઉંમરે ત્રિશનિતે પોતાની કંપની શરુ કરી. સાયબર એક્સપર્ટ આ યુવાનના ગ્રાહકોમાં રીલાયન્સ, સીબીઆઈ, પંજાબ પોલિસ, એવન સાઇકલ અને અમૂલ જેવી દિગ્ગજ કંપનીઓ છે જેને સાઇબર સંલગ્ન સેવાઓ પૂરી પાડે છે.

ત્રિશનિતે પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં હેકિંગ પર ‘હેકિંગ ટૉક વિથ ત્રિશનિત અરોડા’, ‘ધ હેકિંગ એરા’ અને ‘હેકિંગ વિથ સ્માર્ટફોન્સ’ લખ્યાં છે. ડિજિટલ ઇન્ડિયા ફોરમ નિમિત્તે યોજાતાં અનેક પ્રોગ્રામ્સમાં તે પાર્ટિસિપેટ કરે છે.  જેમ કે જીક્યૂ ઇન્ડિયાના 50 મોસ્ટ ઇન્ફ્લૂએન્શલ યંગ ઇન્ડિયન્સ. ન્યૂ મેક્સિકોના સાન્તા ફે શહેરના મેયરે તેના માનમાં 25 ઓગસ્ટ 2017ના દિવસને ‘ત્રિશનિત અરોરા ડે, તરીકે જાહેર કર્યો હતો.

23 વર્ષની વયમાં કરોડોપતિ સાયબર એક્સપર્ટ તરીકે જાણીતો થયેલો આ યુવાન મળતી માહિતી પ્રમાણે ભારતમાં તેની કંપનીની ચાર ઓફિસ અને દુબઇમાં એક ઓફિસ ધરાવે છે.તેની કંપનીના 40 ટકા ગ્રાહકો આ ઓફિસો સાથે ડીલ કરે છે. તેના ગ્રાહકોમાં 50 ફોર્ચ્યૂન સહિતની 500 કંપનીઓ શામેલ છે. ટીએસી તરીકે જાણીતી તેની કંપનીએ શરુઆતના દિવસોમાં જ દેશના માર્કેટ અને મીડલ ઇસ્ટના દેશોમાંથી એક કરોડ રુપિયાથી વધુની કમાણી કરી છે.