વિનીતા સિંઘાનિયાઃ સીમેન્ટ ઉદ્યોગની મજબૂત મિસાલ

દેશની મોટી ઓદ્યોગિક ફેમીલિઝમાં શુમાર થતું સિંઘાનિયા પરિવાર આજકાલ ચર્ચામાં છે. પણ અહીં જેમની વાત કરવી છે તે છે વિનીતા સિંઘાનિયાની… એક એવી મહિલા જેણે સોળસોળ વર્ષ ઘરપરિવારની બાગડોર સંભાળી અને પતિ શ્રીપત સિંઘાનિયાના અકાળ અવસાનને લઇને બિઝનેસ વર્લ્ડમાં પગ મૂકવાની ફરજ પડી. વિનીતા સિંઘાનીયા આવ્યાં ભલે કારણોસર, પણ દાયકાઓ બાદ આજે તેમનું નામ અને કામ બન્ને આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. જેકે સીમેન્ટનું નામ સાંભળ્યું છે ને… આ એ જ કંપનીના કર્તાધર્તા વિનીતા સિંઘાનિયા.પારંપારિક રાજસ્થાની સમાજ મહિલાઓ માટે આજની તારીખમાં ઓપન પૉલિસી નથી ધરાવતો, ત્યાં વિનીતા માટે એ સમયમાં, 1988માં પરિવારનો સાથ મળવા છતાં બિઝનેસ સંભાળી લેવો મહિલા તરીકે આસાન ન હતો. વિનીતાને બિઝનેસમાં લાવવાનો શ્રેય તેમના પરિવારના મોભી હરિશંકર સિંઘાનિયાને ફાળે જાય છે. તેમણે જ પતિ શ્રીપતિ સિંઘાનિયાનો સીમેન્ટ ઉદ્યોગ ટેક ઑવર કરવા પ્રોત્સાહન આપ્યું. ઓફર સમયે સંકોચશીલ, અકાળે આવેલાં વૈધવ્યથી ગમગીન એવાં વિનીતા માટે જોકે બિઝનેસ ફેમિલી પિયરના પરિવારથી જ હતું એ એક મોટો પ્લસ પોઇન્ટ રહ્યો હતો. એ સમયમાં તેમણે ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો હતો.

આજે દાયકાઓ જૂનો બિઝનેસ સંભાળીને વિનીતા સિંઘાનિયા જેકે લક્ષ્મી સીમેન્ટના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સાચાં અર્થમાં શોભાવી રહ્યાં છે. કંપની જગતમાં તેમનું નામ શ્રીપતિ સિંઘાનિયાના પત્ની તરીકે નહીં પણ ખાનદાની ઉદ્યોગગૃહના સ્વામિની તરીકેનું છે. વિનીતાએ ‘વુમન પ્રેસિડન્ટ ઓફ સીમેન્ટ મેન્યુફેકચર્રસ એસોસિએશન’નું સ્થાન મેળવ્યું છે, એવી જ રીતે પ્રોગ્રેસની રીતે જોઇએ તો કંપની સંભાળી ત્યારે તેની કેપેસિટી 0.3 મિલિયન ટન હતી, તે વધારીને 1.5 મિલિયન ટન કેપેસિટી ધરાવતી કંપની, 100 કરોડની નેટવર્થમાંથી 450 કરોડની ફક્ત ત્રણ વર્ષમાં કરી દીધી હતી. આ કંઇ જેવીતેવી વાત ન હતી. આજે કંપની કેપેસિટી 15 મિલિયન ટનની થઇ ગઇ છે તે કંપની માટે માઇલસ્ટોન સમાન છે. જાદૂઇ છડી ફરી જાય અને ચમકતીદમકતી સફળતા પગે લાગે એવું ફિલ્મોમાં બને, વેપારધંધામાં નહીં, તેવું નાનકડી દુકાન ચલાવતો વેપારી પણ સમજે, ત્યારે આતો મોટા બિઝનેસ એમ્પાયરની વાત છે. એ કેવી રીતે બન્યું તે જાણીએ ત્યારે વિનીતા સિંઘાનીયાની વ્યક્તિગત મતાને સલામ મારવાનું મન થાય. આ માટે એક ઉદાહરણ જ પૂરતું છે કે રાજસ્થાન સ્થિત ઉદયપુર પ્લાન્ટ 14 વર્ષથી બંધ પડ્યો હતો તે ફરી ચાલુ કરી દીધો છે.

વિનીતાનાં સ્ત્રીસહજ ગુણો તેમની કારકિર્દીમાં પણ પોષક બની રહ્યાં છે. એક સ્ત્રી માટે પારિવારિક પ્રબંધન લાગણીની ડોરમાં બંધાઇને થવું, એકમેકને જોડીને થવું સ્વાભાવિક હોય છે તેમ જ વિનીતા વ્યાવસાયિક કામકાજ માટે એક આદર્શરુપ વ્યવહાર કરે છે જેને લઇને એક પછી એક વ્યક્તિઓ, વેપારીઓ, સંસ્થાઓ સાથે કંપની વ્યવહાર સંકળાતા રહ્યાં અને મજબૂત બનતાં ગયાં. એક સ્ત્રી માટે પરિવારના સદસ્યનો સંતોષ જે રીતે મહત્ત્વ ધરાવે છે એવા જ પેશનથી તેમની પ્રોડક્ટ માટે ગ્રાહકનો સંતોષ પણ વિનીતાએ મહત્ત્વનો માન્યો છે. કંપની પ્રોડક્ટના ગ્રાહકો માટે ગુણવત્તાયુક્ત માલસામાનની ગેરંટીએ તેમની બ્રાન્ડનેમની તાકાત બનાવી છે વિનીતાએ. પાંત્રીસ વર્ષથી ચાલતી કંપનીના ગ્રાહક હજુ પણ તેમની સાથે જોડાઇ રહ્યાં છે તે વિનીતાનું કોમ્યુનિકેશન સ્કીલ છે. કંપનીની એકધારી શાખના કારણે. વિનીતા કહે છે,

“અમે જેમની સાથે કામ કરીએ તેની કાળજી રાખીએ છીએ. ગ્રાહકોને અમારા પર વિશ્વાસ કરવાનું કારણ મળે તે મારા માટે અગત્યનું છે. કેર એન્ડ ટ્રસ્ટ જ એક ટીમ તરીકે અમને સફળ બનાવે છે અને આગળ વધવા પ્રોત્સાહન આપે છે”

વિનીતા એક મોભીની અદાથી જેમ ઘરની વડીલ મહિલા પારિવારિક મૂલ્યોને આગળ વધારે તેમ વ્યાવસાયિક મૂલ્યોને જાળવી આગળ વધારે છે. કુંટુંબમાં બાળકોનું લાલનપાલન હોય તો અહીં તેમની સાથે કામ કરતાં લોકોની સર્વાંગી દેખભાળ કરે છે. જેમાં કંપનીના કર્મચારીઓ, વિતરકો, વિક્રેતાઓ અને વ્યાવસાયિક આપલેની શૃંખલાના સ્થાનિક એકમોનો પણ સમાવેશ કરી લે છે. આજના સમયમાં સીએસઆર થોડો જાણીતો શબ્દ અને વિભાવના છે પરંતુ દાયકાઓ પહેલાં જ્યારે વિનીતાએ કામકાજ સંભાળ્યું ત્યારે તેમણે સ્વાભાવિક જ એવું કામ શરુ કર્યું હતું, વિનીતાની કંપનીના જ્યાંજ્યાં પ્લાન્ટ છે ત્યાંત્યાં આરોગ્ય, સ્વચ્છતા, શુદ્ધ જળ, શિક્ષણ, કૌશલ્યવિકાસ આધારિત રોજગારીનું સર્જન, પર્યાવરણીય પગલાં અને સમૂહવિકાસના કામો માટે ખાસ ટીમ બનાવી છે. જેમાં દર ત્રણ મહિને બેઠક યોજી ચર્ચા અને નિર્ણયો લેવાય છે. વિનીતા સિઘાનિયાના એકમો આજે રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને ગુજરાતમાં છે, ત્યાં બધે તેમની સીએસઆર પ્રવૃત્તિઓ જોઇ શકાય છે.

તેમણે 2004માં પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સહકારમાં સિરોહી જિલ્લાના પિંદવારા તાલુકાના કેટલાક ગામોમાં નયા સવેરા નામનો કાર્યક્રમ શરુ કરી કુટુંબ કલ્યાણ કાર્યક્રમ શરુ કર્યો હતો. નોંધનીય છે કે આ વિસ્તાર સૌથી વધુ પછાત વિસ્તાર કહવાતો જ્યાં રોજગાર, શિક્ષણ અને આરોગ્ય લોકો માટે સ્વપ્નવત હતાં. આ કાર્યક્રમ હેઠળ થયેલું તેમનું કાર્ય એક અલગ જ સફળ પ્રકરણ બને તેટલી વિગતો ધરાવે છે. વિનીતા સિઘાનીયાનું તેમાં અપ્રતિમ દ્રષ્ટિવંત પ્રદાન રહ્યું છે. ટ્રાઈબલ વિસ્તારોમાં જ્યાં માતાબાળક મૃત્યુદર વધુ હોય છે ત્યાં વિનીતાની આગેવાનીમાં ચાલતી સીએસઆર પ્રવૃત્તિઓનું જ પરિણામ છે કે બે વર્ષથી ઓછી વયના બાળકોની રસીકરણની યોજનામાં જે દર 25 ટકા હતો, તે 2017માં 80 ટકા થઇ શક્યો છે. મહિલા આરોગ્ય અને સ્વચ્છતા માટે તમે સોશિઅલ મીડિયામાં ચાલતાં સેનેટરી કેમ્પેઇન જોતાં હશો, પણ વિનીતાની આગેવાનીમાં ગ્રામીણ સ્ત્રીઓ-કિશોરીઓના આરોગ્યને લગતાં મહાપ્રશ્નને ઉકેલવા માટે તેમના પ્લાન્ટની આસપાસના ગામોમાં નજીવા ખર્ચે સેનેટરી નેપકિન્સ પ્રમોશનની શરુઆત થઇ હતી. છત્તીસગઢના દુર્ગમાં આવેલાં પ્લાન્ટ પાસેના વિસ્તારમાં આ પ્રોજેક્ટ ત્યાંની સ્થાનિક બોલીમાં-મોર સાંગરી-એટલે કે માય ફ્રેન્ડના નામે શરુ થયો હતો. આ માટે સેનેટરી નેપકિન ઉત્પાદન એકમો સ્થાપી સ્થાનિક મહિલાઓને પ્રોડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવી. શાળાઓમાં કન્યા શૌચાલયોમાં સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીન અને નિકાલ માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તેમની આ પ્રવૃત્તિથી કન્યાઓની શાળામાં હાજરીનું વધેલું પ્રમાણ અને સ્વચ્છતામાં વધારો થયો એ વિનીતા માટે મોટા સંતોષની વાત હતી. તેમના આ પ્રોજેક્ટની સરકારે નોંધ લીધી અને રોલ મોડેલ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર્યાં અને તમામ શાળામાં, કન્યા છાત્રાલયોમાં અમલ કરવાનો નિર્ણય કર્યો. મહિલા અને બાળવિકાસ વિભાગે હવે સરકારી શાળાઓમાં વેન્ડિંગ મશીન મૂકવાની પ્રક્રિયા શરુ કરી છે. અહીં સફળતા મળતાં કંપનીએ તેના હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત પ્લાન્ટમાં પણ યોજનાનો અમલ કર્યો છે.

દેશની મોટી કંપની તરીકે સીએસઆર કરવું કેટલાક માટે ઔપચારિક પ્રવૃત્તિ હોઇ શકે પણ વિનીતા સિંઘાનિયા સીધાં જ તેમાં સંકળાય છે. મહિલા છે એટલે વધુ સારી રીતે તેઓ સામાજિક જવાબદારીઓને સમજે છે અને ખાસ કરીને ટ્રાઇબલ વુમન્સના વેલબિઇંગ માટે ઘણું કરે છે. એક જવાબદાર નાગરિકની સભાનતા લઇને એકસાથે વિનીતા જેકે લક્ષ્મી સીમેન્ટની બિઝનેસની ગતિવિધિઓ કરે છે, તેમ જ સીએસઆરને પ્રાધાન્ય આપે છે. ઘણી કંપનીઓ સીએસઆર માટે અન્ય સંસ્થાઓ, ટ્રસ્ટને કામ સોંપતા હોય છે પણ વિનીતા સિંઘાનીયા અને તેમની કંપની માટે તે ઇનહાઉસ થિંગ છે. જોકે એનજીઓ અને ટ્રસ્ટ સાથે પણ કામકાજમાં વહેંચણી કરે છે, પણ સીધો રસ લઇને. ફક્ત પૈસા આપી દીધાં એટલે કામ પૂરું એમ નહીં. આ પ્રવૃત્તિ કરવાનું તેમનું લક્ષ્ય એક જ છેઃ તેમના પ્લાન્ટની આસપાસના સ્થળો અને લોકોના હસતાં ચહેરાં…

વિનીતા સિંઘાનિયાને વળી એક બિઝનેસ ટાઇકૂનના રુપમાં જોઇએ તો તેમની કંપની 70 સીમેન્ટ ડમ્પ નેટવર્ક અને 2200 ડીલર્સની તાકાત ધરાવે છે. ઉત્તર ભારતમાં સૌપ્રથમવાર કલર બેગમાં સીમેન્ટ આપનાર પણ જે કે સીમેન્ટ બની. આ કંપની જ સૌપ્રથમ સોશિઅલ મીડિયામાં પ્રોફાઇલ ધરાવનાર સીમેન્ટ કંપની બની, સ્નેપડીલ સાથે ભાગીદારી કરી ઇ-કોમર્સમાં પ્રવેશનાર પણ વિનીતા સિંઘાનિયાની કંપની છે. કંપનીના સંચાલન માટે કમિટેડ,પેશોનેટ અને કોમ્પિટન્ટ એવી યોગ્ય વ્યક્તિઓને મેળવવા તેમની એચઆર પોલિસી છે. આ માટે તેઓ ખુદ રસપૂર્વક નવા લોકોની તાલીમ માટે પ્રયત્નશીલ રહે છે.આજના પ્રવાહી આર્થિક જગતમાં અનેક પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સાતત્ય જાળવવું પડકારરુપ બને છે. સીમેન્ટ ઉદ્યોગમાં જ્યાં મોટી સરકારી માળખાકીય યોજનાઓ અને હાઉસિંગની ડીમાન્ડ પર વેપાર સીધી રીતે સંકળાયેલો છે ત્યાં વિનીતા વેપાર વધારવા માટે સર્વિસ અને સોલ્યૂશન બંનેની ભૂમિકાનું ધ્યાન રાખે છે. તેમની કૌટુંબિક ભાવનાશીલતા તેમના ગ્રાહકો સુધી પહોંચે છે. તેમના મોટા ભાગીદારોમાં રીલાયન્સ, એનટીપીસી,એસ્સાર અને એરલાઇન્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે. વિનીતાએ બિઝનેસમાં પણ એવા મજબૂત સંબંધો કેળવ્યાં છે કે મંદીના ગાળામાં પણ તેમના કોઇ સપ્લાયર, દુકાનદાર, ટ્રાન્સપોર્ટર રાડારાડ નથી કરતાં કે અમારો નફો ઓછો છે. આર્થિક વાતાવરણમાં આવો સહકાર ખૂબ મહત્ત્વનો છે.

વિનીતા સિઘાનિયાની સિદ્ધિ

તેમણે ઘણાં પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યાં છે, જેમાં

1997માં કલ્યાણી ફાઉન્ડેશન પૂણે દ્વારા “શ્રેષ્ઠ મહિલા ઉદ્યમશીલ”

2005માં મેરી દિલ્લીના પ્રકાશનો દ્વારા “શ્રેષ્ઠ મહિલા ઉદ્યમશીલ”

2006માં શિરોમણિ સંસ્થા દ્વારા “ભટ્ટ શિરોમણિ એવોર્ડ”

2008માં એચસી ઓરિએન્ટેશનના સીઇઓ “ગ્લોબલ એચઆર એક્સેલન્સ એવોર્ડ્સ 2008-09”

2009માં  બેસ્ટ બિઝનેસ વુમન પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માનિત

2010માં ગોવામાં ગ્રીનટેક ફાઉન્ડેશન દ્વારા ધ યરના અગ્રણી સીઇઓ અને એચઆર ઓરિએન્ટેશન

2012માં કન્સ્ટ્રક્શન વર્લ્ડ મેગેઝિન દ્વારા “વર્ષના શ્રેષ્ઠ મહિલા એન્તોરપ્રિન્યોર”

2013માં ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા “સૌથી શક્તિશાળી મહિલા સીઇઓ” રાજીવ ગાંધી એક્સેલન્સ એવોર્ડ

2014માં ઉદય ઇન્ડિયા મેગેઝિનના પ્રકાશકો દ્વારા ભારતના ગૃહપ્રધાન રાજનાથસિંહના હસ્તે ભારતીય ઉદ્યોગજગતમાં શ્રેષ્ઠ યોગદાન બદલ એવોર્ડ   

તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને હાઉસિંગ સેક્ટરમાં ખૂબ માગ નીકળવાના કારણે જે કે લક્ષ્મી સીમેન્ટ બે આંકડામાં વૃદ્ધિદર નોંધાવી રહી છે. આ ઉદ્યોગમાં આવતી નવી ટેકનોલોજી અપનાવીને નવી પ્રોડક્ટ બજારમાં મૂકવામાં અગ્રેસર રહે છે, જેમાં તૈયાર સીમેન્ટ ઉપરાંત ઓટોક્લેવેડ એરેટેડ કોન્ક્રિટ બ્લોક્સ અને પ્લાસ્ટર ઓફ પેરિસ પણ છે. જેણે બાંધકામ ઉદ્યોગમાં નિર્માણની ઝડપ ખૂબ વધારી દીધી છે.

સીમેન્ટથી મકાન બનતાં હોય છે પણ વિનીતા સિંઘાનીયાની આગેવાનીમાં સીમેન્ટ કોન્ક્રિટ જેવી પ્રોડક્ટ શાખ, પારિવારિક હૂંફ, જવાબદારી અને સંરક્ષણ-સંવર્ધનની તસવીર સમાન બની રહી છે. દેશના કોર્પોરેટ વર્લ્ડમાં માનમોભો મેળવતાં આ સન્નારી તેમનાં મૂલ્યો અને મેકિંગ બંને સ્તરે અપ્રતિમ પ્રતિભા બની રહ્યાં છે. તેમના સીમાચિહ્નરુપ કાર્યો  માટે તેમને વધાવીએ.

અહેવાલ- પારુલ રાવલ