ટ્રેન્ડી લુક આપતી કી-હોલ પેટર્ન

સ્ત્રીઓના કપડામાં રોજ ઉઠો અને એક નવી સ્ટાઇલ જોવા મળે છે. આજે કાંઇક તો કાલે કાંઇક બીજી, અને હવે તો પહેલાની ફેશન બજારમાં આવી રહી છે. ઇન્ડિયન આઉટફીટ્સ હોય કે વેસ્ટર્ન દરેકમાં નવી નવી ડીઝાઇન જોવા મળે છે. હવે અત્યારની એક લેટેસ્ટ ડીઝાઇનની જ વાત કરી લઇએ. કી-હોલ ડીઝાઇન… કી-હોલ એટલે કે ડ્રેસમાં બે ઇંચથી લઇને 8થી 10 ઇંચ સુધી કોઇક શેપમાં ડ્રેસ કાપવામાં આવે છે. કી-હોલ ફ્રન્ટ, બૅક, સ્લીવ અને કમર પર સારા લાગી શકે અને કોઈ પણ ગાર્મેન્ટમાં તમે ડીઝાઇન કરાવી શકો છો.  થોડીક સ્કિન દેખાડતી આ સ્ટાઇલ ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને આઉટફિટમાં સારી લાગે છે.તમે અલગ અલગ ગાર્મેન્ટમાં આ ડીઝાઇન કરાવી શકો છો. જો તમારે કુર્તીમાં આ પેટર્ન કરાવવી હોય તો નેક પાસે કે નેકની પાછળની સાઇડ કી-હોલ આપી શકાય છે. જાણે કે તમારી રાઉન્ડ નેક કે બૉટ નેકની કુર્તી છે તો તેમાં તમે નેકની નીચે પાન શેપનો અથવા તો ગોળ કી-હોલ કરાવી શકો છો જે એક એલિગન્ટ લુક આપશે. તમે સિમ્પલ એવી કુર્તીમાં આ રીતની પેટર્ન કરાવશો તો સાદામાં સાદો ડ્રેસ અથવા કુર્તી એકદમ રીચ લુક આપવા લાગશે. અને તેની સાથે તમે ઝુમ્મર વાળા ઇયરિંગ્સ પહેરી શકો છો જે ખૂબ જ સરસ લાગશે. તમે સિમ્પલ કી-હોલ કરાવી શકો છો અને સાથે દોરી વાળો કી-હોલ પણ કરાવી શકો છો. અને અત્યારે જે ખૂબ ચાલે છે એવા પોમ-પોમ તમે દોરીમાં લગાવી શકો છો જે થોડો ગામઠી લુક પણ આપશે. જો સિમ્પલ કુર્તી છે તો કી-હોલને હાઇલાઇટ કરશો તો સરસ લાગશે. એના માટે કી-હોલની આજુબાજુ પટ્ટી કે બૉર્ડર અથવા તો વર્ક કરાવશો તો એનો શો સરસ આવશે. ઘણી વખત ડ્રેસની સ્લીવ્ઝમાં પણ કી-હોલ આપવામાં આવે છે. શૉર્ટ સ્લીવ્ઝ કે પછી ફુલ સ્લીવ્ઝ બંનેમાં કી-હોલ સારા લાગે છે.

જો તમારે બૅક ઓપન ડ્રેસ ન પહેરવો હોય અને થોડામાં જ જો શો આપવો હોય તો તમે બૅક કી-હોલ કરાવી શકો. બૅક કી-હોલ કરાવવાથી બૅક ઓપનનો લુક તો આવે જ છે અને સાથે આખી બૅક ખુલ્લી નથી લાગતી. એમાં પણ બે ઇંચથી લઈ આઠથી ૧૦ ઇંચ સુધી અલગ-અલગ શેપમાં કી-હોલ કરી શકાય છે. જો ૬ ઇંચ કે ૮ ઇંચ સુધી કી-હોલ આપવામાં આવે તો એ નૉર્મલ કહેવાય, પરંતુ જો ૬ ઇંચ કે ૮ ઇંચથી વધારે ડીપ આપવા માગતા હો તો તમારો ડ્રેસ પૅડેડ બનાવવો જેથી અંદરનાં કપડાં દેખાય નહીં અને વ્યવસ્થિત લુક પણ આવે. આ સાથે જ ડિઝાઇનર બ્લાઉઝમાં પણ કી-હોલ સારા લાગે છે.બ્લાઉઝમાં કી-હોલ નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધી કરી શકાય અને માત્ર સેન્ટરમાં જ નહીં, સાઇડ કે પછી ક્રૉસમાં કે નીચે પણ કરાવી શકાય. જો તમારે સાઇડમાં કી-હોલ કરાવવો હોય તો બ્લાઉઝમાં પૅટર્ન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે સાડી કઈ સ્ટાઇલમાં પહેરવાના છો. એટલે કે તમારો સાડીનો છેડો કયા શોલ્ડર પર આવશે. જો તમે લેફ્ટ સાઇડ પર કી-હોલ કરાવશો અને તમે ભૂલથી બંગાળી સ્ટાઇલમાં સાડી પહેરશો તો કી-હોલ છુપાઈ જશે અને પૅટર્નનો લુક નહીં આવે. જો તમારી સાડી બન્ને રીતે એટલે કે ગુજરાતી સ્ટાઇલ અને બંગાળી સ્ટાઇલમાં પહેરી શકાય એવી હોય તો સેન્ટરમાં કી-હોલ કરાવવો જેથી બ્લાઉઝની પૅટર્ન જળવાઈ રહે. બ્લાઉઝમાં કી-હોલની પસંદગી બૉડી-ટાઇપને અનુસાર કરવી. જો તમે સ્થૂળ હોય તો કી-હોલ કરાવવાનું અવોઇડ કરવુ જોઇએ.

આ તો થઇ ઇન્ડિયન વેઅરની વાત, વેસ્ટર્ન વેઅરમાં પણ કી-હોલ એટલા જ સારા લાગે છે. ટોપ હોય કે લોન્ગ ગાઉન કી-હોલથી એ વધુ સારા લાગે છે.  વેસ્ટર્ન વેઅરમાં કી-હોલ ખાસ કરીને શોલ્ડરથી લઈ સ્લીવ સુધી આપવામાં આવે છે અથવા તો ગાઉન હોય તો એમાં નેકમાં અથવા કમર પર આપવામાં આવે છે. વેસ્ટર્ન ડ્રેસ મોટા ભાગે સ્ટ્રેચેબલ ફૅબ્રિકમાંથી બનાવવામાં આવે છે. જ્યારે ડ્રેસ જોવામાં આવે છે ત્યારે કી-હોલ બહુ નાનો લાગે છે, પરંતુ જ્યારે પહેરીએ ત્યારે એ બૉડીનો શેપ લઈ લે છે એટલે સ્થૂળ શરીર વાળાએ આ ટાળવુ જોઇએ. જ્યારે ટૉપ્સમાં શોલ્ડરથી લઈ એલ્બો સુધી કી-હોલ આપવામાં આવે છે ત્યારે  શોલ્ડરનો ભાગ હાઇલાઇટ થાય છે. આવાં ટૉપ્સ ભરેલી યુવતીઓ પર વધારે સારાં લાગે છે. જેથી જો પાતળી યુવતી આવા ટોપ પહેરશે તો કી-હોલનો લુક જ નહીં આવે. જો કે અત્યારે કોલેજ યુવતીઓ કી-હોલ ટોપ્સ પહેરવાનું વધુ પસંદ કરી રહી છે.