લગ્નમાં સુંદર દેખાવું છે? તો આટલું કરો

દુલ્હન હોય કે એની બહેન કે પછી હોય દુલ્હાની બહેન દરેક લગ્નના દિવસે સુંદર દેખાવા માગે છે. અને એમાં પણ ખાસ કરીને દુલ્હન, જેના માટે લાઇફનો સૌથી મહત્વનો દિવસ છે. તો ત્યારે માત્ર મેકઅપથી જ સુંદર તો બની નહીં શકો તો એના માટે જરૂરી છે કે પહેલેથી જ તૈયારી શરૂ કરી દે. જેથી લગ્નના દિવસે ચહેરો નીખરી ઉઠે. તો એના માટે લગ્નના 3 મહિના પહેલા તૈયારી શરૂ કરી દેવી જોઇએ જેથી ત્વચામાં માત્ર બહારથી જ નહી પરંતુ આંતરિક નિખાર પણ આવે. જેથી દુલ્હનને લગ્નના 3 મહિના પહેલા પ્રિ-બાઇડલ પેકેજ લેવું જોઇએ. દુલ્હનની બહેન તેમ જ ઘરની અન્ય મહિલાઓ લગ્નના એક મહિના પહેલા બ્યૂટી પેકેજ લઇ શકે છે. આ સિવાય બીજી કેટલીક પણ બાબતો છે કે જેના ઉપર ખાસ ધ્યાન આપવું જોઇએ.

સૌથી પહેલાં તો બ્રાઇડ માટે ડિટૉક્સ ડાયેટ પ્લાન ખૂબ જરૂરી છે. જે તમારી સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. લગ્નના ત્રણ મહિના પહેલા ડિટૉક્સીફાઇ ડાયેટની શરૂઆત કરી દો. જેમાં તમારે નારિયેળ પાણી, લીલાં શાકભાજી, કાકડી-ટમેટાંનું સલાડ, ફળો, સૂપ અને વધુ માત્રામાં પાણી પીવાનું ચાલુ કરવું. બ્રોકલી, ટમેટાં, ડુંગળી, લસણ, સંતરા, આદુ, લીંબુ, મોસંબી, ગ્રીન ટી, ગાજરનો ખાવામાં ઉપયોગ વધુ કરવાનું રાખો. બોડીને ડિટૉક્સ કરવા માટેનો આ સારો એવો ઉપાય છે. તમારી સુંદર ત્વચાને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે. જેના માટે જરૂરી છે કે તમે પાણી વધુ માત્રામાં પીવો. દિવસમાં ઓછામાં ઓછું 4થી 5 લીટર પાણી પીવો અને લિક્વિડ ડાયેટ કરવાનો આગ્રહ રાખો. વધુ સુંદર દેખાવા માટે તમે બ્યુટી ડાયેટ પણ લઇ શકો છો. જેમ  કે અખરોટ, સ્ટ્રોબેરી, બીંસ, દહીં, મશરૂમ, પિસ્તા ખાઇ શકો છો.

હવે વાત કરીએ પ્રિ-બ્રાઇડલ પેકેજની..લગ્નના 3 મહિના પહેલાં તમે આ પેકેજ લેવાની શરૂઆત કરી દો. જેમાં સૌ પહેલાં તો તમારી ત્વચાને અનુરૂપ પહેલાં ક્લિંઝીંગ અને પછી તમારી ત્વચાને જોઇને ફેશિયલ્સ સિટીંગ દેવામાં આવશે. પેકેજમાં ફેશિયલ સિવાય હેયર સ્પા, મેનીક્યોર, પેડિક્યોર આપવામાં આવશે. પહેલાં સિટીંગથી લઇને લગ્નના છેલ્લાં સિટીંગ સુધી ફેશિયલ, હેયર સ્પા, મેનીક્યોર, પેડિક્યોર, આઇબ્રો, ફુલ બોડી વેક્સિંગ, બોડી પૉલિશિંગ અને મેકઅપ કરી આપવામાં આવે છે. પ્રિ-બ્રાઇડલ પેેકેજમાં તમારો લૂક, બોડીકેયર અને મેકઅપનો સમાવેશ થાય છે. અને જેમ આગળ વાત કરી એમ બ્રાઇડની બહેન એક મહિના પહેલાં પેકેજ લઇ શકે છે.

આજકાલ સમયમાં ત્વચા ટેન થવી એક સામાન્ય બાબત બની ગઇ છે. જો કે ત્વચાને ટેન થતી બચાવવા માટે યુવતીઓ દુપટ્ટો, હેન્ડ ગ્લૉઝ તેમજ હેલ્મેટનો ઉપયોગ કરતી હોય છે. પણ તમારા લગ્ન નજીક આવી રહ્યાં છે તો તમારી ત્વચાને કાળી થતી બચાવવા તડકામાં બહાર જવાનું ટાળો. અને જો તમે બહાર જતાં હો તો ત્વચાને તડકો ન લાગે એ રીતે કવર કરીને જાવ. જો કે પ્રિ-બ્રાઇડલ પેકેજના સિટિંગ્સમાં ટેનિંગ પેક આપવામાં આવે છે. ચહેરાને દિવસમાં 3થી 4 વાર ઠંડા પાણીથી ધોવાનું રાખો. ક્લિંઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગને પોતાની દિનચર્યા બનાવી લો. જે યુવતીઓ તૈલીય ત્વચાથી પરેશાન છે તેમણે ત્વચાના મોઇશ્ચરના સ્તરને જાળવી રાખવા ચહેરો ધોયાં બાદ ચહેરા પર ટોનર અને મોઇશ્ચર જરૂર લગાવો. ટોનરથી તમારી ત્વચાની મુલાયમતા જળવાઇ રહેશે. પરંતુ જો તમારી ત્વચાને લઇને તમને કોઇ સમસ્યા હોય તો ત્વચારોગના નિષ્ણાતની સલાહ લો અને ત્યારબાદ તેમની સલાહ મુજબ બ્રાઇડલ પેકેજ બૂક કરાવો. તમારી ત્વચાને અનુરૂપ કયું ફેશિયલ લેવું એ સલાહ પણ તમે એક્સપર્ટ પાસેથી લઇ શકો છો જેથી કરીને તમારી ત્વચાને કોઇ નુક્સાન ન થાય.  ફેશિયલની ચમક 2 થી 3 દિવસ બાદ આવે છે જેથી લગ્નના 3 દિવસ પહેલાં તમારે ફેશિયલનું છેલ્લું સિટીંગ લઇ લેવુ જોઇએ. જેથી લગ્નના દિવસે તમારા ચહેરા પર પૂરતો નિખાર આવે.

આંખો નીચે પડેલા કાળા ડાઘા તમારી સુંદરતા ઓછી કરી શકે છે તો એના માટે ભરપૂર ઉંઘ લેવાનું રાખો. જો કે લગ્નના ઘરમાં મહેમાનો અને ફંક્શનની સામે પૂરતી ઉંઘ લેવી મુશ્કેલ બની જાય છે પરંતુ વ્યસ્ત કામમાં પણ બ્રાઇડ માટે 8 કલાક ઉંઘ લેવી આવશ્યક છે. બીજી એક મહત્વની વાત કે જો તમારે વાળને ટ્રીમ કરાવવા કે કટ કરાવવા છે તો એ પહેલાં જ કરાવી લો છેલ્લી ઘડીએ કરવાનું ટાળો. અને સાથે જ થોડાથોડા દિવસે વાળમાં તેલ નાખવાનું રાખો જેથી કરીને તમારા વાળ મુલાયમ અને ચમકદાર બનશે. સાથે જ બહારના જંક ફૂડ ખાવાથી બચો. કેમ કે એનાથી માત્ર તમારું સ્વાસ્થ્ય જ નથી બગડતુ પરંતુ તમારા ચહેરા પરની રોનક પણ ફિક્કી થાય છે. એટલા માટે જરૂરી છે કે તમે લગ્નના 3 મહિના પહેલાં જ જંક ફૂડ ખાવાનું પ્રમાણ ઓછું કરી દો. સુંદરની સાથે ફિટ દેખાવા માટે વ્યાયામ પણ શરૂ કરી દો. જ્યારે લગ્નના 2 અઠવાડિયાં બાકી હોય ત્યારે ઘરમાં જ યોગ અને વ્યાયામ કરવાનું રાખો. તો જો તમારે લગ્નના દિવસે ફિટ અને સુંદર દેખાવુ હોય તો આજથી આટલુ કરવાનું શરુ કરી દો.