યુવાઓનાં પ્રેરણામૂર્તિઃ દ્રષ્ટિહીન IAS ઓફિસર પ્રાંજલ પાટીલ

હિંમત અને પ્રેરણાને લગતી અનેક વાર્તાઓ અને અહેવાલો આપણને અત્યાર સુધીમાં વાંચવા મળ્યા છે, અને મૂળ મહારાષ્ટ્રનાં મહિલા પ્રાંજલ પાટીલની વાર્તા પણ એમાંની જ એક છે.

પ્રાંજલ બન્યાં છે ભારતનાં પ્રથમ નેત્રહીન મહિલા ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વીસીસ (આઈએએસ) ઓફિસર.

એમણે ગઈ 14 ઓક્ટોબરે કેરળના તિરુવનંતપુરમનાં સબ-કલેક્ટર (ઉપ-જિલ્લાઅધિકારી) તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. પ્રાંજલતાઈ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે, કારણ કે તેઓ દેશનાં તમામ યુવાવ્યક્તિઓની પ્રેરણા બન્યાં છે.

તમારામાં જો હિંમત હોય તો કોઈ પણ કામગીરી કરવી શક્ય છે એ વાત પ્રાંજલ પાટીલે સાબિત કરી બતાવી છે.

31 વર્ષીય પ્રાંજલ જ્યારે છ વર્ષનાં હતાં ત્યારે એમણે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. પરંતુ તે છતાં એ તકલીફને એમણે જીવન જીવવામાં અને સિવિલ સર્વિસીસ પાસ કરવામાં અવરોધ બનવા દીધી નહોતી.

પ્રાંજલ મુંબઈ નજીકનાં થાણે જિલ્લાના ઉલ્હાસનગરનાં વતની છે. 2017ની પરીક્ષામાં એમણે 124મી રેન્ક મેળવી હતી.

2018માં તાલીમ સમયગાળા દરમિયાન એમને કેરળના એર્નાકુલમમાં એમને સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે એમને તિરુવનંતપુરમમાં સબ-કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ, આ તેમની બીજી અપોઈન્ટમેન્ટ છે.

કેરળમાં સેવા બજાવવાનો પ્રાંજલને રોમાંચ છે

પ્રાંજલ નવો હોદ્દો સંભાળી લીધા બાદ કહ્યું છે કે એમને કેરળ રાજ્યમાં કામ કરવામાં એક નવા જ રોમાંચનો અનુભવ થાય છે. આપણે ક્યારેય પ્રયાસોને પડતા મૂકવા ન જોઈએ. ક્યારેક તો સફળતા મળશે જ એવી આશા રાખવી જ જોઈએ.

ઉપ-જિલ્લાધિકારીના પદ પર હું પૂરી ઈમાનદારી સાથે કામ કરીશ, એમ તેમણે કહ્યું છે.

પ્રાંજલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનલ રિલેશન્સ વિષયમાં એમનું પોસ્ટગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. 2016માં, એમણે UPSC પરીક્ષામાંથી 773મી રેન્ક પ્રાપ્ત કરી હતી. બાદમાં 2017માં એમણે બીજી વાર પ્રયાસ કર્યો હતો અને એમાં એમની રેન્કમાં સુધારો થયો હતો અને 124મી રેન્ક મેળવી હતી જેને કારણે તેઓ IAS પરીક્ષા આપવા માટે ક્વાલિફાય થયા હતા.

દ્રષ્ટિહીનતાને પરાસ્ત કરતી દ્રષ્ટાંતરૂપ હિંમત

પ્રાંજલ જ્યારે છ વર્ષનાં હતાં ત્યારે એમનાં એક સાથી વિદ્યાર્થીએ એમની એક આંખમાં પેન્સિલ મારી હતી જેને કારણે પ્રાંજલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં હતાં અને એમની તે આંખની દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ હતી. એ વખતે ડોક્ટરોએ એમનાં માતાપિતાને કહ્યું હતું કે ભવિષ્યમાં પ્રાંજલ બીજી આંખની દ્રષ્ટિ પણ ગુમાવી દે એવી સંભાવના રહેશે. અને આખરે એવું જ થયું. ડોક્ટરોની વાત સાચી પડી. પ્રાંજલ એમની બંને આંખોની દ્રષ્ટિ ખોઈ બેઠાં. પરંતુ તે છતાં એમણે જીવનમાં જે કરી બતાવ્યું એ બધાયને માટે એક દ્રષ્ટાંત બન્યું છે. જીવનમાં કંઈક કરી છૂટવાની લગન અને મક્કમતાને કારણે પ્રાંજલ હિંમત હાર્યાં નહોતાં અને જીવનમાં આગળ વધતાં જ રહ્યાં.

પ્રાંજલે એમનું ભણતર મુંબઈમાં દાદર ઉપનગરમાં શ્રીમતી કમલા મહેતા સ્કૂલમાં પ્રાપ્ત કર્યું. આ સ્કૂલ ખાસ નેત્રહીન બાળકો માટેની જ છે. ત્યાં ભણતર બ્રેલ લિપિથી કરવામાં આવે છે. પ્રાંજલે આ સ્કૂલમાં દસમા ધોરણ (એસએસસી) સુધી ભણતર મેળવ્યું હતું. ત્યારબાદ ચંદાબાઈ કોલેજમાં આર્ટ્સ શાખામાં ભણીને 12મું ધોરણ પાસ કર્યું. એની પરીક્ષામાં તેમણે 85 ટકા માર્ક્સ મેળવ્યાં હતાં. તેઓ એનાથી આગળ વધ્યાં અને BAની ડિગ્રી મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પ્રાપ્ત કરી. બી.એ. પાસ કર્યાં બાદ પ્રાંજલ દિલ્હી ગયાં હતાં અને ત્યાં JNUમાંથી એમ.એ.ની ડિગ્રી હાંસલ કરી હતી.