શું તમને કોઈ ટ્રૉલ કરે છે? પાપારાઝી એટલે શું?

માઈક્રૉ-બ્લૉગિંગ સાઈટ “ટ્વિટર” ઉપર તો “ટ્રૉલ” કરવાનો રાફડો ફાટ્યો હોય છે. એમાં ફિમેલ સેલિબ્રિટીઝ જ નહીં, આમિર ખાન અને સલમાન ખાન કે શાહરુખ ખાન પણ “ટ્રૉલ” કરનારાઓના ભોગ બન્યા હોય એવા સમાચારો છાશવારે આપણને મીડિયામાં જાણવા મળે છે. કોઈ તમારી પાછળ પડી જાય તો? તો, તમે શું કરો? કોઈ તમારો પીછો કરતું હોય, કોઈ તમારી પ્રાઈવસીનો ભંગ કરતું હોય, કોઈ તમારી જાણ બહાર તમારી આસપાસ રહીને તમારી છુપી રીતે તસવીર કે વીડીયો ઉતારી લેતું હોય તો? જ્યારે તમને ખબર પડે ત્યારે તમે શું પોલીસ કેસ કરો છો. પોલીસના દફતરે ક્યારેક આવા કેસ નોંધાતા નથી. કેમ કે આ બાબતને સામાન્ય વાત ગણીને કોઈ ધ્યાન આપતું નથી, સિવાય કે કોઈ હાઈ-પ્રૉફાઈલ પર્સનાલિટી સાથે આમ બન્યું હોય. મુંબઈમાં આવું વારે વારે બને છે અને મહારાષ્ટ્ર પોલીસના દફતરે તો આવા કિસ્સા નોંધાતા રહે છે.

આજકાલ સૉશિયલ મીડિયામાં “ટ્રૉલિંગ” શબ્દ ટ્રેન્ડમાં છે. આ “ટ્રૉલિંગ” એટલે શું? આપણી દેશી ભાષામાં “પાછળ પડી જવું.” કૅમ્બ્રિજ યુનિવર્સિટી ડિક્ષનરી અનુસાર“ટ્રૉલિંગ” એટલે“કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ (એટલે કે ઈ-મેઈલ, ફેસબૂક, વૉટ્સ-ઍપ, હૅંગ-આઉટ, સ્નેપ-ચેટ, આઈ-ચાટ વગેરે સહિત જેટલા પણ મીડિયમ છે તે તમામ)ના માધ્યમથી તમારું ધ્યાન ખેંચવા માટે કે તમને સતત મુશ્કેલીમાં મૂકવા (પરેશાન કરતા રહેવા) ઈરાદાપૂર્વક, હેતુપૂર્વક તમને હેરાન કરતા સંદેશાઓ મોકલ્યા કરે.” વાસ્તવમાં ઑનલાઈન અથવા ઑફ્ફલાઈન કોઈ વ્યક્તિ તમારો પીછો કરતી રહે, તમને ફૉલો કરતી રહે કે જે તમને ના ગમતું હોય, એ જ “ટ્રૉલિંગ” બૉલિવૂડની અભિનેત્રી કંગના રાણાવતે વરિષ્ઠ પત્રકાર રજત શર્માના પૉપ્યુલર ટી.વી. શૉ “આપ કી અદાલત”માં ખુલ્લેઆમ એ વાતનો એકરાર કર્યો હતો કે તેની ઋત્વિક રોશન સાથેની રિલેશનશીપ ખતમ થઈ ગયા પછી પણ ઋત્વિક રોશને પોતાને કેવી રીતે “ટ્રૉલ” કરી હતી અને વારંવાર મુશ્કેલીમાં મૂકી હતી.

કંગના રાણાવત તો બહાદુર યાને બૉલ્ડ યુવતી છે કે તેણે ઋત્વિક રોશન અને તેના પિતા રાકેશ રોશન તથા અન્યો સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ પણ કરી હતી. સંખ્યાબંધ લોકો “ટ્રૉલિંગ”નો ભોગ બન્યા હોય તો પણ કંગના રાણાવત જેવી હિંમત બતાવી શકતા નથી. તેમને એક જ વાતનો ડર હોય છે કે “લોગ ક્યા કહેંગે…” અને “મારું નામ જાહેર થઈ જશે તો?” ગાંધીનગરમાં પ્રકૃતિ ઉદ્યાન હોય કે પબ્લિક ગાર્ડન હોય કે પછી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ હોય. પબ્લિક પ્લેસ ઉપર કોઈ યુવક અને યુવતી, પછી તે મિત્ર હોય, રિલેશનશીપમાં હોય કે પતિ-પત્ની પણ હોય, અથવા ભાઈ-બહેન પણ હોય. તેઓ શું પબ્લિક પ્લેસ પર જઈ ના શકે? આવા પબ્લિક પ્લેસ ઉપર પણ કપલ્સને પોતાને “ટ્રૉલિંગ” થયાનો અહેસાસ થયો હોઈ શકે. ગુજરાતી મેન્ટાલિટી છે ને કે “લાંબુ નથી કરવું” અથવા “કોણ આ બધી મગજમારીમાં પડે?” આથી આપણે ત્યાં બહુ હો-હા થતી નથી.

માઈક્રૉ-બ્લૉગિંગ સાઈટ “ટ્વિટર” ઉપર તો “ટ્રૉલ” કરવાનો રાફડો ફાટ્યો હોય છે. એમાં ફિમેલ સેલિબ્રિટીઝ જ નહીં, આમિર ખાન અને સલમાન ખાન કે શાહરુખ ખાન પણ “ટ્રૉલ” કરનારાઓના ભોગ બન્યા હોય એવા સમાચારો છાશવારે આપણને મીડિયામાં જાણવા મળે છે. માત્ર “ટ્વિટર” જ નહીં, “ફેસબૂક” અને “ઈન્સ્ટાગ્રામ” ઉપર પણ “ટ્રૉલ” કરનારાઓ પડ્યા છે. એક સમયે શ્રીદેવીએ ઈન્ડિયન દેશી સલવાર-કમીઝ અને દુપટ્ટા પહેરેલી પોતાની તસવીર ઑનલાઈન મૂકી કે તરત જ “ટ્રૉલ” કરનારાઓએ શ્રીદેવીને “અગ્લી (ફુવડ) વૂમન” અને “દેશી વૂમન”લખી લખીને ભારે ત્રાસ આપ્યો હતો. શ્રીદેવીએ કહ્યું હતું કે “આખરે મારે એ તસવીર રિમૂવ કરી દેવી પડી.” વાસ્તવમાં શ્રીદેવીના ચાહકો શ્રીદેવીને દેશી અંદાજમાં જોવા માગતા નહોતા. કેમ કે તેના ચાહકોના મનમાં તેનું ગ્લેમરસ સ્થાન રહ્યું છે.દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને બીજી હિરોઈનોને પણ “ટ્રૉલિંગ”નો ભોગ બનવું જ પડેલું છે.

આ “પાપારાઝી” એટલે શું? એની પણ વાત કરીએ.“પાપારાઝી” એટલે એવા ઈન્ડિપેન્ડન્ટ ફૉટોગ્રાફર્સ્ અને વીડિયોગ્રાફર્સ્ કે જેઓ માત્ર અને માત્ર હાઈ-પ્રૉફાઈલ સેલિબ્રિટીઝની જિંદગીની એ પળોને શુટ-આઉટ કરતા હોય છે કે જેવી તસવીરો કે વીડિયો સામાન્ય રીતે મીડિયા સુધી પહોંચતી હોતી નથી. સ્પૉર્ટ્સ-પર્સન, ઍક્ટર-ઍક્ટ્રેસ, પોલિટિશિયન અને એવા બીજા હાઈ-પ્રૉફાઈલ લોકો કે જેમની રુટિન લાઈફ કરતા કંઈક હટ કે મૉમેન્ટ્સ હોય તો તેને કેમેરામાં ક્લિક કરવી અને થોડી સેકન્ડ્સની પણ વીડિયો ક્લિપ ઉતારી લેવી. દાખલા તરીકે લવ-બર્ડ વિરાટ કોહલી (કેપ્ટન, ઈન્ડિયન ક્રિકેટ ટીમ) અને અનુષ્કા શર્માની કોઈક પર્સનલ મૉમેન્ટ્સની તેઓની જાણ બહાર ક્લિક કરાયેલી તસવીર લેવી.

“પાપારાઝી” સ્વતંત્ર રીતે પરફૉર્મ કરતા હોવાથી તેમને આવા કન્ટેન્ટ્સ બદલ મીડિયા હાઉસ તરફથી મ્હોં-માંગી ફી યા વળતર મળી રહે છે. બસ, “પાપારાઝી”ની કમાણી અને કરિઅરનો હેતુ પણ આ જ હોય છે.“પાપારાઝી”નો અર્થ જ એ કે તેઓ કોઈ સેલિબ્રિટીઝની રજા કે મંજુરી લીધા વિના છુપી રીતે અથવા ચુપચાપ પોતાનું કામ કરી લે. આપણે બે દાયકા પહેલાના એક ફ્લૅશબેકમાં જઈએ.“પાપારાઝી”ના કારણે દુનિયાભરમાં તહલકા મચી ગયો હોય એવા કિસ્સાને પણ યાદ કરી લઈએ. તા. 31મી ઑગસ્ટ, 1997નો દિવસ હતો. પ્રિન્સેસ ડાયના ઑફ વૅલ્સ્ તેના આધેડ ઉંમરના પ્રેમી ડોડી ફયાદ (મૂળ ગલ્ફ કન્ટ્રીનો બ્રિટન માઈગ્રન્ટ થયેલો ધનિક) સાથે વેકેશન મનાવવા ફ્રાન્સની રાજધાની પેરિસના પ્રવાસે હતી.

ડોડી ફયાદ સાથે લેડી ડાયના પેરિસમાં કારમાં બેસીને જઈ રહી હતી ત્યારે “પાપારાઝી” ફૉટોગ્રાફર્સ્ કાર અને મૉટર-બાઈક ઉપર તેમનો પીછો કરી રહ્યા હતા. એ સમય સૉશિયલ મીડિયાનો નહોતો. પરંતુ ડોડી અને ડાયનાની પર્સનલ મૉમેન્ટ્સના પિક્સથી ખુબ કમાણી થાય એવું આકર્ષણ હતું. લેડી ડાયના અને તેના પ્રેમી ડોડી ફયાદ પેરિસની હૉટલ રિટ્ઝમાં રોકાયા હતા અને મર્સિડીઝ બૅન્ઝની “એસ-280” મૉડલની કારમાં જઈ રહ્યા હતા. હૉટલના દરવાજાની બહાર જ “પાપારાઝી” લવ-બર્ડને ક્લિક કરવા ટાંપીને જ બેઠા હતા. કારમાં ચાર જણા હતા. હૉટલની સિક્યુરિટીનો ડેપ્યુટી-હેડ હૅનરી પૉલ“પાપારાઝી”થી બચવાકાર હાઈ-સ્પીડમાં ચલાવી રહ્યો હતો. આખરે અકસ્માત સર્જાયો અને લવ-બર્ડ ડાયના-ડોડી બૂરી રીતે માર્યા ગયા, કહો કે છુંદાઈ ગયા. ડ્રાઈવર પણ માર્યો ગયો. કારમાં રહેલો ચોથો માણસ ડાયનાનો બૉડીગાર્ડ ટ્રેવર રીસ જ્હૉન બચી ગયો હતો. આ કિસ્સા સાથે પ્રિન્સેસ ડાયનાના છાના રહેલા છાનગપતિયાં દુનિયા સમક્ષ જાહેર પણ થઈ ગયા હતા. મુદ્દો એ છે કે જો તમે ડરો છો તો ઘરેથી નીકળો જ કેમ છો?

આચમનઃ-

लोग हर मोड़ पे रुक-रुक के संभलते क्यों हैं
इतना डरते हैं तो फिर घर से निकलते क्यों हैं

 – राहत इन्दोरी

દિનેશ દેસાઈ