દુબઈ ડાયરી: રણની રાણી, દુબઈ નગરી નખરાળી!

અમદાવાદથી નજીકના ફોરેન ડેસ્ટિનેશન પર ફરવા જવું હોય તો દુબઈ સારામાં સારી જગ્યા. માત્ર અઢી કલાકની વિમાની સફર. દિવસમાં ત્રણ ચાર ઓપ્શન મળે, સમયની અનુકૂળતા પ્રમાણે તમે જઈ શકો. તમારી પાસે અમેરિકાનો વિઝા હોય તો પહેલેથી વિઝા લેવાની કોઈ જરૂર નહીં. તમને VISA ON ARRIVAL પાંચ જ મિનિટમાં મળી જાય. અમે છેલ્લા 15 વર્ષથી દુબઈ દીકરાના ઘેર ઘણી વિઝીટ કરી. જેટલી વખત દુબઈ જઈએ, દરેક વખતે ત્યાં કંઈ ને કંઈ નવીન જોવાનું હોય! દરેક બજેટને પરવડે તેવી હોટલો, જોવાનાં સ્થળો, તમને વેલ્યુ-ફોર- મનીની ફિલિંગ ચોક્કસ આપે.

એરપોર્ટથી જ શરૂઆત થાય. એટલું સુંદર અને ઝાકઝમાળ એરપોર્ટ! કોરોના પહેલાના સમયમાં દિવસના બે લાખ લોકોને સાચવે. ભીડ ઘણી અને સાથે વ્યવસ્થા પણ એટલી જ! ક્યાંય કોઈ તકલીફ નહીં. ઈમિગ્રેશન માટે મોટી લાઈન હોય પણ પંદર-વીસ મિનિટમાં તો તે ક્લિયર થઈ જાય. એરપોર્ટથી બહાર આવો એટલે સુધરેલા મુંબઈ જેવું વાતાવરણ લાગે. મેટ્રો, બસ, ટેક્સી લઈ તમે ક્યાંય પણ પહોંચી શકો. ઘરની કાર ન હોય તો પણ વાંધો આવે નહીં. આ વખતે મારી દુબઈની વિઝીટ દસ દિવસની હતી અને એક્સપો ૨૦૨૦ જોવાનું મને બહુ જ મન હતું એટલે ત્રણ દિવસ તેના માટે અનામત રાખ્યા હતા. ઘણું ફર્યાં અને તો પણ ઘણું બધું જોવાનું રહી ગયું એવી ફીલિંગ કાયમ આવે.

ધૂળિયું દુબઈ શહેર ક્યારે દુનિયાનું સૌથી સુંદર શહેર બની ગયું તેની ખબર પણ ન પડી! વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સૌથી સારા રસ્તા, સુંદર મેટ્રો-ટ્રેન, ગગનચુંબી મકાનો, ધમધમતાં વેપાર-વાણિજ્ય…., 30-40 વર્ષમાં આખા શહેરની કાયાકલ્પ થઈ ગઈ! જૂના દુબઈમાં મોતીઓનો વેપાર થતો. જાપાને કૃત્રિમ મોતી બનવતાં, મોતીઓનો વેપાર ઓછો થયો. તેલ સેક્ટરમાં થોડુંક આગળ વધ્યાં, પણ તેલ પર નિર્ભર ન થવાય તેવું ત્યાંના શાસકોને લાગતાં, તેમણે દીર્ઘદ્રષ્ટિથી દુબઈને વેપારનું કેન્દ્ર બનાવ્યું. પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું. દર્દીઓને રાહત મળે તેવી હોસ્પિટલો પણ બનાવી જેથી હેલ્થ સેક્ટરમાં પણ આગળ વધી શકાય.

શનિ-રવિમાં ભીડને કારણે એક્સપોમાં  જવાય એવું ન હતું એટલે અમે શહેરનાં જોવાલાયક સ્થળોએ ફરવાનું નક્કી કર્યું હતું. ઘણાં જોવાલાયક સ્થળોએ પહેલેથી બુકિંગ થઈ શકે છે એટલે અમે તે બુકીંગ પણ આગોતરા કરાવી લીધું હતું.

ફ્યુચર મ્યુઝિયમ:

હમણાં જ, બે-ત્રણ મહિના પહેલાં, આ ભવ્ય મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું છે. બિલ્ડીંગનો આકાર બહુ જ નવીનતા ભર્યો છે, લંબગોળ મોતી જેવી ઈમારતમાં વચ્ચે મોટી લંબગોળ ખાલી જગ્યા! બિલ્ડીંગ ઉપર અરબી ભાષામાં અત્યારના પ્રધાનમંત્રી શેખ મહંમદ બીન રશીદે લખેલી કવિતા મોટા અક્ષરોમાં કોતરેલી છે. કવિતાનો ભાવાર્થ છે : આપણે સદીઓ સુધી જીવી તો ન શકીએ પણ એવું કંઈક બનાવીએ જે સદીઓ સુધી જીવતું રહે, મહેકતું રહે!! ઈમારત બહારથી જ એવી અદભૂત દેખાય કે તમને અંદર જતાં પહેલાં બહાર ફોટા પાડવાનું મન થાય. બહારના ફોટા પાડી અમે અંદર ગયાં. હવામાં કૃત્રિમ મોટી માછલીઓ અને પક્ષીઓ ઊડતાં હતાં.  સમય થતાં અમને એક લિફ્ટમાં/ સ્પેસ-શિપમાં લઈ ગયાં. જાણે સ્પેસમાં જતાં હોઈએ તેવી વાતો કહેતાં-સાંભળતાં રોકેટમાં ઊડવાનો અનુભવ લેતાં-લેતાં 50 વર્ષ ભવિષ્યમાં આવી ગયાં! લિફ્ટમાંથી બહાર આવ્યાં પછી સ્પેસ વિજ્ઞાનને લગતાં ત્રણ-ચાર નાના ડિસ્પ્લે હતાં. ત્યાંથી અમને ડી.એન.એ. પાર્કમાં લઈ ગયાં. બહુ જ સુંદર ડિસ્પ્લે કરેલાં છે. ત્રીજા ભાગમાં જુદી-જુદી એનર્જીનાં ડિસ્પ્લે હતાં જેમાં અમને બહુ મજા આવી નહીં. કદાચ હજુ કામ બાકી હશે તેવું લાગ્યું. છેલ્લે ભવિષ્યના AUTOMOBILES નું ડિસ્પ્લે હતું. ત્યાંથી બિલ્ડીંગની બહાર સુંદર અગાસીમાં જવાનો રસ્તો હતો. બહુ જ આલ્હાદક અનુભવ રહ્યો.

FRAME:

ઝબિલ પાર્કમાં આવેલી ફોટો-ફ્રેમના આકારમાં બનેલી આ ઈમારત અકલ્પનીય છે! 150 મીટર ઊંચા કાચના બે ટાવર, અને તેમને જોડતો, ૯૩ મીટરનો વોક-વે બ્રિજ, જાણે દુબઈના ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળને જોડતો હોય અને તમે ટાઈમ-મશીનમાં ઊભાં ઊભાં જોતાં હો! આ ઈમારતનો આકાર બહુ જ અદભુત અને અવર્ણનીય છે. કાચનાં બંને ટાવરમાં એલીવેટર છે, એક બાજુથી જવાનું અને બીજી બાજુથી ઊતરવાનું. એન્ટ્રીમાં તમને દુબઈનો ઈતિહાસ બતાવે અને એક વખતનું નાનું અમથું ગામડું કેવી રીતે આજનું સુંદર શહેર બન્યું તેની માહિતી આપતું મ્યુઝિયમ બતાવે. ટાવરોને જોડતા ૯૩ મીટર ઊંચા કાચના વોક-વેમાંથી  નીચેની જમીન સીધી દેખાય ! હિંમત હોય તો તમે તેના પર ચાલી શકો! બ્રીજ ઉપર ઊભા-ઊભા તમે આખા દુબઈ શહેરનું વિહંગાવલોકન કરી શકો! ક્રિક અને ડાઉન-ટાઉનવાળું જુનું દુબઈ દેખાય, બહુમાળી મકાનોવાળું અત્યારનું  દુબઈ દેખાય અને દૂર-દૂર નવીનવી ઈમારતો બનતી હોય તેવું  ભવિષ્યનું દુબઈ દેખાય! અનુભવ લેવા જેવો છે!

 

ઝબીલ પાર્ક અને પેલેસ :

ઝબીલ પાર્ક એક સુંદર પિકનીક સ્પોટ છે. શાંત વાતાવરણમાં બાર્બેક્યુ કરીને બેસવું હોય તો આના જેવી જગ્યા દુબઈમાં બીજી કોઈ નહીં! નજીકમાં જ બોટિંગ કરી શકાય તેવી સરસ વ્યવસ્થા છે. પાર્કની અંદર જ સુંદર પેલેસ (મહેલ) આવેલો છે. ફિટનેસ માટે વોકિંગ-ટ્રેક છે અને ફિટનેસ સેન્ટર છે. OUTDOOR SPORTS માટેની પણ વ્યવસ્થા છે. નવીન પ્રકારનો GLOW GARDEN બનવ્યો છે. શિયાળામાં અંધારું થયા પછી તો રંગ-બે-રંગી, જુદા-જુદા આકારોમાં લાઈટના લાખો બલ્બથી શણગારેલો આ ગાર્ડન બહુ જ સુંદર અને મનમોહક લાગે છે.

 

બુર્જ ખલીફા ટાવર :

830 મીટર ઊંચું, ૧૬૦ માળનું, આ ટાવર દુનિયાનું અત્યારનું ઊંચામાં ઊંચું મકાન છે. ટાવરની ગેલેરીમાંથી આખા દુબઈનું વિહંગાવલોકન બહુ સરસ રીતે કરી શકાય છે. ફક્ત થોડી જ સેકન્ડોમાં જમીનથી આકાશમાં પહોંચી જવાય એવી એકદમ ફાસ્ટ લિફ્ટ છે.  લિફ્ટમાંથી બહાર આવો એટલે અદભૂત અનુભવ થાય. સુંદર દુબઈ નગરી એકદમ મોહક લાગે પણ નીચે જોતાં ડર પણ લાગે! ગેલેરીમાં સરસ ગિફ્ટ-શોપ છે અને સોનાની લગડી મળે તેવું ATM છે! મન ભરીને વાતવરણ  માણી લો ત્યારે નીચે આવી જવાનું. આ ટાવર પરથી વરસમાં જુદા-જુદા સમયે, તહેવારોની ઉજવણી માટે  ફટાકડા ફોડવામાં આવે છે અને તેની દિવાલ ઉપર ઝગમગતાં લેઝર શો કરવામાં આવે છે. વાદળ વગરનું ખુલ્લું આકાશ હોય તો લગભગ ૧૫૦ કિલોમીટર દૂર આવેલા ઈરાનનો દરિયા કિનારો જોઈ શકાય છે! આ જ સંકુલમાં સરસ મોટો દુબઈ મોલ આવેલો છે. હરો, ફરો અને શોપિંગ કરો! ત્યાંથી બહાર નીકળો એટલે ટાવરની આસપાસ સુંદર બગીચો  અને મનમોહક સરોવર નજરે પડે. સરોવરમાં સુંદર જેટ કુવારા સમયાંતરે ચાલુ થાય. બુર્જ ખલીફા ટાવર, દુબઈ મોલ, બાગીચા, સરોવર અને સુંદર કુવારા, આ બધું ભેગું મળીને એક સુંદર સાંજ પસાર કરવાનો અનુભવ છોડાય નહીં!

મિરેકલ ગાર્ડન:

રણ પ્રદેશમાં આવેલ આ દુનિયાનો મોટામાં મોટો ગાર્ડન છે! લગભગ ચારથી પાંચ કરોડ ફૂલો ત્યાં પાંગરે છે! રંગબેરંગી ફૂલોથી લથબથ ભરેલી લાંબામાં લાંબી દિવાલ, જુદી જુદી જાતનાં ફૂલોથી છવાયેલાં ઘર, તંબુ, ઝુંપડીઓ, મહેલો, સ્ટીલથી બનાવેલાં સ્ટ્રક્ચર ઉપર લદાયેલાં ફૂલોનાં માંડવા, જુદી-જુદી મનમોહક ડિઝાઇનો, જુદા-જુદા આકારો, ઘડિયાળ, દિવાલ, ગાડું, વિમાન, ગાડીઓ, ઘર, મહેલ, પક્ષીઓ, પ્રાણીઓ, ઝુંપડી, હાર્ટ આકારની કમાનો….. તમારું મન માને ત્યાં સુધી તમે જાદુઈ નગરીમાં એક બાળક બનીને ફરતાં રહો, પરીની જેમ ઊડતાં રહો! ઓછામાં ઓછા ચાર કલાક તો આ ગાર્ડન માટે જોઈએ જ. નજીકમાં જ બટરફ્લાય ગાર્ડન એટલે પતંગિયાનું ઉદ્યાન આવ્યું છે. મિરેકલ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન માટે એક દિવસ ફાળવવો પડે!

ગ્લોબલ વિલેજ:

એક વખતનું પ્રદર્શન હવે તો કાયમનું નજરાણું બની ગયું છે! દુબઈમાં આવેલ પ્રવાસીઓ માટે શોપિંગ અને આનંદ-પ્રમોદ માટેના થીમ-પાર્ક, જાતની ખાણીપીણી અને દુકાનો તથા  ભારતીય, ચાઈનીઝ, ઇટાલિયન, ઈરાની વગેરે થીમ પાર્ક હજુ ત્યાં છે જે જોવાની મજા આવે તેવો પાર્ક બનાવેલો છે.

દુબઈ મ્યુઝિયમ:

તમને જાણીને નવાઈ લાગશે કે આટલા નાના અમથા દુબઈમાં ૪૫ થી ૫૦ મ્યુઝિયમ આવેલાં છે. ચાલો આપણે શરૂઆત કરીએ દુબઈ મ્યુઝિયમથી. દુબઈ મ્યુઝિયમ અલ-ફહિદી-ફોર્ટમાં આવેલું છે. આ દુબઈની જૂનામાં જૂની ઈમારત છે. દુબઈ-મ્યુઝિયમ દ્વારા દુબઈની આર્થિક અને સામાજિક વિકાસ-ગાથા પ્રવાસીઓને દર્શાવાય છે. મ્યુઝિયમ આપણને દુબઈના ઇતિહાસમાં ડોકિયું કરાવે છે. દુબઈવાસીઓ કેવી રીતે એશિયા અને આફ્રિકા સાથે વેપાર કરતા, તેમના શું શસ્ત્ર-સરંજામ હતાં, રણ પ્રદેશમાં રાત કેવી રીતે જાય, વગેરે માહિતી આપતું આ મ્યુઝિયમ પ્રવાસીઓએ જોવું જ પડે એવું છે. સરકારી મ્યુઝિયમ હોવાથી તેની ફી પણ બહુ નથી, પરંતુ જૂની વસ્તુઓનું એટલું સરસ ડિસ્પ્લે છે કે તમને આનંદ આવી જાય!

ત્યાંથી નજીકમાં અલ-ફહિદી-હિસ્ટોરિકલ-નેબરહૂડ નામે એક વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે. દુબઈના ટ્રેડિશનલ રીતે બનાવેલા આ વિસ્તારમાં નાનાં- નાનાં ઘણાં મ્યુઝિયમો આવેલાં છે. નાના ખંજર અને ભાલા જેવાં શસ્ત્રોનું મ્યુઝિયમ  હતું, થોડેક દૂર ફાઇન આર્ટસ અને ચિત્રોનું પ્રદર્શન હતું. અમારે જોવું હતું કોફી મ્યુઝિયમ. એક નાના અમસ્તા ઘરમાં છ-સાત રૂમોમાં કોફી પ્રેમીઓને ગમે તેવી બધી માહિતી ભેગી કરી છે. દુનિયાના અનેક પ્રદેશોમાં કોફી કેવી રીતે બને છે, કેવી રીતે સ્ટોર થાય છે, કેવી રીતે પીવાય છે, તેની શું શું ખાસિયતો છે… વગેરે માહિતી આપતું અને દેશી બેઠક સાથેનું આ મ્યુઝિયમ કોફી પ્રેમીઓને ગમી જાય એવું છે. કોફી પીવડાવી તેઓ પ્રવાસીઓનું સ્વાગત કરે છે. જાતે જ ફરીને તમારે મ્યુઝિયમ જોવાનું. નજીકમાં જ થોડેક આગળ ચાલતાં એક સરસ મજાના ઘરમાં લોકલ હાઉસ રેસ્ટોરન્ટ જોઈ. અમે અંદર ગયાં. એક મોટા ડ્રોઇંગરૂમ જેમાં 25-30 જણની બેસવાની વ્યવસ્થા હતી. ચાર નાના ફેમિલી રૂમ હતા. ઘરની જ વ્યક્તિઓ રેસ્ટોરન્ટ ચલાવે. ટ્રેડિશનલ રીતે શણગારેલું ઘર. વેજિટેરિયન ઓપ્શન તો ઓછાં હતાં પણ અમને ત્યાં બેસીને કોફી પીવાની અને ફલાફલનો નાસ્તો કરવાની બહુ જ મજા આવી. રેસ્ટોરન્ટની બહાર ઊંટનું નાનું પુતળું મૂકેલું હતું, જેની પાસે ઊભાં રહી અમે ફોટા પડાવ્યા!

ક્રિક ઉપર જ આવેલા ક્રિકપાર્કમાંનાં ઘણાં આકર્ષણોમાંનું એક છે ડોલ્ફિનેરીયમ. નાના બાળકો અને મોટેરાંઓ બધાંને ગમે તેવું આ ડોલ્ફિનેરીયમ એકવાર તો જોવા જેવું ખરું જ. ક્રિકપાર્કમાં પિકનિક સ્પોટ અને બીજી ઘણી રમતો છે ચાર-છ કલાક તો સહેલાઈથી નીકળી જાય.

સાંજ પડવા આવી હતી એટલે અમે ક્રિક ઉપર અલ સીફ AL SEEF નામના તાજેતરમાં  બનાવવામાં આવેલ વિસ્તારમાં ચાલવાં નીકળ્યાં. બહુ જ સરસ રીતે આ નવો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે. ક્રિકની ઉપર જ ચાલતાં ચાલતાં લગભગ એકાદ કિલોમીટર અમે ફર્યાં. જાતજાતની રેસ્ટોરન્ટ, જાતજાતનું શોપિંગ. યુરોપના કોઈ શહેરના ડાઉન-ટાઉનમાં ફરતાં હોય તેવી લાગણી થાય. અમારી અચાનક નજર પડી મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન પર. અમે એ મ્યુઝિયમ જોવાં ગયાં. જાતજાતની વસ્તુઓ, અરીસાઓ અને લાઈટની અવનવી રીતે ગોઠવણી કરીને અજંબા ભર્યું પરિણામ મળે તેવા ડિસ્પ્લે કર્યાં હતાં. લગભગ 25-30 મિનિટમાં મ્યુઝિયમ જોઈ લીધું, અનેરો આનંદ આવ્યો! બાળકોને તો આ નવીનતા ભર્યા મ્યુઝિયમમાં બહુ જ મજા આવી જાય.

અંધારું થઈ ગયું હતું અને અમે બોટ-ક્રૂઝમાં જવા માટે તૈયાર હતાં. અમે જે માળ-વાળી બોટમાં બેઠાં હતાં એમાં સુંદર મ્યુઝિક વાગતું હતું અને સાથે સાથે જમવાનું પણ હતું. લગભગ બે કલાકનો પ્રોગ્રામ હતો. વેજિટેરિયન ખાનારાને ખાવામાં પ્રોબ્લેમ થાય, પણ વાતાવરણ બહુ મોહક અને માદક હતું. કિનારે આવેલાં, લાઈટથી શણગારેલાં મોટાં-મોટાં, ભવ્ય બિલ્ડિંગો, બોટમાંથી વધુ આકર્ષક લગતાં હતાં. દુબઈ ફરવા આવનારે જો એનો લોકલ ટ્રેડિશનલ અનુભવ લેવો હોય તો ક્રિક પર ફરવા માટે એક આખો દિવસ રાખો પડે.

દુબઈ મરીના :

દુબઈ ક્રિકના અનુભવ પછી દુબઈ મરીનાનો અનુભવ એકદમ અલગ અને અર્વાચીન લાગે. પર્શિયન સમુદ્રમાંથી જ રીક્લેમ કરીને કૃત્રિમ રીતે બનાવવામાં આવેલો આ વિસ્તાર અત્યારે  લગભગ ત્રણ કિલોમીટર લાંબો છે. ભવિષ્યમાં તે કદાચ આઠ કિલોમીટર સુધી લંબાઈ શકે છે. દુબઈના સૌથી ધનાઢ્ય અને પૈસાદાર લોકોનાં ઘર અહીં આવેલાં છે. દૂબાઈ મરીના મોલ અને બીજા અનેક મોલ, રેસ્ટોરન્ટ, કોફી હાઉસ વગેરેને લીધે કાયમ ચહલ-પહલવાળો આ વિસ્તાર એક વાર તો જોવા-ફરવા જેવો છે. બસ અને મેટ્રોની સાથે સાથે ટ્રામ પણ ચલે છે જેનો અનુભવ પણ લેવા જેવો છે. જોકે બોટમાં કે લોકલ ભાષામાં કહીએ તો ધાઉમાં બેસીને ક્રૂઝમાં ફરવાની શાહી મઝા પણ લઈ શકાય!

એટલાન્ટિસ : 

દુબઈનો વધુ એક કૃત્રિમ દરિયા કિનારો એટલે એટલાન્ટિસ. હાથના પંજાના આકારમાં કે પામના મોટા પાનના આકારમાં વિકસાવેલો આ ટાપુ કે વિસ્તાર એટલે એટલાન્ટિસ. મોટી મોટી હોટલો અને રિસોર્ટ, બાગ-બગીચાઓ,સુંદર મોટા બંગલાઓ અને મહેલાતો, મનમોહક બીચ એટલે એટલાન્ટિસ. આ ટાપુ પરની આ પહેલી હોટલ જેને લીધે આ આખો વિસ્તાર તે નામથી ઓળખાયો. તેની મોનોરેલ, એક્વેરિયમ, વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલ જોવા જેવાં છે. અમે બપોરે ચારેક વાગ્યે એટલાન્ટિસ જવા નીકળ્યાં. ઘરથી લગભગ 50 કિલોમીટર દૂર, પણ ગાડી તો પાણીના રેલાની જેમ ચાલી જાય. બહુ જ મજા આવી ત્યાં પહોંચતા સુધીમાં. દૂરનાં મોટાં હાઇરાઇઝ બિલ્ડીંગો ઝાંખાં દેખાતાં થાય અને આપણે દુબઈ શહેરથી દુર થતાં જઈએ. એક મોટી કમાન જેવી દિવાલ આવી અને ત્યાંથી એટલાન્ટિસ શરૂ થઈ ગયું. એક પછી એક હોટલો વટાવતાં અમે છેક છેડે આવીને ગાડી પાર્ક કરીને ખાસ્સો કલાક ચાલ્યાં. ચાલવાની એટલી મજા આવે! એક બાજુ દરિયો અને બીજી બાજુ મોટી હોટલો. બહુ જ ઓછી વસ્તી, ભરપૂર ગ્રીનરી અને ચોખ્ખાઈ… બધું જ ઊડીને આંખે વળગે. કલાકેક ચાલ્યાં પછી ગાડી પાછી લીધી અને ‘પોઈન્ટ’ નામના એક સ્થાને ગયાં. ત્યાં સરસ હોટલ અને પિકનીક સ્પોટ વિકસાવેલું છે. ગરમાગરમ કોફી પીધી, ફોટા પાડ્યા, થોડો નાસ્તો કર્યો અને લોંગ ડ્રાઈવ કરીને પાછાં દુબઈ આવ્યાં.

દુબઈ સફારી :

એક બપોરે નક્કી કર્યું હતું તે પ્રમાણે ડ્રાઇવર ૪*૪  ની જીપ લઈને આવી ગયા. મને બિલકુલ ખબર ન હતી કે ક્યાં જવાનું છે. અડધો કલાક ગાડી ચલાવી હાઈવે ઉપરથી નાના રસ્તા ઉપર આવી ગયાં. સુંદર રણપ્રદેશ દેખાયો. શહેરની નજીકમાં આટલો સુંદર રણપ્રદેશ જોઈને આપણને આશ્ચર્ય થાય. અને હજુ તો રણ જોતાં હતાં, સોનેરી કલરનો તડકો  પથરાઈ રહ્યો હતો અને તે બધું મનમાં ઊતારીએ ત્યાં તો ડ્રાઇવરે જોરથી ગાડી ડ્યુન ઉપર ચડાવી અને એટલા જ જોરથી કે કદાચ વધારે જોરથી નીચે ઊતારી! પેટમાં તો એવો ચુંથારો થાય! એટલી બીક લાગે! વળી પાછી એવી જ રીતે ગાડી ઉપર લઈ જાય અને જોરથી નીચે ઊતારે! લોકો એને ડ્યુન-બેશીંગ કહે છે. હું તો એટલે ગભરાઈ ગઈ હતી કે મને થાય કે ક્યારે નીચે ઊતરીએ! જો કે યુવાનો માટે આ થ્રિલ લેવા જેવી ખરી!

ડ્યુન-બેશીંગનો પ્રોગ્રામ પતાવી ત્યાં નજીકમાં જ બાબ-અલ-શામ્સ રિસોર્ટ આવેલો છે ત્યાં ગયાં. બહુ જ સુંદર રિસોર્ટ બનાવ્યો છે. એન્ટ્રી માટે ઝાડની બે લાંબી સુંદર લાઈન બનાવી છે અને રણ પ્રદેશની વાદી જેવો વિસ્તાર વિકસાવ્યો છે.

સમયના અભાવને કારણે હું ઘણાં સ્થળોએ જઈ શકી નથી પણ દુબઈના પ્રવાસ માટે આવતાં પ્રવાસીઓએ નીચેનાં સ્થળ જરૂર જોવા.

આઈ બ્લુ વોટર ટાપુ પર બનેલ દુબઈ આઈ: આ ચગડોળ દુનિયાનું મોટામાં મોટું ચગડોળ છે અને દૂર-દૂર સુધીની દુબઈની SKYLINE જોઈ શકાય છે, માણી શકાય છે.

FARARI WORLD:  સાહસો માટે પ્રખ્યાત એવું યુરોપનું ફરારી ગ્રુપ અહીંયા ફરારી વર્લ્ડ લઈ આવ્યું છે.

IMG WORLDOF ADVENTURE:  આઈ. એમ. જી. વર્લ્ડ ઓફ એડવેન્ચર પણ સાહસની રમતો રમવા માટે બહુ જાણીતું છે.

GOLD SOUK અથવા સોનાનું બજાર: સોનાનાં અનેક જાતનાં અલંકારો માટે જાણીતું આ બજાર પ્રમાણિકતા અને વિશ્વાસથી ધમધમે છે. વર્ષો પહેલાં અમે સોનીની દુકાનમાં હતાં અને પ્રાર્થનાનો (નમાજનો) સમય થતાં બિલકુલ ચિંતા વગર અમને દુકાનમાં જ બેસાડી દુકાનદાર નમાજ પઢવા ગયા હતા! પાછા આવીને એકદમ નોર્મલ વેપાર પાછો શરૂ કર્યો હતો! ટોકન સોનું પણ લેવા જેવું ખરું!

નીચે થોડીક જગ્યાઓનાં નામ આપું છું, કૃત્રિમ રીતે બનેલ ઈમારતો, મોલ, બાગ-બગીચાઓનો તો તોટો જ નથી…,પણ Tourist place ન કહી શકાય છતાં બહુ જ સુંદર જગ્યાઓ છે. લાંબો સમય રહેવાનું થાય તો મુલાકાત લેવા જેવી ખરી!

કુદ્રાલેક: સુંદર નેચરલ કુદરતી સરોવર છે. આજુબાજુ સુંદર ઝાડ અને વૃક્ષોથી મોહક વાતાવરણ ખડું થાય છે. સરોવરમાં બતક અને બીજા પક્ષીઓ ફરતાં હોય છે, અને સૂર્યાસ્તના સમયે બહુ સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળે છે.

કાઇટ બીચ : ૧૪ કિ.મી. લાંબો રનીંગ ટ્રેક છે, ટેનીસ, સર્ફિંગ, વોટર સ્પોર્ટ્સ વગેરે માટે જાણીતું સ્થળ છે. વર્ષ દરમ્યાન કઈ-ને-કઈ એક્ટીવીટી ચાલુ જ હોય છે.

હોટ એર બલૂન સ્પોટ : રણ પ્રદેશ અને દરિયાને લીધે હોટ-એર-બલૂનનો અનુભવ મોંઘો પણ કરવા જેવો છે!

અબુ ધાબીની આખા દિવસની ટૂર : અબુધાબીનો પ્રવાસ પણ કરવા જેવો છે. ત્યાંની વિશ્વ-પ્રસિદ્ધ મસ્જીદ, મોટી મોટી હોટલો, બાગ-બગીચાઓ જોવા માટે મીનીમમ બે દિવસનો પ્રોગ્રામ કરવો પડે.

(દર્શા કીકાણી)