ફેસબુક પર ન ગમતી કૉમેન્ટની વિરુદ્ધમાં મત આપી શકશો

ફેસબુક હાલમાં એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આ સુવિધા વપરાશકારોને કૉમેન્ટને ‘ડાઉનવૉટ’ કરવા દેશે. એક નિવેદનમાં ફેસબુકે જણાવ્યું કે ‘ડાઉનવૉટ’ બટન ત્યારે મર્યાદિત પબ્લિક પેજ કૉમેન્ટ માટે જ અપાઈ રહ્યું છે અને અમેરિકાના બહુ ઓછો લોકો જ તેને જોઈ શકે છે. ‘ડાઉનવૉટ’ પરીક્ષણ હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં અને માત્ર પાંચ ટકા એન્ડ્રૉઇડ વપરાશકારો માટે છે.વપરાશકારો આ બટનનો ઉપયોગ કરીને કોઈ કૉમેન્ટ કરનારને તે ‘અયોગ્ય, અસભ્ય અને ગેરમાર્ગે દોરનારી’ છે તેવો સંકેત આપી શકશે. ફેસબુકે સ્પષ્ટતા કરી છે કે આ ‘ડિસલાઇક’ બટન નથી. આ પબ્લિક પેજ પર કૉમેન્ટ મૂકાય તે કૉમેન્ટ કેવી છે તેનો પ્રતિભાવ એકત્ર કરવાનું પગલું છે.

હડલર સૉશિયલની ક્રિસ્ટિના હડલરે ટ્વિટર પર ડાઉનવૉટ સુવિધાના સ્ક્રીનશૉટ મૂક્યા છે. ‘ડાઉનવૉટ’ સુવિધા પર સ્પર્શ કર્યા પછી વપરાશકારોને પૂછવામાં આવે છે કે આ કૉમેન્ટ ‘વાંધાજનક’ હતી, ‘ગેરમાર્ગે દોરનારી’ હતી કે પછી ‘વિષયાંતર’વાળી હતી. ‘ડાઉનવૉટ’ પરીક્ષણ ટૂંકા ગાળાનું છે અને તેનાથી કૉમેન્ટ, પૉસ્ટ કે પેજના મૂલ્યાંકન (રૅન્કિંગ) પર કોઈ અસર નહીં પડે. આમાં વધુ સુવિધા એ છે કે એક પૉસ્ટને કેટલા ડાઉનવૉટ મળ્યા તે જાહેરમાં નહીં દેખાય. આ માત્ર ફેસબુકને આંતરિક રીતે જ પ્રતિભાવ મળશે.

ફેસબુકમાં અત્યારે ‘હાઇડ’ કૉમેન્ટ સિસ્ટમ દરેક વપરાશકાર માટે છે જ, પરંતુ તે ડાઉનવૉટ બટન જેટલી સહજ નથી. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ભૂતકાળમાં કહ્યું હતું કે કંપની એવી પ્રણાલિ ઉમેરવા માગતી નથી જ્યાં લોકો પૉસ્ટ પર સમર્થન કે વિરુદ્ધમાં મત આપી શકે. આથી કંપનીએ બે વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં ‘રિએક્શન’ નામના ઇમોજીનો સમૂહ શરૂ કર્યો હતો, તેમાં પ્રેમ, આશ્ચર્ય, હાસ્ય, ઉદાસી અને ગુસ્સાના ઇમોજી હતાં.

ડિસેમ્બરમાં ફેસબુકે જાહેર કર્યું કે ખોટા સમાચાર સામે લડવા માટે તે બે પરિવર્તનનો અમલ કરી રહી છે. કંપનીએ કહ્યું હતું કે તે ખોટા સમાચાર ઓળખવા માટે ‘ડિસ્પ્યુટેડ ફ્લૅગ્સ’નો ઉપયોગ હવે નહીં કરે. લોકોને વધુ સંદર્ભ આપવા માટે વિકલ્પ તરીકે સંબંધિત લેખો દર્શાવાશે. અને ફેસબુકે કહ્યું હતું કે માહિતી સાચી છે કે નહીં તે તેઓ જે સમાચાર સ્રોતોને અનુસરે છે તેના આધારે નક્કી કરવા વધુ સારી સમજ લોકો કેળવી શકે તે માટે આ પહેલ શરૂ કરી રહી છે. ફેસબુકે ‘ડિસ્પ્યુટેડ ફ્લૅગ્સ’ દૂર કર્યા તેનું કારણ એ હતું કે તેનાથી બનાવટી સમાચારો વપરાશકારોને વધુ સાચા લાગતા હતા. એક સંશોધનમાં એવી માહિતી બહાર આવી હતી કે કોઈ માહિતી પર લાલ ધ્વજ લગાવેલો હોય તો પણ વપરાશકારો તે ખોટી માહિતીને સાચી જ માનતા હતા. ફેસબુક પ્રૉડક્ટ મેનેજર ટેસ્સા લાયોન્સે એક બ્લૉગ પૉસ્ટમાં લખ્યું હતું કે ‘ખોટી માહિતીને સાચી કરવા પરના એક શૈક્ષણિક સંશોધનમાં જણાવાયું હતું કે લેખની બાજુમાં લાલ ધ્વજ જેવી મજબૂત તસવીર લગાવવાથી વ્યક્તિના મનમાં રહેલી ઊંડે સુધીની માન્યતા સુરક્ષિત થાય છે.’ સંશોધનમાં એવું ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું હતું કે જ્યારે ખોટા સમાચારની સાથે સંબંધિત લેખો મૂકવામાં આવ્યા તો તે જેટલા શૅર કરાયા તે કરતાં લાલ ધ્વજ સાથેના ખોટા સમાચાર વધુ શૅર કરાયા હતા.

ગયા વર્ષથી ખોટા સમાચાર (ફૅક ન્યૂઝ)ની આશંકા વધી છે કારણકે ઘણા દેશના સાંસદો ફેસબુકને તેનું ન્યૂઝ ફીડ નિયંત્રિત કરવા દબાણ વધારી રહ્યા છે. રશિયા દ્વારા ફેસબુક પર જાહેરખબરો આપીને અમેરિકામાં રંગભેદ અને અન્ય ભેદની ખાઈ વધારવા પ્રયાસ કરાયો હતો અને તેની અસર ગયા વર્ષની ચૂંટણીમાં પડી હતી તે બાબતની અમેરિકી ગુપ્તચર સંસ્થા તપાસ કરી રહી છે.