તો, હંગામા ક્યૂં હૈ બરપા?

૨૧ફેબ્રુઆરીએ ટ્વિટરે સૉશિઅલ મીડિયા અને માઇક્રૉબ્લૉગિંગ પ્લેટફૉર્મ પર હજારો ખાતાં નિલંબિત કરી નાખ્યાં. આના પરિણામે રાજકીય અથવા સામાજિક રીતે હલચલ નહીં, હોબાળો મચી ગયો. આ ખાતાં રાજકીય રીતે પ્રેરિત હતાં કે ખોટાં હતાં કે પછી ટ્વિટરના નેતૃત્વને અનુકૂળ વિચારોનાં ન હતાં, તે ચર્ચાનો વિષય છે.આવા સંજોગોમાં ટ્વિટરે પોતે શું કહ્યું છે તે જોવા જેવું છે.

તેણે કહ્યું: ટ્વિટરના સાધનો બિનરાજકીય છે અને અમે કોઈ રાજકીય પૂર્વગ્રહ વગર અમારા નિયમોનો અમલ કરીએ છીએ. સુરક્ષા બાબતે અમારા ચાલી રહેલા કામના ભાગરૂપે અમે કેટલાંક શંકાસ્પદ ખાતાં ઓળખ્યાં જે દર્શાવતા હતાં કે તે સ્વયંભૂ પ્રવૃત્તિ કરી રહ્યાં છે અથવા એક કરતાં વધુ ખાતાં હોવા આસપાસ અમારી નીતિનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અથવા તો તેમાંથી દુર્વ્યવહારની ભાષાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અમે ખાતાંધારકોને ફૉન નંબરની પુષ્ટિ કરવા કહ્યું જેથી અમે ખાતરી કરી શકીએ કે કોઈ ખરેખર માણસ તેની પાછળ છે. આમ, અમારી સેવાના નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈ પણ ખાતા સામે અમે પગલાં પણ લીધાં. આથી કેટલાક લોકોને તેમનાં ખાતાં નિલંબિત અથવા તાળાબંધ થયાનો અનુભવ થતો હશે. આ ટ્વિટરને લોકો માટે સુરક્ષિત અને તંદુરસ્ત બનાવવાના અમારા ચાલી રહેલા સર્વગ્રાહી પ્રયાસોના ભાગરૂપે છે.

ટ્વિટરે તેના અમલના વિકલ્પોની યાદીનો સંદર્ભ પણ આપ્યો, જેમાં ખાતાધારકે એક ફૉન નંબર અથવા ઇ-મેઇલ સરનામું આપવાનું રહે છે જેથી તેઓ એ સાબિત કરી શકે કે તેમનું ખાતું સાચું છે.

સૉશિઅલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે જે ખાતાં નિલંબિત કરાયાં છે તે ‘બૉટ’ (ખોટાં ખાતાં) છે જે રશિયા દ્વારા પ્રેરિત છે. રશિયા સૉશિઅલ મીડિયા દ્વારા પોતાનું પ્રભુત્વ ફેલાવવા માગે છે. ટ્વિટરે એ જાણકારી નથી આપી કે કેટલાં ખાતાંને અસર થઈ છે કે કેટલાં ખાતાં નિલંબિત કરાયાં છે અથવા ખરેખર કેટલાં સાચાં ખાતાંધારકોને આ વધેલી ચકાસણીથી અસર થઈ છે. જોકે, ટ્વિટરે એ જરૂર જાહેર કર્યું છે કે તે વપરાશકારને એક કરતાં વધુ ખાતાં પર એક સરખી પૉસ્ટ મૂકવા નહીં દે અથવા એક કરતાં વધુ ખાતાં પર રિટ્વીટ કે લાઇક કરવા જેવાં કામો પણ નહીં કરવા દે.

ટ્વિટરનું કહેવું છે કે ટ્વિટર પર અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ચૂંટણી સહિતના મુદ્દે જે મહત્ત્વની વાતચીત ચાલી રહી છે તેને લક્ષ્યાંકિત કરીને જે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે તેને રોકવા આ અગત્યનાં પરિવર્તનો છે.

૨૧ ફેબ્રુઆરીએ જ બ્લૉગિંગ પ્લેટફૉર્મ મીડિયમે પણ કથિત રીતે અનેક એવાં ખાતાં રદ કરી નાખ્યાં જે પ્રમાણમાં હાઇ પ્રૉફાઇલ ષડંયત્રવાદમાં માનનારાઓના હતા. આવા એક ષડયંત્રવાદમાં માનનારાએ વિડિયો જાહેર કર્યો છે જેમાં વ્યક્તિ કહે છે કે તે નાગરિકોના અધિકારોના ઉલ્લંઘન માટે મીડિયમ સામે ન્યાયાલયમાં કાર્યવાહી કરવાનું વિચારી રહી છે કારણકે તે પોતે શ્વેત વ્યક્તિ હોવાથી તેની સામે ભેદભાવ કર્યો છે.

જોકે મિડિયમે તો ૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ પોતાની પૉસ્ટ મૂકીને કમ્યૂનિટી નિયમોમાં અનેક પરિવર્તનો કરવાની જાહેરાત કરી દીધી હતી:

તેણે કહ્યું હતું કે અમે ઑનલાઇન નફરત, અભદ્ર ભાષા, સતામણી અને ખોટી માહિતીમાં વધારો જોયો છે. છેતરપિંડી અને સ્પામ અભિયાનોમાં પણ વધારો થઈ રહ્યો છે. ઇન્ટરનેટની દુનિયાના સારા નાગરિકો બની રહેવા માટે અને અમારા વપરાશકારોને લખવા, વાંચવા અને નવા વિચારોની વહેંચણી કરવા માટે વિશ્વસનીય તથા સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે અમે આ પ્રકારની વર્તણૂંક આસપાસ અમારી નીતિને મજબૂત કરી છે. નફરતભર્યાં ભાષણ અંગે આ વેબસાઇટની માર્ગદર્શિકા કહે છે કે તે હિંસા અને નફરતને ઉત્તેજન નથી આપતી.