તમારા પ્રિય વ્યક્તિની પૉસ્ટ નથી દેખાતી? તો આ રહ્યો ઉપાય

સૉશિઅલ મીડિયાની વેબસાઇટ ફેસબુક તેના વપરાશકારોના અનુભવને વધુ ને વધુ સારો કરવા માટે સતત કંઈ ને કંઈ નવું કરતી રહે છે. આ જ કારણ છે કે વપરાશકારો પોતાની જિંદગી સાથે જોડાયેલી નાનીમોટી પળોને તેના પર મૂકવાનું પસંદ કરતા રહે છે. વપરાશકારોને એકબીજા સાથે વધુ સારી રીતે જોડવા અને પોતાના ખાતાને પોતાની ગમતી રીતે મેનેજ કરવા માટે ફેસબુક ‘સી ફર્સ્ટ’ નામની સુવિધા લાવ્યું છે. આ લેખમાં તમે જાણશો કે ‘સી ફર્સ્ટ’ (See First)ની સુવિધા શું છે? તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે અને તેમાં વપરાશકારોને શું શું ફાયદા છે?આ સુવિધા હેઠળ વપરાશકાર કોઈ વ્યક્તિ/મિત્ર કે કોઈ પૅજની પસંદગી કરી શકે છે. આવું કરવાથી તે પૅજ કે દોસ્તની પૉસ્ટ તેની ન્યૂઝ ફીડમાં સૌથી ઉપર જોવા મળવા લાગે છે. દા.ત. તમારે તમારા કોઈ દોસ્તની દરેક પૉસ્ટની જાણકારી જોઈએ છે. તમે તેની દરેક પૉસ્ટ જોવા માગો છો. (ઘણાં માબાપોને તેમનાં સંતાનની પૉસ્ટ જોવી હોય છે. તો કેટલાક પ્રેમીને પ્રેમિકાની કે પ્રેમિકાને પ્રેમીની, પતિને પત્નીની તો પત્નીને પતિની, બૉસને કર્મચારીની તો કર્મચારીને બૉસની… દરેક પૉસ્ટ જોવી હોય છે.) ઘણી વાર જાસૂસીનો ઈરાદો નથી હોતો. પરંતુ તમારા સંતાન, તમારી પ્રેમિકા કે તમારી પત્ની, તમારા બોસની ફરિયાદ હોય છે કે તમે તેમની પૉસ્ટ લાઇક જ નથી કરતા, જોતા જ નથી. પરંતુ તમારા મિત્રો (ફેસબુક ફ્રેન્ડ્સ)ની સંખ્યા એટલી બધી થઈ ગઈ કે જ્યારે તમે ફેસબુક ખોલો છો ત્યારે તમને કોઈ બીજાઓની પૉસ્ટ જ જોવા મળે છે. તમે સ્ક્રૉલિંગ કરી કરીને થાકી જાવ પણ તમને તમારા વહાલા વ્યક્તિની પૉસ્ટ દેખાતી નથી. હવે તમારી વહાલી વ્યક્તિ તો તમારી પૉસ્ટને લાઇક કરે છે, તેના પર કૉમેન્ટ પણ આપે છે, પરંતુ તમને તેની પૉસ્ટ દેખાતી જ નથી, તો તમે લાઇક કે કૉમેન્ટ કેવી રીતે કરી શકવાના. કાં તો તમારે સર્ચમાં જઈને તમારી વહાલી વ્યક્તિનું નામ ટાઇપ કરવું જોઈએ અને પછી તેણે શું મૂક્યું છે તે તપાસી શકાય.

પરંતુ ‘સી ફર્સ્ટ’ સુવિધા હેઠળ તમારે આવું ટાઇપ કરવાની મગજમારી કરવાની જરૂર નથી. એક વાર તમે તમારા પ્રિય વ્યક્તિની કે કોઈ પૅજની પસંદગી કરી લીધી પછી તેની પૉસ્ટ આપોઆપ તમારી ટાઇમલાઇનમાં ઉપર દેખાવા લાગશે. જો તમારે જાસૂસી કરવી હશે તો પણ કરી શકશો અને જો સામેવાળાની તમારા વિશે ફરિયાદ હશે કે તમે તેમની પૉસ્ટ જોતા જ નથી તો તે જોઈ શકશો.

ફેસબુક આ સુવિધા શા માટે લાવી? કંપનીનું એક જ લક્ષ્ય હતું કે વપરાશકાર જે વાંચવા કે જોવા માગે તેમને તે જ મળે. ન્યૂઝ ફીડ ફેસબુકનો અભિન્ન હિસ્સો છે, જેને નજરઅંદાજ ન કરી શકાય. ફેસબુકનો ઉપયોગ કરવાના અનુભવમાં ન્યૂઝ ફીડ સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે. તેવામાં કંપની આ સુવિધા વપરાશકારને નિયંત્રણ આપવા માટે લાવી. તેનાથી વપરાશકારો પોતે જ નિયંત્રણ કરી શકે છે તેમને કોને અને શેને ફૉલો કરવું છે.

કઈ રીતે આ સુવિધાનો ઉપયોગ કરી શકાય?

તેનાં પગલાં આ પ્રમાણે છે. પહેલાં તો ન્યૂઝ ફીડ પ્રેફરન્સમાં See Firstનો ઉપયોગ કરવા માટે

– Prioritize  પર ક્લિક કરો.

– કોઈ વ્યક્તિ કે પૅજની પસંદગી કરો.

પ્રૉફાઇલ કે પૅજથી See First નો ઉપયોગ કરવા માટે:

-જો તમે પૅજ કે પ્રૉફાઇલને ફૉલો નથી કરી રહ્યા તો કવર ફૉટો પાસે Follow પર ક્લિક કરો.

-કવર ફૉટો પાસે Following અથવા Liked પર ક્લિક કરીને See Firstને સિલેક્ટ કરી લો.

ઘણી વાર વપરાશકારો ન્યૂઝ ફીડમાં ઘણા પ્રકારની પૉસ્ટ જુએ છે, પરંતુ તેમને પોતાની પસંદગીની વ્યક્તિ કે પૅજની પૉસ્ટ નથી દેખાતી. તેથી સમય બગાડવાના બદલે ફેસબુક બંધ કરી દે છે. ઘણી વાર ફેસબુક છોડી પણ દે છે. આવામાં See First સુવિધા કામમાં આવે છે.