સાવધાન! સૉશિઅલ મીડિયાથી કારકિર્દીને ફટકો

બ્રિટનના પત્રકાર અને કૉમેન્ટેટર ટૉબી યંગે યુનિવર્સિટી રેગ્યુલેટર ઑફિસ ફૉર સ્ટુડન્ટ્સ (ઓએફએસ)માંથી રાજીનામું આપવું પડ્યું. કારણ? તેણે ઘણી અપમાનજનક ટીપ્પણીઓ કરી નાખી તે પછી તેની સામે હોબાળો થયો હતો. શ્રમિક વર્ગના વિદ્યાર્થીઓ, વિકલાંગ લોકો, મહિલાઓ અથવા સમાવેશકતા વિશેના તેના ભૂતકાળના કેટલાક નિવેદનો અનેક લોકોને ઉશ્કેરણીજનક લાગ્યાં હતાં, જેના લીધે તે તેના સરકારી પદ માટે અયોગ્ય બની ગયાં હતાં.ટ્વિટર પર તેણે કેટલીક ટીપ્પણીઓ એવી કરી હતી કે જે સ્ત્રીઓ વિરોધી હતી. તે વિવાદાસ્પદ બની ગઈ. યંગે ઑએફએસ પર તેની નિમણૂક પછી પોતાનાં ઘણાં ટ્વીટ ડિલીટ કરી નાખ્યાં, પરંતુ એક વાર ટ્વીટ કરી નાખો પછી તેનો કોઈ અર્થ રહેતો નથી. તીર કમાનમાંથી છૂટ્યા પછી પાછું ખેંચી શકાતું નથી. યંગ સાથે પણ આવું જ થયું.

સરકારી પદ માટેના ઉમેદવારને તેના સંવેદનહીન કે અપમાનજનક ટ્વીટ માટે તકલીફ પડી હોય તેવું આ પહેલી વાર નથી બન્યું. વર્ષ ૨૦૧૬માં પણ અનેક અધિકારીઓએ ટ્વિટર તોફાન સર્જ્યા હતા અને તેના કારણે તેમની કારકિર્દીનો અંત આવ્યો હતો. તેમાંના એક બ્રિટનના લેબર પક્ષના સાંસદ જેર્ડ ઓ મારા હતા. તેમને તેમના પક્ષે સસ્પેન્ડ કરવા પડ્યા હતા. કારણ? તેમણે ઑનલાઇન અભદ્ર સંદેશા મૂક્યા હતા તેવું બહાર આવ્યું હતું. અમેરિકાના સેનેટર બિલ કિટનરને સ્ત્રીઓની કૂચની મજાક કરતા એક સંદેશાને રિટ્વીટ કરવાનું ભારે પડ્યું હતું અને પદ પરથી ઉતરી જવું પડ્યું હતું.

અરે! દેખીતી રીતે નિર્દોષ લાગતી તસવીરો પણ ચિંતાનું કારણ હોઈ શકે છે. કેનેડાના ઇન્ડૉનેશિયાના રાજદૂતને મ્યાંમારના દરિયાકિનારાની તસવીરો ટ્વીટ કરવા માટે ઠપકો મળ્યો હતો. તેમાં કેપ્શન દરિયા કાંઠાનો વખાણ કરતી હતી. પરંતુ તેમાં વખાણ કરતાં લખ્યું હતું કે બીચ સ્નૉર્કેલિંગ (શ્વાસ નળી લગાવીને દરિયામાં ડૂબકી મારવી) માટે પર્ફેક્ટ છે. જોકે મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમોની કટોકટીની જે કથા ઉભરીને આવી છે તેની તસવીરોના આ વિરોધાભાસમાં હતી.

આમ, સૉશિયલ મિડિયા પર વિવાદજનક ટીપ્પણીઓથી કારકિર્દી સમાપ્ત થઈ શકે છે અથવા તો તેનાથી કારકિર્દીને ફટકો પડી શકે છે. આ ટીપ્પણીઓ બેકાળજીથી કરવામાં આવી હતી કે નહીં તેનું કોઈ મહત્ત્વ નથી. તે જાહેરમાં કરવામાં આવી હતી કે ગણ્યાગાંઠ્યા મિત્રોની વચ્ચે, તેનું પણ કોઈ મહત્ત્વ નથી. બની શકે કે મિત્રો ગણાતી વ્યક્તિઓમાં જ કોઈ હિતશત્રુ છુપાયેલી હોય.

ઓ મારાએ ૨૦૦૪માં તેની ટીપ્પણો કરી હતી અને યંગનાં ટ્વિટર પરનાં નિવેદનો અનેક વર્ષો પૂર્વે કરવામાં આવ્યાં હતાં. યંગે હજારો ટ્વીટ કરી હતી અને તેના કેટલાંક ટ્વીટનો કોઈ સંગ્રહ પણ નથી.જોકે સૉશિયલ મિડિયાનું આ જોખમ માત્ર સરકાર કે ખાનગી ક્ષેત્રના ઉચ્ચ પદ પર બેઠેલી કે બેસવા માગતી વ્યક્તિઓ પૂરતું સીમિત નથી. સામાન્ય નોકરી માટે પણ આ જોખમ રહેલું છે. તેમના માટે કદાચ વધુ રહેલું છે તેમ કહીએ તો ખોટું નથી.

કંપનીઓ હવે નોકરી માટે અરજી કરનારાઓની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે અને તેના લીધે કેટલાક ઉમેદવારોને નકારી પણ કાઢે છે.  માત્ર નોકરી સાથે સંબંધિત સૉશિયલ મિડિયા વેબસાઇટનો જ તેમાં સમાવેશ નથી થતો- પરંતુ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની પણ ચકાસણી કરવામાં આવે છે. કઢંગી તસવીરો, અપમાનજનક સંદેશાઓ, કેટલાંક જૂથોનું સભ્યપદ અથવા જૈવિક માહિતી જે ઉમેદવાર દ્વારા આપવામાં આવેલી માહિતી સાથે સુસંગત ન થતી હોય તે બધાંના કારણે ઉમેદવારને નોકરી ન મળે તેવું બની શકે અથવા તો નોકરીમાંથી હાથ ધોવો પડે તેવું પણ બને.

ઉમેદવારની સૉશિયલ મિડિયા પ્રૉફાઇલની સંખ્યા પણ સમસ્યાજનક હોઈ શકે. દા.ત. કેટલીક કંપનીઓ પ્રૉફાઇલની ચોક્કસ સંખ્યાને નોકરીમાંથી ફટાફટ કૂદાકૂદ (એક કંપનીમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી) કરવાવાળી માને છે અને તેમને નોકરી માટેની સંભવિત યાદીમાંથી બાકાત કરી નાખે છે કારણકે તેઓ વિચારે છે કે આ ઉમેદવાર આપણી કંપનીમાં ટકશે નહીં.