આખા દેશે ટ્વિટર પર ખીચડીના ટ્વીટ રાંધ્યાં

હમ્પ્ટી ડમ્પટી, જેક એન્ડ જિલ, જૉની જૉની યસ પપ્પા અને ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટારના સમયમાં આજે બાળકોની પેઢીને કોઈ ચકીચકાની વાર્તા કહેતું હશે કે કેમ? આવડતી હોય તો કહે ને. પશ્ચિમી આંધી એટલી છે કે તેમાં આપણું બધું સારું વિસરાઈ ગયું છે. તો ચાલો વાર્તા માંડીએ.

એક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો ખીચડી રાંધી…

ના, ના. આખી વાર્તા નથી લખવી. પણ આ વાર્તામાં કેન્દ્રસ્થાને ખીચડી છે. ખીચડી. આપણું રોજનું રાતનું ભોજન. ખીચડી અને દૂધ મળી જાય એટલે ભયો ભયો. ખીચડી અને છાશ મળી જાય તોય પરમ તૃપ્તિનો ઓડકાર આવે. પણ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા નામનો ત્રણ દિવસનો કાર્યક્રમ દિલ્લીમાં યોજાયો. તેમાં ગણમાન્ય પાકકળા નિષ્ણાત સંજીવ કપૂરના નેતૃત્વમાં ૯૧૮ કિગ્રા ખીચી રંધાઈને વિશ્વ વિક્રમ બન્યો. લોકોની હાજરીમાં ખીચડી બનાવાઈ. પૌષ્ટિક એવી ખીચડીને કદાચ રાષ્ટ્રીય ભોજન જાહેર કરાશે તેવી વાત વહેતી થઈ ને પછી તો શું? ટ્વિટરવાસીઓ મંડી પડ્યા. કેટલાકે વિરોધ કર્યો તો કેટલાકે તરફેણ કરી. કેટલાંક હંમેશાં રાષ્ટ્રવાદના વિરોધમાં હોય છે એટલે કોઈ પણ સારી વાતને રાષ્ટ્ર સાથે જોડવામાં આવે ત્યારે તેની ભદ્દી મજાક ઉડાવતાં હોય છે.

આવા લોકોમાં પહેલો નંબર અબ્દુલ્લા પરિવારનો આવે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા તો પાકિસ્તાનની તરફેણ કરવા માટે જાણીતા છે. તો તેમના દીકરા અને પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા પણ કેમ બાકાત રહે? તેમણે ટ્વીટ કર્યું:

જ્યારે પણ આપણે ખીચડીને ખાતી જોઈએ ત્યારે ઊભા રહેવું પડશે? ફિલ્મ જોતાં પહેલાં તે ખાવી ફરજિયાત છે? તેને જો પસંદ ન કરતા હોઈએ તો શું રાષ્ટ્રવિરોધી ગણાશું?

અભિનેતા અક્ષયકુમાર ખેડૂતો માટે, સૈનિકો માટે સારું કામ કરે છે, પણ તેની પત્ની ટ્વિન્કલ ખન્ના લિબરલ છે. તેના વિચારો જુદાં છે. તેણે તો વળી ખીચડી અને વંદેમાતરમ્ ગીત ભાજપના નેતા ન ગાઈ શક્યાં તે બે વાતને જોડી દીધી અને લખ્યું:

હસવું રોકી શકતી નથી. નવી રાષ્ટ્રીય વાનગી- ખીચડી અને આ સૂરીલા સદગૃહસ્થ દ્વારા વંદેમાતરમ્નું ખીચડી વર્ઝન.

ROFLIndianએ લખ્યું કે જો ખીચડીને રાષ્ટ્રીય ભોજનનો દરજ્જો મળતો હોય તો ઘી, દહીં, પાપડ અને અથાણાંને તાત્કાલિક રાષ્ટ્રીય મિત્રોનો દરજ્જો ઘોષિત કરવો જોઈએ.

Soham1303એ એવું સૂચન કર્યું કે ભારતનો રાષ્ટ્રીય ખોરાક ઢોંસા હોવો જોઈએ કારણ કે તે સમગ્ર ભારતમાં ખવાય છે તેમ જ શાકાહારી અને માંસાહારી બંને વર્ગ તેને પસંદ કરે છે.

જોકે ખીચડીની તરફેણમાં લખતાં લોકોની સંખ્યા નાનીસૂની નહોતી. ઉલટું વધુ જ હતી.

Dravalએ લખ્યું કે ખીચડીને ભારતના રાષ્ટ્રીય ખોરાક તરીકે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમાં લોકોને પેટમાં કેમ દુઃખે છે? દરેક વર્ગ (નીચલો/મધ્યમ/ઉચ્ચ)ના લોકો તે ખાય છે.

દુષ્યંત પ્રસાદ નામના એક ભાઈએ લખ્યું કે ખીચડી મારી માનીતી વાનગી છે અને તે ભારતનું રાષ્ટ્રીય ખાણું બનવા જઈ રહ્યું છે. હું ખીચડી પાર્ટી રાખવાનું આયોજન કરી રહ્યો છું.

@VaanarMukhiએ લખ્યું કે ખીચડી સૌથી સ્વાદિષ્ટ ખાણું છે.

રૂબી ગુપ્તાએ લખ્યું કે ખીચડી ખોરાકના વિશ્વમાં તેને જે દરજ્જો મળવો જોઈએ તે મેળવી રહી છે. તેનાથી મને આનંદ છે. મારી ગમતી ખીચડી છે- બાજરાની ખીચડી અને બીજી બીરબલની ખીચડી. (ચકીચકાની જેમ જેમણે બીરબલની ખીચડીની વાર્તા સાંભળી હશે કે વાંચી હશે તે આ સમજી શકશે.)

શિલ્પી તિવારી નામની એક ટ્વિટરવાસીએ લખ્યું કે તમારામાંથી કેટલાંએ ખીચડી ચાખી છે? અને તમારી માનતી ખીચડી કઈ છે? આમ કહી તેણે ખીચડી આખા ભારતમાં ખવાય છે તેનો નકશા સાથે ફોટો મૂક્યો (જે અત્રે પ્રસ્તુત છે) તેમાં કયા પ્રદેશમાં કઈ ખીચડી ખવાય છે તેની રસપ્રદ વિગત આપેલી હતી. આ એક ટ્વીટ અને ફોટા દ્વારા તેણે ઘણું કહી દીધું.