ચૂંટણી વખતે સોશિયલ મિડિયા પર રાખો આ સાવધાનીઓ

સોશિયલ મિડિયા એ બેધારી તલવાર જેવું છે. તેનો સદુપયોગ પણ કરી શકાય અને દુરુપયોગ પણ કરી શકાય. પરંતુ ઘણી વાર તેના લીધે લોકોમાં નિરાશા પણ જોવા મળે છે. આથી સોશિયલ મિડિયાને તમારા ફાયદામાં કેવી રીતે વાપરી શકાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચુકી છે. આ વખતની ચૂંટણીમાં સોશિયલ મિડિયા વૉર જામશે, જેમાં પણ કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. દરેક પક્ષો સોશિયલ મિડિયાનો સહારો લેશે, અને ચૂંટણી જંગને વધુ મજબૂત રીતે લડશે.  ફેસબુક પર તમે તમારી રીતે સ્વતંત્ર પૉસ્ટ લખતા હો તો લખતી વખતે એકએક શબ્દ કાળજીપૂર્વક પસંદ કરો. ભાષાશુદ્ધિ મહત્ત્વની છે. ળના બદલે ડ જેવી ઘણી ભૂલો થતી હોય છે. ગુજરાતીમાં ળના બદલે ડ લખવાથી અર્થ બદલાઈ જતો હોય છે. પાળવું એટલે પ્રાણી પાળવા. તેમને વહાલથી ઉછેરવા. પાડવા એટલે એક ચીજ જ્યાં હોય ત્યાંથી તેને નીચે પાડીએ તે પાડવું કહેવાય. તમે ગુજરાતીમાં લખો કે અંગ્રેજીમાં, કી બૉર્ડમાં પ્રિડિક્ટિવ, ઑટો કરેક્શનના વિકલ્પો ઑન હોય તો લખીને એક વાર વાંચી લો કે ફૉને પોતાની રીતે ખોટું ટાઇપ નથી કરી નાખ્યું ને. દા.ત. તમે નરેન્દ્ર પટેલ લખવા માગતા હો પણ નરેન્દ્ર મોદી આવી જાય તેવું બને. ઉપરાંત ગૂગલના ઇનપૂટ ટૂલમાં ટાઇપ કરતા હો તો ધ્યાન રાખો કે તેમાં અંગ્રેજીમાં સ્પેલિંગ લખતાં નીચે વિકલ્પો આવતા હોય છે. કેટલીક વાર તે પોતાની મેળે પણ ધારી લે છે. તમે નરેન્દ્ર લખવા માગતા હો પણ નરેન્ડ્ર ટાઇપ થઈ જાય કારણકે અંગ્રેજીમાં ડી માટે ગુજરાતીમાં દ અને ડ બંને છે. આ જ રીતે dhનો ઢ અને ધ બંને લઈ લેતા હોય છે.

પૉસ્ટમાં લખતી વખતે કોઈ વ્યક્તિ, કોઈ સમુદાય, કોઈ વિપંથી સમુદાયની લાગણી ન દુભાઈ જાય તે રીતના શબ્દો વિચારો પસંદ કરજો. હિંસા અને બીભત્સતાવાળી પૉસ્ટ પર તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. ફેસબુક તમારી પૉસ્ટને ડિલિટ કરી શકે છે.

કોઈને પૂછ્યા વગર તેમના ફોટા પાડવા અને તે પછી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઅપ પર મૂકવા તે પણ અયોગ્ય છે અને કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. આથી તેનાથી ચેતજો. તમારી પૉસ્ટ પર આવકવેરા ખાતાની પણ નજર હોય છે. એટલે તમારી સંપત્તિ, તમારા નાણાંની શક્તિનું વરવું પ્રદર્શન ટાળજો. ઉપરાંત સોશિયલ મિડિયા પર કોઈની પૉસ્ટ પર તમે અસંમત હો અને તમારે તમારા વિચારો વ્યક્ત કરવા હોય તો નમ્ર અને સંયમિત ભાષામાં વિરોધ વ્યક્ત કરજો. દલીલ બહુ લંબાતી લાગે અને સામેવાળી વ્યક્તિ પોતાના વિચારો પર મક્કમ હોય તો તેને જવાબ આપી દેખાડી દેવા માટે સતત દલીલો કર્યા ન રાખો. તેનાથી તમારા સંબંધો બગડી શકે છે. સંબંધોના ભોગે વિરોધ ન કરશો.

ફેસબુક પર ધ્યાન ખેંચવા માટે ટેગનો વિકલ્પ છે. પરંતુ દરેક પૉસ્ટમાં ટેગ કરવાથી ટેગ કરાયેલી વ્યક્તિ ચિડાઈ શકે છે. માટે ટેગનો વિકલ્પ નાછુટકે જ વાપરો. આ જ રીતે વૉટ્સએપમાં પણ બે-પાંચ મિનિટમાં આવેલા અઢળક સંદેશાઓ કોઈ ગ્રૂપમાં નાખો તો બને કે ગ્રૂપમાં રહેલી બીજી વ્યક્તિઓના ફૉન હૅંગ થઈ શકે અને તેના લીધે તમને ચેતવણી મળે. બને કે તમારે ગ્રૂપમાંથી બહાર નીકળવું પડે. ગ્રૂપના લોકો સાથે સંબંધમાં ખટાશ આવે. ઉપરાંત વહેલી સવારે કે મોડી રાત્રે બને તો અગત્યના સંદેશાઓ સિવાયના સંદેશાઓ કરવાનું ટાળો.

અને અગત્યના સંદેશાઓ પણ બને તો એસએમએસથી જાણ કરો. કારણકે બધાનો ઇન્ટરનેટ ડેટા બધો સમય ચાલુ હોય તે જરૂરી નથી. વધુ હિતાવહ તો એ જ છે કે અગત્યની વાત ફૉન કરીને જ જાણ કરો. પરંતુ જો વ્યક્તિ ફૉન ન ઉપાડે તો પછી એસએમએસ કરવું વધુ સારું છે કારણકે વ્યક્તિ મીટિંગમાં હોય, ડ્રાઇવિંગ કરતી હોય કે જમતી હોય તો તમારો ફૉન ન પણ ઉપાડી શકે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બુધવારે તા. ૨૫ ઑક્ટોબરના રોજ થઈ ગઈ. એટલે આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. આથી કોઈ સાંપ્રદાયિક કે જ્ઞાતિવાદી, ઉશ્કેરણીજનક લખાણ કે પૉસ્ટ ન મોકલો. કોઈએ ફોરવર્ડ કરેલી પોસ્ટની ખરાઈ કરવી જરૂરી છે, પછી તે પોસ્ટ બીજાને પોસ્ટ કરવી. નહી તો ખોટા મેસેજ ફરતા રહેશે. એક જાગૃત નાગરિક તરીકે તમારે પહેલ કરવી રહી. ચૂંટણીના સમયમાં સોશિયલ મિડિયામાં કેટલાય ગપગોળા ફેલાશે, જેથી ખુબ જ સાવધાની રાખવી જરૂરી છે.