ટ્રેનની અંદર પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે

ભારતીય રેલવેએ પોતાના પ્રવાસીઓની સુવિધાનો શક્ય એટલો વધારે ખ્યાલ કરવાનું નક્કી કર્યું છે. એ માટે એણે બે મહત્વના પગલાં લીધા છે. એક, પ્રવાસીઓને હવે ટ્રેનની અંદર જ કેશલેસ સુવિધા આપવાની અને બીજું, એકલી મહિલા પ્રવાસીને એની પાસે ટિકિટ ન હોય તો પણ ટ્રેનમાંથી નીચે ઉતારી દેવી નહીં.

ધારો કે તમે ટ્રેનમાં ચડી ગયા અને તમારી પાસે પૈસા નથી, પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હશે તો એના દ્વારા તમે ટિકિટનું પેમેન્ટ કરી શકશો. એટલું જ નહીં, ટ્રેનમમાં તમે ચા, કોફી, નાસ્તો અને પાણીની બોટલ ખરીદવા માગતા હશો તો એ માટે પણ તમારે કેશ ચૂકવવાનું ફરજિયાત નહીં રહે. તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકશો.

આ પેમેન્ટ તમે ચાલુ ટ્રેને પીઓએસ એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન મારફત કરી શકશો. આમ, ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (ટીટીઈ) અને ટિકિટ ચેકર પણ હવે એક હાથમાં ટેબ અને બીજા હાથમાં પીઓએસ મશીન રાખતા થઈ જશે.

રાજધાની ટ્રેનોમાં તો આ નિયમની શરૂઆત કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ પેન્ટ્રી કાર ધરાવતી સામાન્ય ટ્રેનોમાં પણ પ્રવાસીઓને આ સુવિધાનો લાભ મળતો થઈ જશે.

રેલવે અધિકારીઓને એવું જાણવા મળ્યું કે ઘણી વાર ટ્રેનમાં સફર કરતા પ્રવાસીઓ રોકડ નાણાં ન હોવાને કારણે ચા, કોફી કે નાસ્તો ખરીદી શકતા નથી હોતા. એમની સુવિધાનો ખ્યાલ કરીને હવે ટ્રેનોમાં કેશલેસ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

પ્રવાસીઓ ભીમ એપ અને પેટીએમ મારફત ટ્રેનની અંદર પેમેન્ટ કરી શકશે. એ માટે પ્રવાસીને બિલ પણ આપવામાં આવશે. આનો એક ફાયદો એ થશે કે વેન્ડર્સ યાત્રીઓ પાસેથી ચીજવસ્તુઓ માટે વધારે પૈસા લઈ નહીં શકે.

એવો કડક નિયમ ઘડવામાં આવ્યો છે કે જે કોઈ વેન્ડર ટ્રેનમાં પ્રવાસીને પીઓએસ મારફત પેમેન્ટ કરવાની સુવિધા નહીં આપે એની IRCTC દંડ વસૂલ કરશે. સાથોસાથ, કેશલેસ સુવિધા સંબંધિત એક હેલ્પલાઈન નંબર પણ ઈસ્યૂ કરાશે. એની પર ગ્રાહક સેવા વિશે ફીડબેક આપવા ઉપરાંત ફરિયાદ પણ નોંધાવી શકશે.

ટિકિટ વગર એકલી સફર કરતી મહિલાયાત્રીને ટ્રેનમાંથી ઉતારી નહીં શકાય

એવી જ રીતે, ટિકિટ ચેકર કોઈ પણ એકલી મહિલા ટિકિટ વગર મુસાફરી કરતી હશે તો પણ એને ટ્રેનમાંથી નીચે ઉતારી નહીં શકે. રેલવે વહીવટીતંત્ર તરફથી ટિકિટ ચેકરોને આ વિશે કડક સૂચના-આદેશો આપી દેવામાં આવ્યા છે. રેલવે બોર્ડે ત્રણ દાયકા જૂના આ નિયમને હવે સખ્તાઈપૂર્વક લાગુ કરવાનું નક્કી કર્યું છે. કહેવાય છે કે, આ કાયદા વિશે ઘણા રેલવે કર્મચારીઓ – એટલે કે ટિકિટ ચેકરો, ગાર્ડ અને સ્ટેશન માસ્તરોને તેમજ મહિલા યાત્રીઓને પણ ખબર નથી.

રેલવે બોર્ડે આદેશ જારી કર્યો છે કે એકલી સફર કરતી કોઈ પણ મહિલા યાત્રીને કોઈ પણ સ્ટેશન પર ઉતારી દેવાથી એની સાથે અણધારી આફત આવી પડી શકે છે. એવી સ્ત્રીઓની સલામતી માટે 1989માં કાયદો ઘડવામાં આવ્યો હતો, પણ રેલવેકર્મીઓ જ એને ભૂલી ગયા છે. હવે રેલવે વહીવટીતંત્ર ખાસ ઝૂંબેશ ચલાવીને આ કાયદાને સખ્તાઈપૂર્વક લાગુ કરવાનું છે.

કાયદાનુસાર, આરક્ષિત (રિઝર્વ્ડ) કોચમાં વેઈટિંગ લિસ્ટમાં નામ ન હોય એવી એકલી સ્ત્રીને પણ ડબ્બામાંથી ઉતારી શકાશે નહીં. ધારો કે મહિલા સ્લીપર ટિકિટ પર એસી-3માં સફર કરતી હોય તો ટીટીઈ એને સ્લીપરમાં જવાની વિનંતી કરી શકશે, પણ એ મહિલા સાથે દમદાટી કે જબરદસ્તી કરી નહીં શકે.

ઉલ્લેખનીય છે કે, રેલવેએ 2018-19 વર્ષના મહિલા સશક્તિકરણ વર્ષ ઘોષિત કર્યું છે. રેલવે મેન્યુઅલ અનુસાર, એકલી સફર કરતી મહિલાયાત્રી પાસે ટિકિટ ન હોય તો એને ગમે તે સ્ટેશન પર નીચે ઉતારી શકાશે નહીં. એવા કેસમાં, ટિકિટ ચેકરે જિલ્લા મુખ્યાલયના સ્ટેશન પર કન્ટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે. એ સ્ટેશનેથી એ મહિલાને બીજી ટ્રેનમાં ટિકિટની સાથે બેસાડવાની જવાબદારી જીઆરપી મહિલા કોન્સ્ટેબલની રહેશે.