‘૧૯માં ભારત લોન્ચ કરશે ૩૨ અવકાશયાન…

ભારત 2019ના વર્ષમાં 32 સ્પેસ મિશન્સ લોન્ચ કરવા ધારે છે. આ જાણકારી ઈન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં ચેરમેન કે. સિવને આપી છે.

સિવને નવા વર્ષના આરંભ નિમિત્તે એમના કર્મચારીઓને મોકલેલા એક સંદેશામાં જણાવ્યું છે કે 2019નું વર્ષ ઈસરો સંસ્થા માટે પડકારજનક રહેવાનું છે, કારણ કે આ વર્ષમાં આપણે 32 મિશન્સ પાર પાડવાના રહેશે.

આ સ્પેસ મિશન્સમાં દ્વિતીય ચંદ્ર યાનનો પણ સમાવેશ થાય છે. ભારત આ જ વર્ષમાં ચંદ્રની ધરતી પર ‘ચંદ્રયાન-2’ ઉતારવાનું છે.

રૂ. 800 કરોડના અંદાજિત ખર્ચવાળું ‘ચંદ્રયાન-2’ મિશન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાસ્થિત સ્પેસ પોર્ટના દ્વિતીય લોન્ચ પેડ પરથી અંતરિક્ષમાં લોન્ચ કરાનાર 25મા નંબરનું મિશન હશે.

ભારત 2021-22માં તેનું પ્રથમ માનવસહિત અવકાશયાન ‘ગગનયાન’ અંતરિક્ષમાં મોકલવાનું છે. એ પ્રોજેક્ટનો આરંભ આ જ વર્ષમાં કરાવાનો છે.

સિવને કર્મચારીઓને જણાવ્યું છે કે ‘ગગનયાન’ને લગતી પ્રવૃત્તિઓનો આરંભ આ જ વર્ષમાં પૂરી શક્તિ સાથે કરવામાં આવશે.

ભારતની બેન્ડવિથ જરૂરિયાત વધી રહી છે અને GSAT-20ના લોન્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની બેન્ડવિથ જરૂરિયાતને પહોંચી વળવા તેમજ વિમાન મુસાફરોને ઈન-ફ્લાઈટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

દેશમાં ખેતઉત્પાદન વધે એ માટે સરકાર પ્રયત્નશીલ છે અને સ્પેસ એજન્સી ઈસરો એમાં સરકારને મદદરૂપ થવાની છે. ઈસરો સંસ્થા રીમોટ સેન્સિંગ ડેટાને વધુ શક્તિશાળી બનાવશે. એ દ્વારા તે ખેતીવાડી માટે પાણી પુરવઠા અને વીજપુરવઠાની સુરક્ષા મામલે મહત્ત્તવની માહિતી પૂરી પાડશે.

જિઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જીએસએલવી)ની વજનદાર સેટેલાઈટ ઉઠાવવાની અને અંતરિક્ષમાં મૂકવા માટેની ક્ષમતાને પણ વધારવામાં આવશે.

ભારતીય સ્પેસ કાર્યક્રમના સ્થાપક એવા વિક્રમ સારાભાઈની જન્મશતાબ્દિ નિમિત્તે ઈસરો સંસ્થા 12 ઓગસ્ટથી એક વર્ષ લાંબા ઉજવણી કાર્યક્રમનુું આયોજન કરવાની છે, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમોનું આયોજન કરાશે, તેમજ યુનિવર્સિટીઓ ખાતે ફેલોશિપ્સ તથા સ્કોલરશિપ્સ આપવામાં આવશે.

વીતી ગયેલા 2018ના વર્ષમાં ઈસરો સંસ્થાએ 16 સ્પેસ મિશન્સ પાર પાડ્યા હતા. એ સિદ્ધિ 35 દિવસોમાં હાંસલ કરવામાં આવી હતી. એમાં 3,423 કિલોગ્રામ વજનના GSAT-29 સેટેલાઈટનો સમાવેશ થાય છે, જે ઈસરોએ લોન્ચ કરેલો અત્યાર સુધીનો સૌથી વજનદાર સેટેલાઈટ હતો. તેને 14 નવેંબરે લોન્ચ કરવામાં આવ્યો હતો.