ટેગ વગર પણ તમારો ફોટો મૂકાશે તો જાણ થશે

ફેસબૂકે તાજેતરમાં જાહેરાત કરી છે કે જ્યારે તેના વપરાશકારોની તસવીરો સૉશિઅલ નેટવર્ક પર કોઈ પણ જગ્યાએ પૉસ્ટ થશે ત્યારે તેમને જાણ થઈ જશે. આ ખૂબ જ સારી વાત છે. તમારી જાણ બહાર કોઈ તમારી તસવીરો મૂકી દે અને તે જો બદઈરાદાથી હોય તો તેનાથી તમે મુશ્કેલીમાં મૂકાઈ જાવ તેવું બની શકે છે. ઘણા લોકોને આ ફરિયાદ રહેતી હોય છે. તો ઘણા ફોટોગ્રાફરો કે ઘણી વેબસાઇટની તસવીરો પણ લોકો વાપરતા હોય છે. ઘણી તસવીરો ખોટા સંદર્ભમાં વપરાતી હોય છે. દા.ત. ઘટના ગુજરાતની હોય પણ તસવીર કેરળની હોય તેવું બને.ફેસબૂકે આ જાહેરાત કરી છે, પરંતુ તેનું અમલીકરણ કઈ રીતે થાય છે તે જોવું રહ્યું. ફેસબૂકનું નૉટિફિકેશન વૈકલ્પિક નવા ટૂલ્સ પર આધાર રાખશે જે ચહેરાને ઓળખવાની ક્ષમતાને અંકે કરશે.

જ્યારે વપરાશકારોની તસવીરો સૉશિઅલ નેટવર્ક પર પૉપ અપ થશે ત્યારે તેમને નૉટિફિકેશન મળી જશે તેમ એપ્લાઇડ મશીન લર્નિંગના ડિરેક્ટર જોએક્વિન ક્વિનોનેરો સેન્ડેલાનું કહેવું છે. તેઓ કહે છે, “તમે કોઈ ફોટામાં છો અને તે પૉસ્ટમાં દર્શકોના ભાગ છો તો અમે તમને જાણ કરશું, પછી ભલે તમને ટેગ ન કરવામાં આવ્યા હોય.”

આ ઘણી સારી બાબત છે, કારણકે ઘણી વાર લોકો કાર્યક્રમમાં ભાગ લેવા જાય છે. હવે ફેસબૂક અને વૉટ્સએપ-ઇન્સ્ટાગ્રામના કારણે ફોટા પડાવવાનું મહત્ત્વ વધ્યું છે, પરંતુ તમારો સામૂહિક ફોટો તો પડ્યો પરંતુ આયોજક તરફથી તે તમને મળ્યો નહીં. પરંતુ જો આયોજક તરફથી કે આયોજકે કોઈ મુખ્ય મહેમાનને તે મોકલી આપ્યો હોય તો તે મુખ્ય મહેમાન ફેસબૂક પર ફોટો મૂકે અને તેમાં તમે હો તો ફેસબૂક તમને જાણ કરી દેશે.

અગાઉ આવું કરવા માટે આયોજક કે મુખ્ય મહેમાન જો ફોટામાં જેટલા લોકો હોય તેને ટેગ કરે તો જ તે લોકોને જાણ થતી હતી, પરંતુ હવે ટેગ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. ફોટામાં રહેલા તમામ લોકોને ફેસબૂક જ નૉટિફિકેશન દ્વારા જાણ કરશે. સેન્ડેલાના જણાવ્યા મુજબ, સૉશિઅલ નેટવર્કમાં બીજે ક્યાંક તેમની તસવીરો મૂકાશે તો તેમાં ફેસબૂકના વપરાશકારોને ટેગ કરાશે અથવા જે લોકોએ તસવીરો મૂકી હશે તે અંગે ચિંતા વ્યક્ત કરી શકશે.

ફેસબૂકે પ્રૉફાઇલ ફોટામાં ફેસ રેકગ્નિશન ટૅક્નૉલૉજી લાગુ કરવાનું આયોજન કર્યું હતું જેથી લોકો બીજાની તસવીર મૂકી ખોટાં એકાઉન્ટ ન બનાવી શકે.

કેલિફૉર્નિયા સ્થિત કંપની ફેસબૂક પર તસવીરો અંગે પ્રજ્ઞાચક્ષુ લોકોને વધુ માહિતી આપવા માટે ટૅક્નૉલૉજીનો અમલ કરી રહી છે. જેન્ની લેહરર સ્ટેઇન જે ફેસબૂકને સ્વૈચ્છિક રીતે સલાહ આપે છે તેના મત મુજબ, નવી ફેસિયલ રેક્ગ્નિશન ક્ષમતાથી તેની દીકરીના તાજેતરના મોટા થવાના ફોટાને તે વધુ માણી શકશે. લેહરર સ્ટેઇને તે 46 વર્ષની હતી ત્યારે દૃષ્ટિ ગુમાવી હતી અને તે ફેસબુક પર ઑડિયો ટૂ ટૅક્સ્ટ સૉફ્ટવેરનો ઉપયોગ કરતી હતી. તેને ખબર છે કે દરેક ફોટામાં કોણ છે તે ખબર પડે તો કેટલી જાણકારી મળે છે અને તેનાથી કેટલો ફરક પડે છે. આ ટૅક્નૉલૉજીના કારણે તેને ફોટામાં પરિવારની ખાસ ક્ષણો ઝડપાઈ હોય તો તેના વિશે પૂરતી માહિતી મળી રહે છે.

આ નવા ફીચર ફેસબુક પર કેનેડા અને યુરોપીય સંઘને બાદ કરતાં દરેક જગ્યાએ લાગુ કરાઈ રહ્યાં છે. કેનેડા અને યુરોપીય સંઘમાં ફેસ રેક્ગ્નિશન ટૅક્નૉલૉજી લાગુ કરાતી નથી.

જોકે નૉટિફિકેશન સિસ્ટમની મર્યાદાઓ પણ છે. જો વપરાશકારો તેમના પીધેલી હાલતમાં તસવીરો ઈચ્છતા ન હોય તો તેઓ તેને ઓનલાઇન ડિલીટ કરી શકતા નથી. ગંભીર ઉલ્લંઘનો પણ થઈ શકે છે જેની સમીક્ષા કમ્યૂનિટી સ્ટાન્ડર્ડ અનુસાર કરવામાં આવશે.