હેન્ડસેટ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટી વધી ગઈ; એપલનું આવી બનશે

કેન્દ્ર સરકારે મોબાઈલ ફોન સહિત અનેક ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડ્યૂટી વધારી દીધી છે. આ નિર્ણયને કારણે એપલ કંપનીને મોટો ફટકો પડશે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ટેલિવિઝન, મોબાઈલ ફોન્સ, પ્રોજેક્ટર અને વોટર હીટર સહિત કેટલીક ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પરની કસ્ટમ્સ જકાત વધારી દીધી છે.

સરકારનો હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રોત્સાહન અપાવવાનો છે.

સરકારી નોટિફિકેશન અનુસાર, ટીવી સેટ પરની કસ્ટમ્સ ડ્યૂટી હાલની 10 ટકાથી વધારીને 15 ટકા કરી છે.

એવી જ રીતે, મોનિટર્સ અને પ્રોજેક્ટર્સ પરની જકાતને ડબલ કરીને 20 ટકા કરી દીધી છે.

પૂશ બટનવાળા ટેલિફોન કે મોબાઈલ ફોન પરની ડ્યૂટી 15 ટકા સુધી વધારી દેવામાં આવી છે જ્યારે વોટર હીટર અને હેર ડ્રેસિંગ સાધન પરની ડ્યૂટી ડબલ કરીને 20 ટકા કરી દેવામાં આવી છે.

ઈલેક્ટ્રિક ફિલામેન્ટ અને ડિસ્ચાર્જ લેમ્પ્સ જેવી અન્ય કેટલીક ચીજવસ્તુઓ પરની કસ્ટમ્સ ડ્યૂટી પણ વધારી દેવામાં આવી છે.

વિદેશોમાંથી કરાતી આયાતને ઘટાડવા અને સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવા માટે સરકારે ઈમ્પોર્ટ ટેક્સને વધારી દીધો છે.

હેન્ડસેટ્સ પરની ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરાતાં ફોનની આયાત કરવાનું મોંઘું થશે. આની સૌથી વધારે અસર એપલનાં આઈફોન મોડેલ્સને થશે.

ભારતની 10 અબજ ડોલરની સ્માર્ટફોન માર્કેટમાં એપલની કમાણીમાં ઘટાડો થયો છે એમાં સરકારનો ડ્યૂટી વધારવાનો નિર્ણય એપલ માટે વધારે નુકસાનકારક નિવડશે.

ભારતમાં દર વર્ષે 50 કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલાં આનાથી અડધા ભાગનું ઉત્પાદન થતું હતું.

2017ની સાલમાં દર 10 ફોનમાંથી 8 ફોન ભારતમાં જ બનાવવામાં આવ્યા હતા.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપની ભારતમાં તેનાં જે હેન્ડસેટ્સ વેચે છે એને ભારતમાં જ એસેમ્બલ કરે છે.

એપલ હાલ માત્ર આઈફોન SE મોડેલ્સને જ ભારતમાં એસેમ્બલ કરે છે અને બીજાં હેન્ડસેટ્સની આયાત કરે છે. એપલે તો ભારત સરકાર પાસેથી સુવિધાઓ અને ટેક્સમાં રાહતની માગણી કરી હતી. એને ભારતમાં પોતાનું ઉત્પાદન વધારવું છે, પણ હવે સરકાર એપલને સુવિધાઓ આપે એમ નથી.

સરકારનો આજનો નિર્ણય આયાત ઉપર નભતી મોબાઈલ ફોન કંપનીઓને મોટો ફટકો મારશે. એપલ કંપની ભારતમાં તેના જે ડીવાઈસીસ વેચે છે એમાંના 88 ટકાની આયાત કરે છે. હવે કંપની આઈફોનની કિંમત વધારી દેશે અથવા એને ભારતમાં જ વધુ હેન્ડસેટ્સનું એસેમ્બ્લિંગ કરવાની ફરજ પડશે.