“ધીરુભાઈનું જીવન ગીતા ઉપદેશથી ઉતરતું ન હતું”: અમિતાભ બચ્ચન

ધીરુભાઈ અંબાણી જન્મ જયંતિ વિશેષ

ભારતીય સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ધીરૂભાઈ અંબાણીના જીવનને શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે સરખાવ્યું. “આપણે ગીતા કેમ વારંવાર વાંચીએ છીએ? કારણ કે આપણે જેટલી વખત ગીતા વાંચીએ છીએ તેટલી વખત એક નવો સંદેશ, એક નવો વિચાર અને એક નવો ઉપદેશ મળે છે. ધીરૂભાઈનું જીવન પણ ગીતાના ઉપદેશથી ઉતરતું ન હતું,” એમ અમિતાભ બચ્ચને જણાવ્યું. તેમણે પોતાના ખરાબ સમયમાં ધીરૂભાઇની મદદ અને પીઠબળે તેમને કઇ રીતે પ્રેરણા આપી હતી તેનું વર્ણન કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ કર્જમાં ડૂબી ગયા હતા અને હાથ પર લગભગ કોઇ કામ ન હતું ત્યારે ધીરૂભાઈના શબ્દોએ તેમની કારકિર્દી અને મોભામાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ધીરૂભાઈ અંબાણીએ જીવનપર્યંત લાખો લોકોને આજીવન સહાય કરી હતી. લોકપ્રિય રીતે ધીરૂભાઈના નામે પ્રસિધ્ધ રિલાયન્સ જૂથના સ્થાપક અધ્યક્ષ ધીરજલાલ હિરાચંદ અંબાણી સર્વઆશ્લેષી હતા.સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પોરબંદરની નજીક આવેલું દરિયાકાંઠાનું ગામ ચોરવાડ પ્રાકૃતિક સૌંદર્ય અને નાળિયેરીના ઝાડની ગીચતા ધરાવતા દરિયાકિનારા માટે એક સમયે ખૂબ જ પ્રસિધ્ધ હતું. સમય જતાં, ચોરવાડ રિલાયન્સના સ્થાપક અધ્યક્ષ ધીરૂભાઈના વતન તરીકે દેશ અને વિદેશમાં ખ્યાતિ પામ્યું. ધીરૂભાઈ અને કોકિલાબેને એડન (હાલનું યેમન) જતાં પહેલાં પોતાનાં દાંપત્યજીવનની શરૂઆતનો કેટલોક સમય ચોરવાડમાં વિતાવ્યો હોવાથી બંનેને ચોરવાડ ખૂબ જ ગમતું હતું. તેથી જ સ્વાભાવિક રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ધીરૂભાઈ અંબાણી ફાઉન્ડેશને ચોરવાડના વિકાસમાં આગળ પડતી ભૂમિકા ભજવી છે.વેરાવળ-પોરબંદર હાઇવે પર આવેલાં ધીરૂભાઈ અંબાણી મેમોરીયલ હાઉસનું નિર્માણ ધીરૂભાઈ અંબાણીની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. આ સ્થળ અગાઉ “માંગરોળવાળો ડેલો” તરીકે ઓળખાતું હતું, જ્યાં ધીરૂભાઈએ તેમની યુવાવસ્થાનો કેટલોક સમય વિતાવ્યો હતો. તેમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા, જેમણે આ પરંપરાગત શૈલીમાં બંધાયેલા વિશાળ મકાનનો નાનકડો ભાગ ભાડા પર રાખ્યો હતો. આ મિલકત પછીથી 2002માં અંબાણી પરિવારે ખરીદી લીધી હતી. વિશાળ અને બારી ધરાવતા પ્રવેશદ્વાર તથા મકાનના બાહ્ય ઢાંચાને કોઇપણ ફેરફાર વગર જાળવી રાખવામાં આવ્યો છે.

ધીરૂભાઈ જ્યાં રહેતા હતા તે ભાગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા જર્મનસિલ્વર તથા તાંબાના વાસણો, ઘરની સામગ્રી, લાકડાનું રાચરચીલું વગેરે તેમાં ગોઠવવામાં આવ્યા છે. ગિર, સોમનાથ, જૂનાગઢ, દીવ અને પોરબંદરના પ્રવાસીઓ માટે ધીરૂભાઈ અંબાણી મેમોરીયલ એક નવા પ્રવાસી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. એક અંદાજ મુજબ દર મહિને સરેરાશ પાંચ હજાર કરતાં વધારે લોકો આ સ્થળની મુલાકાત લે છે અને ધીરૂભાઈના જીવનમાંથી પ્રેરણા મેળવે છે. મેમોરીયલ મંગળવારથી રવિવાર સુધી સવારે 9.30 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખૂલ્લું રહે છે. સોમવારના દિવસે મેમોરીયલમાં રજા રાખવામાં આવે છે.ધીરૂભાઈ અંબાણીએ લગભગ 40 વર્ષ પહેલાં માત્ર રૂ.1,000 જેટલી નજીવી રકમથી તેમના વ્યાવસાયિક સામ્રાજ્ય રિલાયન્સનો પાયો નાંખ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ કેપીટલાઇઝેશન આજે રૂ.6 લાખ કરોડથી પણ વધુ છે અને તેની તુલના વિશ્વની કોઇપણ બહુરાષ્ટ્રીય કંપની સાથે થઈ શકે છે, તેથી જ જો શ્રી મૂકેશ ડી. અંબાણી આ પ્રગતિનો યશ તેમના પ્રેરણાસ્ત્રોત ધીરૂભાઈ અંબાણીને આપતા હોય તો તેમાં કશું જ અસ્થાને નથી. આપણે જેમ ભગવદ્ ગીતાનું પઠન વારંવાર કરીએ છીએ, એજ રીતે અમે ધીરૂભાઈને વારંવાર યાદ કરતા રહીએ છીએ.અહેવાલપરિમલ નથવાણી

(રિલાયન્સ ઇન્ડ.લી.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ તથા રાજ્યસભાના સાંસદ છે)