નોટ આઉટ @ 92 : મહેન્દ્રભાઈ રતિલાલ મહેતા

92 વર્ષની ઉંમરે જૈન-શાસ્ત્રો કોમ્પ્યુટર ઉપર ડાઉનલોડ કરી તેનો નિયમિત અભ્યાસ કરે અને સાથે-સાથે પોતાનાં બેંકનાં કામો ઘેરથી કોમ્પ્યુટર ઉપર સરળતાથી કરે તેવા સ્ટ્રકચરલ એન્જિનિયર મહેન્દ્રભાઈ રતિલાલ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

તેમનો જન્મ બર્મા (બ્રહ્મદેશ)માં રંગુનથી થોડે દૂર આવેલા એક નાના ગામમાં. છ ભાઈ અને ત્રણ બહેનોનું બહોળું અને સુખી કુટુંબ. બાળપણનાં થોડાં વર્ષો બર્મામાં ગાળ્યાં પછી તેઓ રાજકોટ આવી દાદીમા સાથે રહ્યા અને મેટ્રિક પાસ કરી. બનારસ યુનિવર્સિટીમાં બે વર્ષ ભણ્યા અને પછી વિદ્યાનગરથી સિવિલ એન્જિનિયરિંગમાં બીઈ કર્યું. અમેરિકા જવાની બિલકુલ ઈચ્છા નહીં, પણ તેમના વિદ્યાનગરના મિત્રોને અમેરિકા જવાની ઈચ્છા હતી. બધાએ જરૂરી ફોર્મ મંગાવ્યાં. જોડે મહેન્દ્રભાઈનું  ફોર્મ પણ મંગાવ્યું. તેમણે ફોર્મમાં માત્ર સહી કરી…… બીજા કોઈ મિત્રો તો અમેરિકા ગયા નહીં પણ તેઓ અમેરિકા પહોંચી ગયા! પર્ડ્યુ યુનિવર્સિટીમાંથી એમ.એસ. કર્યું અને ઈલીનોઈ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. કર્યું. લાંબો સમય દેશ અને પરદેશ (યુએસએ અને કેન્યા) માં કન્સલ્ટિંગ સ્ટ્રકચરલ સ્પેશિયાલિસ્ટ તરીકે સુંદર કામ કર્યું છે. 1960માં તેમના લગ્ન થયા (પત્નીનું અવસાન 2020માં). તેમને બે દીકરી છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

એકદમ નિયમિત જીવન! ઘડિયાળને કાંટે દિવસ પસાર થાય! સાત વાગ્યે ઊઠે. નાહી-ધોઈ ચા પી 8:30 વાગે જૈન-દર્શનનાં પુસ્તકો વાંચે. થોડો સમય છાપુ જોઈ 11.00 વાગે જમે. કલાકેક ટી.વી. જુએ અને થોડો આરામ કરે. બે વાગ્યે ઊઠીને છાપા અને પુસ્તકો વાંચે. ત્રણ વાગે ચા પી 3:30 થી જૈન-શાસ્ત્રો વાંચે અને સાંજ પડતા ઘરમાં જ ચાલે. સાંજે કલાક ભજન સાંભળે. ટી.વી. પર 8.00 થી 9.00 સુધી ભજન અને સંગીત સાંભળે. 9:00 થી 10.00 ગણિતનાં પુસ્તકો વાંચે! ગણિત એમનો મનગમતો વિષય!

શોખના વિષયો : 

સંગીત બહુ ગમે. દિવસમાં બે-ત્રણ વાર સંગીત અને ભજનો સાંભળે. ક્લાસિકલ વાદ્ય સંગીત વધારે ગમે. સિતાર, સરોદ, વાંસળી તેમના મનગમતા વાદ્યો! ગણિત અને એન્જિનિયરિંગ સબ્જેક્ટ પણ બહુ ગમે. કામ કરવાનો  શોખ! એન્જિનિયરિંગમાં પ્રોબ્લેમ પણ હોય અને એનું સોલ્યુશન પણ હોય! જૈન-શાસ્ત્રોમાં પણ એવું જ છે! જીવન જીવવાની સુંદર કળા એમાં બતાવી છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. આનંદ આવે તેવું  કરવું એટલે તબિયત સારી જ રહે! કાનની થોડી તકલીફ છે. નાનપણમાં અખાડામાં નિયમિત કસરત કરતા. છેલ્લા પાંચ વર્ષ બાદ કરતા, કાયમ કસરત કરતા. પણ હવે ઘરમાં જ ચાલે છે.

યાદગાર પ્રસંગ:  

યુપીમાં, બિહારમાં, ગુજરાતમાં, કેન્યામાં એમ ઠેકઠેકાણે સુગર ફેક્ટરી બનાવી છે અને આખી જિંદગી મજા માણી છે. પણ ઝેવિયર્સ કોલેજમાં ખૂબ જ ઓછા પૈસામાં બહુ સરસ સ્ટેજ બનાવી આપ્યું હતું જે લોકોને બહુ ગમ્યું હતું તે હજુ યાદ છે! પર્ડ્યુ યુનિવર્સિટીમાં કામ કરતા ત્યારે એક પાકિસ્તાની સહકર્મચારીએ તેમને ઇલીનોઈ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કરવાનો રસ્તો ચીંધ્યો. 250 ડોલરના સ્ટાઈપન્ડ સાથે પી.એચ.ડી. શરૂ કર્યું. કર્મની ગતિ અને ઈશ્વરની કૃપા કે તેમની પી.એચ.ડી. સરસ રીતે થઈ ગઈ!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજીના એકદમ શરૂઆતના સમયથી તેઓ તેમાં સક્રિય છે. 1956 થી યુનિવર્સિટી ઓફ ઈલીનોઈમાં તેમણે કોમ્પ્યુટર ઉપર કામ કરેલું છે! સિવિલ એન્જિનિયરિંગના પ્રખ્યાત VMS પ્રોગ્રામ તેઓ લખતા. “પ્રખ્યાત VMS પ્રોગ્રામમાંનો M એટલે હું મહેન્દ્ર!” એમ ગર્વથી કહે છે! ઘરના કોમ્પ્યુટર ઉપર તેમણે જૈન-શાસ્ત્રો ડાઉનલોડ કરેલાં છે જેનો નિયમિત અભ્યાસ તેઓ કરે છે. બેન્કનું કામ પણ ઓનલાઇન ઘેરથી જ કરે!

 

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પરિવર્તન હી જીવન હૈ! 192 પાઇનો રૂપિયો હતો ત્યારે એક પાઇ વાપરવા મળતી! આજે ₹100ની કિંમત નથી. જે વસ્તુ પહેલા બિલકુલ ન કરાય તે આજે સહજ છે. પહેલા છૂટાછેડાનો છોછ હતો, આજે છૂટાછેડા સહજ છે! મહાભારત અને રામાયણમાં પણ ઝઘડા હતા જ અને આજે પણ છે! બધાં સુખ શોધે છે, પોતપોતાની રીતે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

યુવાનો સાથે 15 વર્ષ સત્સંગ કર્યો અને કરાવ્યો છે! 1969 માં તેમના પિતાજીએ  સત્સંગ માટે આગ્રહ કર્યો. એક દિવસ તેઓ વ્યાખ્યાનમાં ગયા અને શાસ્ત્રો વાંચવાનું શરૂ કર્યું. કલાક વાંચ્યા પછી જ તેમનો અણગમો ગમોમાં ફેરવાઈ ગયો!

સંદેશો :   

શ્રીમદે કીધેલું: “બને એટલું આનંદમાં રહેવું. તારા કારણે તું દુઃખી થાય છે, તને કોઈ શું દુઃખી કરે?”