નોટ આઉટ@ 91 : કપિલાબહેન ઠાકર

દિયર-નણંદ, તેમનાં બાળકો, પોતાનાં બાળકો, પતિની ઓફિસના મહેમાનો અને અન્ય સ્વજનોની સેવા-સુશ્રુષાને પોતાનો જીવન-ધર્મ બનાવી દીધો તેવાં કપિલાબહેન ઠાકરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ગંગાપુર-સીટી(મથુરા પાસે)માં જન્મ. પિતા રેલવેમાં સારી પોસ્ટ પર હતા એટલે બાળપણ સુખમાં ગયું. પપ્પાની બદલી થતી રહેતી. આગ્રાના ઘરમાંથી “તાજમહાલ” દેખાતો તે હજુ યાદ છે! થોડો સમય મોટાભાઈ સાથે સાબરમતી પાવર-હાઉસમાં રહી ફાઇનલ સુધી વનિતા-વિશ્રામમાં ભણ્યાં. મોટી-બહેન પોણા-બે વર્ષ જ મોટી એટલે જોડકાં-બહેનો લાગે! 14 વર્ષની ઉંમરે અકસ્માતમાં માતા ગુમાવી. નાના ભાઈની જવાબદારી તેમના ઉપર આવી પડી. મરતી ‘મા’ના શબ્દો હજુ યાદ છે: “હિંમત રાખીને રહેજે. હિંમતે મર્દા તો મદદે ખુદા!” નાંદોલના સામાન્ય કુટુંબના પુરષોત્તમભાઈની આવડત અને હોશિયારી પારખી પિતાએ 16 વર્ષના કપિલાબહેનના લગ્ન કર્યા. અમદાવાદ સ્વસ્તિક સોસાયટીમાં એક રૂમનું ઘર, ₹100નો પગાર, ₹35 ભાડું! છ દિયર, ત્રણ નણંદ વારાફરતી તેમની પાસે રહેતાં. તેમને શહેરની રહેણીકરણી શીખવાડી. પૈસાની કરકસર કરીને કુટુંબ-ભાવના અને સેવા-સુશ્રુષા જાળવ્યાં. કપિલાબહેન શહેરમાં રહેલાં. ગામડે જતાં ત્યારે નદીએ કપડાં ધોવા જતાં. કૂવામાંથી પાણી કાઢતાં હાથમાં ફોલ્લા પડી જતા. મોટી તકલીફ તો લોટે જવાની! પણ સમજદાર સાસુ વહેલી સવારે ફાનસ લઈ રૂપાળી વહુને લોટે લઈ જતાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ઊઠીને ભગવાનની પ્રાર્થના કરે. નાહી-ધોઈ પૂજાપાઠ કરે. બ્રહ્માકુમારીમાં માને, રોજ “મુરલી” વાંચે, શિવાનીજીને સાંભળે. પગ સબુત હતા ત્યારે રામકૃષ્ણ મંદિરમાં જતાં. ચાલવાનું ખૂબ ગમે. અત્યારે ત્રણે દીકરાઓ અમેરિકા છે, વારાફરતી આવતા રહે છે. તેમની સંભાળ રાખવા બે બહેનો જોડે રહે છે. બપોરે જમીને આરામ કરે. છાપાં, પુસ્તકો વાંચે. બાગ-કામ (કરે અને) કરાવે. આજે પણ તેમના બાગમાં એક પત્તુ આમતેમ પડ્યું ના હોય! બધાં છોડવાં સરસ ટ્રીમ કરેલાં હોય! 49 વર્ષે પતિનો સાથ ગુમાવ્યો. પતિ NTCમાં MD હતા.

શોખના વિષયો : 

ગીતો સરસ ગાય. “રાખનાં રમકડાં” તેમનું પ્રિય ગીત. ગરબા-દાંડિયા ગમે. ફિલ્મો જોવાનો, રસોઈનો, પત્તા રમવાનો અને નવું-નવું શીખવાનો શોખ! ગૃહ-વ્યવસ્થાની ગજબની આવડત! 25-30 દીકરીઓને તૈયાર કરી છે! જાપાની સિસ્ટમ “કાનબાન” અને “લીન ઓર્ગેનાઈઝેશન” પર તેમનો દીકરો અમેરિકામાં કન્સલ્ટન્સી કરે પણ તેના મૂળભૂત સિદ્ધાંતો તેઓ માતા પાસેથી શીખ્યા હતા: Everything On Its Place And Place For Everything!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

કોઈ મોટી બીમારી નથી, પણ બે-ત્રણ વાર ઘરમાં જ પડી ગયાં પછી વોકર લઈને ચાલે છે. છેલ્લી-વાર પડ્યાં ત્યારે તો લાગતું હતું “કપિલાબા ઊભાં નહીં થાય!” પણ સ્ટ્રોંગ વિલપાવર અને ભગવાનની ભક્તિને લીધે ઊભાં થઈ ગયાં!

યાદગાર પ્રસંગ:  

ભારતનાં ચાર-ધામની યાત્રા, અમેરિકાની સફર, સેંટ-લુઈસની આર્ચ, નાયગ્રા-ધોધ, ડીઝની-વર્લ્ડ, યુનિવર્સલ-સ્ટુડિયો, નાસાના સ્ટુડિયોમાં ચંદ્રયાનની વિડીઓ…. 3 પૌત્રોનાં લગ્નમાં હાજરી આપી. પૌત્ર અનંતના લગ્નની સ્પીચ હજુ લોકો યાદ કરે છે! પોતાના સૌથી નાના દીકરાના લગ્નમાં અમેરિકાથી ધોળિયા મહેમાનો અમદાવાદ આવ્યાં હતાં, ભાષાની તકલીફ વિના 15 દિવસ મહેમાનગતિ માણી હતી. એક મહેમાનની હાઈટ સાડા-છ ફૂટની હતી!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?: 

તેમની યુવાનીમાં ગેસ અને કુકર વાપરવા પણ નવી ટેકનોલોજી હતી! હિસાબ લખતાં, બેંકમાંથી પૈસા ઉપાડતાં, મની-ઓર્ડર કરતાં! આજે સ્માર્ટફોન વાપરે છે! વિડીયો-કોલ પર પ્રપૌત્રો સાથે અમેરિકા વાત કરે છે. જરૂરી અંગ્રેજી શબ્દો શીખી ગયાં છે જેથી બાળકો તેમની સાથે કનેક્ટ કરી શકે! ટેકનોલોજી માટે એકદમ પોઝીટીવ છે. તેનાથી ચોથી-પેઢી જોઈ શકાય છે,  તેમની સાથે વાતો કરી શકાય છે. GOOGLE-MAPથી ચોક્કસ જગ્યાએ પહોંચી જવાય છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજકાલ આત્મીયતા ઘટી ગઈ છે. લોકો રૂબરૂ મળવા ઓછું આવે, whatsapp મેસેજથી કામ પતાવી દે! દિવાળીમાં સબરસ અપવા ક્યાં કોઈ આવે છે?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બંને બાજુના કુટુંબમાં તેઓ આજે સૌથી મોટાં છે. બધાં તેમને “મોટી-બા” કહે છે. નાનાં બાળકો સાથે બાળક થઈને અને વડીલો સાથે વડીલ થઈને વાત કરે છે જેથી બધાંનાં પ્રિય છે! તેઓ અમેરિકા હતાં ત્યારે બાળકો સાથે શાળાએ જતાં અને  તેમની સાથે રમતો રમતાં. આજે પણ  અમેરિકન-પ્રપૌત્રો સાથે નિયમિત વાતો કરે છે!

સંદેશો :  

પ્રસન્ન-ચિત્ત રહેવું, પ્રશ્ન-ચિત્ત નહીં! કેમ કર્યું, શું કર્યું, શેના માટે કર્યું એવા પ્રશ્નોથી દૂર રહેવું. જિંદગીની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવો. કુટુંબ-પ્રેમ રાખવો. કુટુંબીઓને મદદ કરવી.