નોટ આઉટ @ 83 : સુશીલાબહેન સૂચક

છેલ્લાં ઘણાં વર્ષોથી મુંબઈમાં, દર ગુરુવારે, સાહિત્ય-સંસદની પ્રવૃત્તિમાં ઉત્સાહભેર, સક્રિય ભાગ લેતાં, સુશીલાબહેન સૂચકની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

સુશીલાબહેનનો જન્મ ભરૂચના, વસ્તારી, સુખી કુટુંબમાં. તેઓ પાંચ બહેનો અને એક ભાઈ. પિતાને બિલ્ડીંગ-મટીરીયલનો વેપાર હતો. સુશીલાબહેનનો શાળાનો અભ્યાસ ભરૂચની પારસી સ્કૂલમાં થયો. સ્પોર્ટ્સ અને વાંચનનો બાળપણથી શોખ. સુશીલાબહેન ભણવામાં હોશિયાર, કાયમ પહેલા નંબરે પાસ થાય. એસએસસીમાં તેમનો ભરૂચ-કેન્દ્રમાં પ્રથમ નંબર આવેલો. તેમણે ભરૂચથી BA, નવસારીથી MA કર્યું. લગ્ન પછી સંયુક્ત કુટુંબમાં રહેતાં. મન-ગમતી પ્રવૃત્તિ કરવા બિલ્ડર-પતિએ જુહુ-સ્કીમમાં બે ગેરેજ ભેગા કરી સરસ જગ્યા આપી. સુશીલાબહેને ત્યાં બુટીક કર્યું, જેનું  ઉદ્ઘાટન પ્રસિદ્ધ અભિનેત્રી જયા બચ્ચને કર્યું હતું. અભિનેતા-અભિનેત્રીઓ, નાટક અને ટીવીની નાયિકાઓ વગેરે તેમના માનવંતા ગ્રાહકો. સુશીલાબહેન સમયસર અને સારા ફીટીંગનાં વસ્ત્રો કરી આપતાં. 18 વર્ષ તેમનું બુટીક બહુ સરસ ચાલ્યું. તેઓ ખાર રહેવા ગયાં પછી બુટીક બંધ કર્યું. તેમના પતિદેવ કનુભાઈએ કલા-ગુર્જરી નામની સંસ્થા શરૂ કરી.

સમય મળતાં, 30 વર્ષ પછી પાછાં કોલેજીયન થયાં! બીજીવાર સંસ્કૃતમાં(અલંકાર શાસ્ત્રમાં) MA કર્યું! પતિએ તેમને સાથ આપવા 54 વર્ષે ગુજરાતીમાં MA કર્યું! તે દરમ્યાન અમેરિકા ગયેલો, MS. PhD ભણેલો, મોટો દીકરો નાનકડી માંદગીમાં ઓચિંતો અવસાન પામ્યો. જીવનમાં મહા-કષ્ટ આવી પડ્યું! તેઓ ચોપાસ હતાશા અને નિરાશાથી  ઘે

રાઈ ગયાં. જીવનમાંથી હતાશા દૂર કરવા, સંગીતનો સહારો લીધો. રોજ ઘરે સંગીત શીખતાં. નાનો દીકરો પણ અમેરિકા સ્થાયી થયો. તેઓ વર્ષમાં બે-ત્રણ મહિના યુએસએ રહેતાં. સંસ્કૃતના વિદ્વાન-ગુરુ કુલકર્ણીસાહેબ પાસે તેઓ સંસ્કૃત ભણ્યાં અને 65 વર્ષે પીએચડી કર્યું! પ્રશંસાની વાત છે કે જીવનની દરેક પ્રવૃત્તિ પતિ-પત્નીએ  એકબીજાના સહયોગથી કરી!

 

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે પૂજા-પાઠ અને વાંચનમાં તેમનો સમય જાય. મહારાજ રસોઈ કરે તેથી રસોઈમાં સમય જતો નથી. 15 વર્ષ રોજ યોગ કરતાં પણ પગનાં ઓપરેશન પછી હવે યોગ થતાં નથી. એક કલાક પ્રાણાયામ કરે છે. સાહિત્યની ઘણી પ્રવૃત્તિ કરે છે, કાવ્ય-સ્પર્ધા, સુગમ-સંગીત, વાર્તા-સ્પર્ધા, ગરબા-સ્પર્ધા, નિબંધ-સ્પર્ધા વગેરેમાં નિયમિત ભાગ લે છે. સંસ્કૃત શીખવા વિદ્યાર્થીઓ ઘરે આવે છે! એક પૌત્ર (૨૦ વર્ષ) અને એક પૌત્રી (૧૬ વર્ષ) છે. હવે તો બંને યુવાન થઈ ગયાં છે. તેમની સાથે રહેવા અને તેમને ભારતીય સંસ્કૃતિનો વારસો આપવા તેઓ વર્ષમાં ત્રણ-ચાર મહિના યુએસએ હોય છે. પૌત્ર-પૌત્રી માતૃભાષામાં અને સંસ્કૃતમાં વાતચીત કરી શકે છે, તેમને પ્રાર્થના, સુભાષિતો વગેરે પણ આવડે છે!

શોખના વિષયો : 

વાંચનનો, સાહિત્યનો અને સંગીત શોખ છે. પાકશાસ્ત્રનો શોખ હજી છે. પારંપરિક મીઠાઈઓ શીખવે છે!  ફરવાનો શોખ. ટ્રેકિંગ કરવું બહુ ગમે. દરવર્ષે હિમાલય જતાં!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:  ભગવાનની દયાથી તબિયત સારી છે. બંને પગનાં ઓપરેશન કર્યાં છે, પણ એ સિવાય કોઈ મોટી તકલીફ નથી. સારી-તબિયત વારસાગત હશે અને થોડું પ્રાણાયામને લીધે પણ હશે!

યાદગાર પ્રસંગ:  

સુશીલાબહેન શાળાની સ્પર્ધાઓમાં, દર વર્ષે પ્રથમ આવે. પારસી-શાળાને 50 વર્ષ થયાં તે પ્રસંગે વાર્ષિક મહોત્સવમાં તેમને ઘણાં ઇનામો મળ્યાં. તેમનું નામ વારે-ઘડીએ બોલાય! મહેમાન તરીકે આવેલ વકીલ-સાહેબ મોતીલાલકાકા સુશીલાબહેનના પપ્પાને ઓળખે. તેમણે હસતાંહસતાં કહેવડાવ્યું :”ઇનામો લઈ જવા માટે ગાડું લઈને આવજો!”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે ટેકનોલોજી ઓછી વાપરે છે, પણ તેમના પતિદેવને ટેકનોલોજીનો ઘણો શોખ છે, તેથી ટેકનોલોજીનું મહત્વ જાણે છે. તેઓ  મોબાઇલ, ઇમેલ, youtube, ઝૂમ-મીટીંગ વગેરેથી પરિચિત છે અને બધાંનો સારી રીતે ઉપયોગ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પ્રગતિ અને પરિવર્તન તો સંસારનો નિયમ છે! જેમ બધું જ સારું નથી, તેમ બધું ખરાબ પણ નથી! ટેકનોલોજી તો એક શંભુ-મેળો છે! નીર-ક્ષીર વિવેક આપણે જાળવવાનો છે. ટેકનોલોજીથી નજીકનાં લોકો દૂર થયાં તેવા ભાવની કવિ ભાસ્કર વોરાની પંક્તિ ટાંકે છે : શ્યામ, તમે સાવ રે નજીક અને તોય કેટલા દૂર!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને યુવાનો સાથે વાતો કરવાનું ગમે અને તેમને સલાહ આપવી પણ ગમે! જેમ બાળકોને એડોપ્ટ કરે છે તેમ ઘણાં બધાં યુવાનોએ તેમને, મા-બાપને એડોપ્ટ કર્યાં છે! સુશીલાબહેનને તો “મા” જ કહે છે!

સંદેશો :  

આનંદ જ જીવનનું ધ્યેય છે! આનંદ આપવો અને આનંદ લેવો! ગમતી પ્રવૃત્તિ કરવી. કોઈને નડવું નહીં અને કોઈને નડવા દેવું નહીં!