નોટ આઉટ @ 81 : પ્રતિમાબહેન (પાલકર) ઠાકોર

પર્વતોને પોતાની સુંદર ચિત્રકલા સુધી સીમિત રાખવાને બદલે ઊંચા-ઊંચા પર્વતોમાં અપ્રતિમ સાહસથી આરોહણ કરનાર ગુજરાતના પ્રથમ મહિલા-પર્વતારોહકોમાંના એક પ્રતિમાબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ નવસારીમાં. પિતા ગાયકવાડી રાજમાં ડોક્ટર. તેમની બદલી વારંવાર થયા કરે પણ પ્રતિમાબહેનનું મરાઠી કુટુંબ વડોદરામાં સ્થાયી થયેલું. એક અપરણીત ફોઈ સાથે રહેતાં. પ્રતિમાબહેનને ત્રણ ભાઈ, બે બહેન. બધાંનો શાળાનો અભ્યાસ વડોદરામાં. તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફાઈન-આર્ટસ(કલા)નું શિક્ષણ લીધું. એકવાર લાંબુ વેકેશન હતું. ભાઈના સજેશનથી તેઓ ‘પરિભ્રમણ’ સંસ્થા દ્વારા ગોઠવાયેલ પર્વતારોહણના પ્રોગ્રામમાં જોડાઈ ગયાં. દાર્જીલિંગ અને મનાલી પછી ગઢવાલ રેન્જમાં ગંગોત્રીથી શ્રી કૈલાશ, ગુજરાત અને માતરી શિખરો સર કર્યાં. દાર્જીલિંગમાં મહિલાઓ માટે પર્વતારોહણની બેઝીક તાલીમનો આ પહેલો કેમ્પ હતો. ત્યારબાદ મનાલીમાં એડવાન્સ કોર્સ કર્યો અને ‘નોર્બુ’ પીક સર કર્યું. થોડા સમય બાદ ઇડરમાં રોક-ક્લાઇમ્બિન્ગ માટે તાલીમી આયોજન કર્યું. સહાધ્યાયી અને  મિત્ર સ્વાતિ દેસાઈના કઝિન પરેશભાઈ ઠાકોર સાથે લગ્ન કર્યા. અમદાવાદમાં સ્થાયી થઈ AMC School Board માં 28 વર્ષ કામ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ :
તેમની શુભ-સવાર પડે ઓન-લાઈન ગીતા-ક્લાસથી! પછી પ્રાણાયામ કરે. નાહી-ધોઈને પૂજાપાઠ કરે. 10:30 વાગે થોડા ફ્રી થાય ત્યારે વાંચન, ક્રાફ્ટ વગેરે કરે. દીકરો-વહુ અને બે પૌત્રીઓ સાથે રહે છે જેઓ તેમનું બહુ ધ્યાન રાખે છે. દીકરી-જમાઈ-દોહિત્રી પણ ખૂબ સાચવે છે. જમીને થોડો આરામ કરે. બપોરે ઊઠીને ચા-પાણી કરી 40 મિનિટ ઘરમાં ચાલે. વાહનોને લીધે રસ્તા પર ચાલવાનું ફાવતું નથી. ત્રિકાળ-સંધ્યા અચૂક કરે. રાત્રે મોડેથી ટીવી જુએ. કેબીસી તેમની ફેવરિટ સીરીયલ છે.
શોખના વિષયો :

બહુમુખી પ્રતિભા છે! રસોઈ કરવાથી માંડી પર્વતારોહણ સુધીના અનેક શોખ છે! ફરવાનું ગમે. આખા દેશમાં ફરી વળ્યાં છે. ચિત્રકામ અને ક્રાફટ કરે. બાટીક કરવું બહુ ગમે. શાસ્ત્રીય સંગીતનો પણ શોખ છે. વડોદરાની મ્યુઝિક-કોલેજમાંથી સીતાર તથા કથ્થક ડાન્સ શીખ્યાં છે. રસોઈ કરવી ગમે છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત દુખાવા સાથે સારી છે! ઉંમર પ્રમાણે બીપી, થાઈરોડ વગેરે તકલીફો છે. ઓસ્ટોપોરોસીસની તકલીફ પણ છે. ઘરમાં દીકરો-વહુ અને પૌત્રીઓ સાથે છે તેથી બીજી કોઈ તકલીફ નથી.
યાદગાર પ્રસંગ:

પર્વતારોહણ સમયના અનેક પ્રસંગ યાદ છે. ‘નોર્બુ’ પિક સર કરી તે વખતના પ્રસંગને હસતાં-હસતાં યાદ કરે છે: ચા-ખાંડ-ચોખા ભેગાં થઈ ગયાં હતાં, રસોઈ કેવી રીતે કરવી? એકવાર મદદ માટે કાયમના માણસોની બદલીમાં તળેટીના માણસો આવ્યા હતા. ભયંકર વરસાદમાં વીજળી થાય એટલે આકાશમાં માણસોનાં આકારનાં કાળાં વાદળોને ફરતે રૂપેરી બોર્ડર તેમને ‘યતિ’ જેવું રૂપ આપે. પેલા મજૂરો વાદળોને જોઈને ગભરાઈ ગયા અને ‘યતિ, યતિ’ બૂમો પાડતા ભાગી ગયા! નદી ક્રોસ કરતી વખતે બનાવેલ કામ-ચલાઉ રોપ-વેમાં ગેરસમજને કારણે હાથ દોરડામાં ફસાઈ ગયો હતો અને આખો પંજો છોલાઈ ગયો હતો અને સેપ્ટિક થઈ ગયું હતું. હાથમાં આજે પણ તે નિશાન દેખાય છે! 18000 ફૂટની ઉંચાઈથી આખા-ને-આખા રસ્તા અતિવેગમાં નીચે ધસી જતા હોય તેવો ભયંકર હિમ-પ્રપાત જોયેલો તે કેમ ભૂલાય?

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

સવારની શરૂઆત ટેકનોલોજીની મદદથી ચાલતા ગીતા-ક્લાસથી થાય. મોબાઈલનો સારો ઉપયોગ કરી લે છે. પૌત્રીઓની મદદથી FACEBOOK પર થોડું સોશિયલાઈઝ કર્યું પણ “ત્યાં તો પંચાત જ વધુ છે!” તેમ લાગતા હવે FACEBOOK પર સક્રિય નથી.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

જીવન ઘણું બદલાઈ ગયું છે. વિચારવાનો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે. પહેલા કુટુંબ-મિત્રો-સમાજ સાથે વ્યવહાર અને સંબંધ જાળવવાનું અગત્યનું હતું. લોકો સારા-માઠા પ્રસંગે એકબીજાને મળવાં જતાં, જે હવે ઓછું થઈ ગયું છે. બાળકોને કહીએ તો કરે, પણ જાતે કરે નહીં. ફોકસ બદલાઈ ગયું છે. આપણે જે કરવું હોય તે કરવા માટે ગમે તેટલી તકલીફ પડે તે સહન કરી લેતાં જ્યારે હવે તકલીફ વગર જે થઈ શકે તે કરવું એમ તેઓ માને!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

ઘરનાં અને સગા-વ્હાલાંનાં બાળકો તથા તેમનાં મિત્રો સાથે એકદમ તાલમેલ છે. પૌત્રીનાં મિત્રો પ્રોજેક્ટસ-અસાઇનમેન્ટ કરાવવા તેમની પાસે આવે છે!

સંદેશો :

આજના યુવાનો માટે ઇઝી-અટ્રેક્શન ઘણાં છે. તેમણે સમજવું જોઈએ કે કુદરતી આકર્ષણો પણ એટલાં જ સુંદર છે. કુદરત પાસે જશો, તેને જાણશો અને માણશો, તો બીજા દુષણોથી દૂર રહી શકશો.