સમાજમાં સાચા શિક્ષણની જ્યોત જગાવતું અભિયાન ‘ઉત્થાન’

આજે રાષ્ટ્રીય શિક્ષા દિવસ છે. દેશભરમાં એનેક જગ્યાએ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શિક્ષણને વ્યાપક બનાવવામાં યોગદાન આપનારાઓને બિરદાવવામાં આવી રહ્યા છે. આજે આપને એક એવી સંસ્થાની વાત કરવી છે જે શિક્ષણ દ્વારા બાળકોના સર્વાંગી અને સમાવેશી શિક્ષણને સમર્પિત છે. એવી સંસ્થા જેણે શિક્ષણથી વંચિત બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવ્યો, જ્યાં સરકારી શાળાઓના હાથ ટૂંકા પડ્યા ત્યાં તે ખભેખભો મિલાવીને શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે ભોમિયા થઈને ઉભા રહ્યા અને એ પણ બિલકુલ નિ:સ્વાર્થ ભાવે.

કોઈપણ વિદ્યાર્થી ઠોઠ નથી હોતો, શિક્ષણથી દરેકમાં પડેલી આવડત મુજબ તેની ક્ષમતાઓ વિકસાવવી ઉચ્ચ કક્ષાએ પહોંચાડી શકાય છે. બાળકોને જો રૂચિ અનુસાર તાલીમ આપવામાં આવે તો, ભણતર સાથે તેમનું જીવન ઘડતર કરી શકાય છે. આવી જ જીવંત ઘટનાઓ બની રહી છે ગુજરાતના મુંદ્રા, નખત્રાણા દહેજ, હજીરા સહિત અનેક સ્થળોએ. બાળકોને મનગમતા વિષયો સાથે ભણવાની ભૂખ જગાડી તેમને માહિતી સભર જ્ઞાન પીરસવામાં આવે છે.

‘જો મારી ગણતરી પ્રિય વિદ્યાર્થીમાં ન થઈ હોત તો, મને આવી શિક્ષણ પદ્ધતિથી ભણાવવામાં આવ્યું ન હોત. મને ઉત્થાન સહાયક સાથે ભણવાની તક પણ ન મળી હોત’. આ શબ્દો છે નવીન રબારીના, જે કચ્છની ટુંડા વાંઢ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છે. મજૂરી કરી ગુજરાન ચલાવતા માતા-પિતાનું સંતાન નવીન ભણતર સિવાય, અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ પાછળ રહી જતો હતો. તે શાળામાં દાખલ થવા પણ માંગતો ન હતો, પરંતુ ‘ઉત્થાન સહાયકો’ના પ્રયત્નો થકી આજે તેની સમજ વિકસી છે. વાંચન, લેખન અને ગણનમાં પણ તે આગળ વઘી રહ્યો છે. નિતિક જેવા 10,000 થી વધુ વિદ્યાર્થીઓ પણ આવી જ લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

સામાન્ય સંજોગોમાં અનોખું શિક્ષણ આપનાર ‘ઉત્થાન સહાયકો’એ કોરોનાકાળમાં પણ પ્રસંશનીય કામગીરી કરી બતાવી. કોરોનાકાળમાં જ્યારે પ્રત્યક્ષ શિક્ષણ વર્ગો બંધ થઈ ગયા અને ઓનલાઈન શિક્ષણ માટે મોબાઈલ ફોનની મૂળભૂત આવશ્યકતાથી જેઓ વંચિત હતા તેમને ભણાવવું અત્યંત પડકારજનક હતું. કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પાલન કરીને ઉત્થાન સહાયકોએ બાળકોને ઘરે-ધરે જઈને તેમજ શેરી શિક્ષણ થકી ઉત્તમ તાલીમ આપી પ્રશિક્ષિત કર્યા. આવી કામગીરીના પરિણામો ઉડીને આંખે વળગે તેવાં હતાં.

બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં પ્રાથમિક શિક્ષણ પ્રભાવી ભૂમિકા ભજવે છે. કચ્છ યુનિવર્સિટીના અસેસમેન્ટ પ્રમાણે 2019-20માં વિદ્યાર્થીઓની વાંચન અને લેખનની ક્ષમતા 30% થી વધીને 61%, આંકડાકીય ક્ષમતા 20% થી વધીને 54% થઈ. 75% બાળકો શિક્ષણ સિવાયના અન્ય પુસ્તકો પણ વાંચતા થયા છે. 72% વિદ્યાર્થીને કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન મળ્યું છે. એનો મતલબ એ છે કે, ઉત્થાનના ઉમદા પ્રયત્નોથી બાળકોમા લેખન-વાંચન અને ખેલકૂદની પ્રવૃત્તિઓમાં અનેક ગણો વધારો નોંધાયો છે.

શિક્ષણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની આધારશીલા છે. ભાર વિનાનું ભણતર અને સમાવેશી શિક્ષણ હેઠળ બાળકોના અધ્યયન સ્તરને સુધારવા પ્રશિક્ષણ માટેની જરૂરિયાત પણ અલગ-અલગ હોય છે. બાળકોમાં શિક્ષણ સાથે સર્જનાત્મક પ્રવૃતિઓ પણ વિકસે તે માટે શાળામાં રમતગમતના સાધનો, શાળા-સુશોભન, પેન્ટિંગ, લાયબ્રેરી જેવી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. ઉત્થાન શાળામાં શિક્ષક, વાલી, વિધાર્થી અને સરકારી અધિકારીઓ સાથે રહીને પ્રાથમિક શાળાને ઉત્તમ બનાવા માટે વિવિધ પ્રકારની મદદ કરે છે. આ તમામ પ્રવૃતિઓ માટે ઉત્થાન સહાયકોને વિવિધ તાલીમો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

‘ઉત્થાન’ પ્રોજેક્ટ હેઠળ જુલાઈ 2018માં કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે MoU કરીને શિક્ષણ કાર્યનો આરંભ કરવામાં આવ્યો હતો. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા પ્રીતીબહેન અદાણી શિક્ષણ થકી એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવાની ખેવના ધરાવે છે. તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાઈને શાળા અને શિક્ષણને જીવંત, ઉર્જાવાન બનાવવાની સાથોસાથ સતત નવું કરવાનો પ્રયાસ કરે છે. આગામી સમયમાં ઉત્થાન પ્રોજકેટ વધુને વધુ સરકારી શાળાઓ સુધી પહોંચી વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી થાય તે માટે પ્રયત્નશીલ છે.

(ડો. ચિરાગ પટેલ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]