‘હેપી વેલેન્ટાઈન ડે’ અસ્મિતાએ ઉમળકાથી કહ્યું…

અસ્મિતા ૩૫ વર્ષની થઇ હતી, પરંતુ જો તેના લગ્નની વાત નીકળે તો તે ગુસ્સે થઈને બીજા રૂમમાં જતી રહેતી. તેની મમ્મી સમજાવે કે, બેટા, હવે મોડું થઈ ગયું. તારે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ ખબર નહીં શા માટે છેલ્લા દસ વર્ષથી જ્યારે પણ લગ્નની વાત આવતી ત્યારે પહેલા તો અસ્મિતા રડી પડતી. પછી ધીમે ધીમે તે રુદન રોષમાં પલટાવા લાગ્યું. હવે જ્યારે પણ તેની મમ્મી કે પપ્પા લગ્ન વિશે વાત કરે ત્યારે અસ્મિતા બીજા રૂમમાં જતી રહેતી અથવા તો છણકો કરીને જવાબ આપી દેતી કે,  ‘મારે લગ્ન નથી કરવા. હું મારી જિંદગીમાં ખુશ છું અને તમારી સાથે જ રહેવા માંગુ છું. તમને કંઈ વાંધો છે?’

‘અમને શું વાંધો હોય બેટા? પણ અમે તો આજે છીએ ને કાલે નથી. એકલવાયું જીવન ક્યાં સુધી જીવીશ? કોઈ જીવનસાથી હશે તો વૃદ્ધત્વ સારી નીકળશે.’ તેની મમ્મી સમજાવવાની કોશિશ કરતી. અસ્મિતાના મમ્મી-પપ્પા બન્ને જાણતા હતા કે દીકરીના મનમાં કંઇક છે જે તેને અંદરથી કોરી ખાઈ રહ્યું છે. પરંતુ તે ક્યારેય ખુલીને વાત કરતી નથી.

અસ્મિતાએ કોલેજ પૂરી કરી અને બી.એડ. કર્યું ત્યારબાદ શહેરની હાઈસ્કૂલમાં જ તેને નોકરી મળી ગઈ અને તે સેટલ થઈ ગઈ. બી.એડ. કરવા માટે તે અમદાવાદ ગયેલી તે બે વર્ષ જ ફક્ત ઘરથી દૂર રહી. તેના સિવાય તેના જીવનની દરેક વાતો તેના માતા પિતા જાણતા હતા. પરંતુ તે બે વર્ષ પછી જ્યારે અસ્મિતા પાછી આવી ત્યારથી જ તેના સ્વભાવમાં કંઈક પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતું. જુવાન છોકરીને કેવી રીતે વધારે પૂછપરછ કરવી? છોકરી ડાહી હતી અને અને મમ્મી-પપ્પાનું કહ્યું માનતી. પરંતુ તેનું એકલવાયું જીવન હવે મમ્મી-પપ્પા માટે ચિંતાનું કારણ બન્યું હતું. કેટલાય સારા છોકરાઓ બતાવ્યા, પરંતુ અસ્મિતા એ તેમનામાં જરાય રસ જ ન લીધો.

આજે પણ ચા પીતી વખતે તેની મમ્મીએ લગ્નની વાત કાઢી તો અસ્મિતા પોતાના રૂમમાં જતી રહી.

લગભગ છ વાગવા આવ્યા હતા. સાંજ થવાની તૈયારી હતી. શિયાળાની ગુલાબી ઠંડી માત્ર સાંજે જ અનુભવાતી. દિવસ તો હવે ગરમ રહેવા માંડ્યો હતો. અસ્મિતા પોતાના રૂમમાં કોઈ નવલકથા વાંચી રહી હતી કે તેની મમ્મીનો બહારથી અવાજ આવ્યો, ‘અસ્મિતા, જો તને મળવા કોઈ આવ્યું છે.’

‘કોણ છે મમ્મી?’ અસ્મિતા અંદરથી જ પૂછ્યું.

‘આવ તો ખરા.’ તારી મમ્મીએ કહ્યું.

અસ્મિતા તેની નવલકથાની બુકમાં આંગળી રાખી હાથમાં લઈને બહાર આવી અને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી તો દરવાજે આવેલી વ્યક્તિને જોઈને તેના પગ થંભી ગયા.

દરવાજા પર ચાલીસેક વર્ષનો ઊંચો અને મજબૂત બાંધાનો એક શામળો યુવાન હાથમાં ગુલાબના ફૂલ અને મીઠાઈનું પેકેટ લઈને ઉભો હતો. કાળા રંગના સૂટ અને બ્લુ શર્ટમાં કલમેથી સફેદ થયેલા વાળ વાળો તે યુવાન અસ્મિતાને જોતા ભાવવિભોર થઈ ગયો.

‘વિક્રમ તું?’ અસ્મિતાથી માંડ માંડ બોલાયું.

‘હા. ગઈકાલે જ અમેરિકાથી આવ્યો. મારી બહેને તારા વિશે કહ્યું કે તે હજુ પણ લગ્ન નથી કર્યા તો મને થયું આજે વેલેન્ટાઇન ડે થી વધારે સારો દિવસ ક્યારે મળશે તને પ્રપોઝ કરવાનો?’ વિક્રમનો અવાજ લાગણીથી ભીંજાયેલો હતો.

તેની મમ્મીની સામે વિક્રમે આ રીતે બોલેલા નિખાલસ શબ્દોએ અસ્મિતાને શરમાવી દીધી.

‘આંટી, અસ્મિતા જ્યારે બી એડ કરવા અમદાવાદ આવી ત્યારે અમે બંને મળેલા અને અમારી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલો.  મારા મમ્મી પપ્પાએ મને અમેરિકા મોકલ્યો ત્યારે મેં અસ્મિતાને કેટલીવાર કહેલું કે મારી સાથે લગ્ન કરીને અમેરિકા આવે. પરંતુ – હું એકની એક દીકરી છું અને જો હું પણ દેશ છોડીને ચાલી જાઉં તો મારા મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખે – તેવું કહીને તેણે મારી સાથે આવવાનો ઈનકાર કરી દીધો હતો.’ વિક્રમે અસ્મિતાની મમ્મીને સંબોધીને કહ્યું.

‘તેના પ્રેમની ખાતર હું તો અમેરિકા જઇને પણ ન પરણ્યો પરંતુ કાલે ઘરે આવ્યો તો મારી બહેને કહ્યું કે અસ્મિતા પણ હજુ પરણી નથી. એ જાણીને હું મારી જાતને રોકી ન શકયો અને મને થયું કે તમારી સામે જ વાત કરી જોઉં. કદાચ જો તેના મનમાં મારા માટે હજીયે પ્રેમ હોય તો હું અહીં જ સેટલ થવા તૈયાર છું. મારો બિઝનેસ સારો સેટ થઈ ગયો છે અને હું તેને રીમોટ લોકેશનથી ઓપરેટ કરી શકું તેમ છું.’ વિક્રમે કહ્યું.

અસ્મિતાના પપ્પા પણ ડ્રોઈંગરૂમમાં આવી ગયા હતા અને તેમણે આ બધી વાત સાંભળી. આખરે તેમણે અસ્મિતાને પૂછ્યું, ‘અમારા માટે થઈને તે આટલા સારા યુવાનને છોડી દીધો?’

અસ્મિતાની આંખો ભરાઈ આવી. બે ક્ષણ રહીને તેણે વિક્રમને કહ્યું, ‘તું આ ફૂલ મને નહિ, મારા મમ્મી-પપ્પાને આપીને તેમને પ્રપોઝ કર. જો તેઓ તને સ્વીકારશે તો મેં તો હંમેશા જ તને મારો જ માન્યો છે. એટલા માટે તો હું હજુ પણ તારી રાહ જોતી બેઠી છું.’

‘વીલ યુ બી માઇ વેલેન્ટાઈન, અંકલ,આંટી?’ વિક્રમે ફૂલ અસ્મિતાના મમ્મી-પપ્પા સામે લંબાવતા પૂછ્યું.

પ્રેમાળ દંપતીએ આંખો ભીની આંખે વિક્રમના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

‘હેપી વેલેન્ટાઈન ડે.’ અસ્મિતાએ ખુશીના ઉમળકાથી કહ્યું.

‘હેપી વેલેન્ટાઈન ડે.’ તેના મમ્મી પપ્પા અને વિક્રમ લગભગ એકસાથે બોલ્યા.

(રોહિત વઢવાણા) 

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)